<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

ટ્રમ્પના ‘બોર્ડ ઓફ પીસ’માં પાકિસ્તાનનો ફિયાસ્કો: હસ્તાક્ષર સમારોહમાં શેહબાઝ શરીફને છેલ્લી હરોળમાં બેસાડાયા, ૨૦થી પણ ઓછા દેશોના ટેકાથી ટ્રમ્પની યોજના ફીકી પડી!

દાવોસમાં ગાઝા શાંતિ મિશનનું ઉદ્ઘાટન— હમાસને નિઃશસ્ત્ર થવા ટ્રમ્પનું છેલ્લું અલ્ટીમેટમ, સભ્યપદ માટે ₹૮,૦૦૦ કરોડની ફી હોવાના અહેવાલ વચ્ચે ભારત-ચીન જેવા મોટા દેશોએ બનાવી દૂરી

દાવોસ: સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં યોજાયેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બહુચર્ચિત ‘બોર્ડ ઓફ પીસ’ (શાંતિ બોર્ડ) નું ચાર્ટર તો જાહેર કર્યું, પરંતુ આ કાર્યક્રમમાં અપેક્ષા મુજબનો પ્રતિસાદ મળ્યો નથી. ૬૦ દેશોને આમંત્રણ અપાયું હોવા છતાં માત્ર ૧૫-૨૦ દેશોએ જ આ પહેલમાં રસ દાખવ્યો છે. સૌથી વધુ ચર્ચા પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફની થઈ રહી છે, જેમને હસ્તાક્ષર સમારોહ દરમિયાન પાછળની હરોળમાં સ્થાન મળતા પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાન થયું હોવાની વાતો વહેતી થઈ છે.

પાકિસ્તાનનું રાજદ્વારી અપમાન અને ઘરઆંગણે વિરોધ

શાંતિ બોર્ડમાં પાકિસ્તાનનો સમાવેશ તો થયો છે, પરંતુ સમારોહ દરમિયાન શેહબાઝ શરીફ પહેલી હરોળમાંથી ગેરહાજર જણાતા હતા. આ દ્રશ્યોએ સાબિત કર્યું છે કે ટ્રમ્પના આ નવા સંગઠનમાં પાકિસ્તાનનું કદ ઘણું નાનું છે. બીજી તરફ, પાકિસ્તાનમાં પણ મૌલાના ફઝલુર રહેમાન જેવા નેતાઓએ આ બોર્ડમાં જોડાવા બદલ શેહબાઝ સરકાર અને આર્મી ચીફ અસીમ મુનીરની આકરી ટીકા કરી છે, જેને પગલે પાકિસ્તાન બેવડી મુસીબતમાં ફસાયું છે.

હમાસને ટ્રમ્પની કડક ચેતવણી

ટ્રમ્પે પોતાના ભાષણમાં ગાઝા યુદ્ધનો અંત નજીક હોવાનું જણાવ્યું હતું, પરંતુ સાથે જ હમાસને સ્પષ્ટ અલ્ટીમેટમ આપ્યું હતું. તેમણે કહ્યું, "હમાસે હથિયારો છોડી દેવા પડશે અને તમામ બંધકોના મૃતદેહ પરત કરવા પડશે. જો તેઓ આમ નહીં કરે, તો તેમનો સંપૂર્ણ નાશ નિશ્ચિત છે." ટ્રમ્પે હમાસના સભ્યો વિશે ટિપ્પણી કરતા કહ્યું કે તેઓ 'હાથમાં રાઇફલ લઈને જન્મ્યા છે', માટે શાંતિ માટે તેમનું નિઃશસ્ત્રીકરણ જરૂરી છે.

બોર્ડ ઓફ પીસ: શાંતિ કે વેપાર?

અહેવાલો અનુસાર, આ શાંતિ બોર્ડના કાયમી સભ્ય બનવા માટે દેશે ૧ અબજ ડોલર (આશરે ૮,૨૫૦ કરોડ રૂપિયા) નું ભંડોળ આપવું પડે તેમ છે. ભારત અને ચીન જેવા મોટા દેશોએ આ જ કારણોસર અને નીતિગત ચિંતાઓને લીધે આ હસ્તાક્ષર સમારોહથી દૂરી બનાવી રાખી છે. જોકે, આર્જેન્ટિના, ઇન્ડોનેશિયા અને અઝરબૈજાન જેવા દેશોના નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

ટ્રમ્પે આ બોર્ડને "વિશ્વનું સૌથી શક્તિશાળી અને પરિણામલક્ષી બોર્ડ" ગણાવ્યું છે, જે ગાઝાના પુનર્નિર્માણ અને ભવિષ્યના વૈશ્વિક સંઘર્ષો ઉકેલવા પર કામ કરશે. હવે જોવાનું એ રહેશે કે સંયુક્ત રાષ્ટ્રની હાજરીમાં આ નવું બોર્ડ કેટલી સફળતા મેળવે છે.

(7:04 PM IST)