<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

કેરળમાં ‘કમળ’ ખીલવવા ભાજપનો માસ્ટરસ્ટ્રોક: સાબુ જેકબની ‘ટ્વેન્ટી20’ પાર્ટી NDAમાં સામેલ, મોદીના આગમન પહેલા દક્ષિણના રાજકારણમાં મોટો ઉલટફેર!

LDF અને UDF ના એકાધિકારને તોડવા ‘થ્રી બ્રધર્સ’ ની જેમ ભાજપે વધાર્યું કુણબું— કાઈટેક્સ ગ્રુપના એમડી અને પૂર્વ ધારાસભ્ય થમરક્ષને ધર્યો કેસરીયો, વિધાનસભા ચૂંટણી પહેલા એનડીએનું કદ વધ્યું

તિરુવનંતપુરમ: કેરળમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપે રાજ્યમાં પોતાના વિસ્તરણ અભિયાનને વેગ આપતા વિરોધ પક્ષોના ગઢમાં ગાબડું પાડ્યું છે. ગુરુવારે કોર્પોરેટ જગતમાંથી રાજકારણમાં આવેલી અને પ્રભાવશાળી ગણાતી ‘ટ્વેન્ટી20’ (T20) પાર્ટી સત્તાવાર રીતે ભાજપની આગેવાની હેઠળના એનડીએ (NDA) ગઠબંધનમાં જોડાઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તિરુવનંતપુરમ પ્રવાસના ઠીક એક દિવસ પહેલા આ જાહેરાત થતા રાજકીય ગરમાવો વધી ગયો છે.

સાબુ જેકબ અને થમરક્ષનનો સાથ

કાઈટેક્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર સાબુ જેકબ અને જનતિપથ્ય સંરક્ષણા સમિતિ (JSS) ના પૂર્વ ધારાસભ્ય એ.વી. થમરક્ષને ભાજપના પ્રદેશ પ્રમુખ રાજીવ ચંદ્રશેખરની હાજરીમાં એનડીએમાં જોડાવાની જાહેરાત કરી હતી. સાબુ જેકબે પત્રકારોને જણાવ્યું હતું કે, "કેરળના વિકાસ માટે અને વર્ષોથી ચાલી આવતા LDF-UDF ના શાસનનો અંત લાવવા માટે NDA એકમાત્ર મજબૂત વિકલ્પ છે." તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્યમાં ઉદ્યોગો પ્રત્યેની નકારાત્મક નીતિઓને કારણે તેમને પોતાનું રોકાણ તેલંગાણા લઈ જવાની ફરજ પડી હતી.

રાજકીય સમીકરણોમાં બદલાવ

નોંધનીય છે કે, ટ્વેન્ટી20 પાર્ટીએ અગાઉ ૨૦૨૨માં આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાણ કર્યું હતું, પરંતુ તે લાંબો સમય ટકી શક્યું નહોતું. તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સત્તાધારી ડાબેરી મોરચો (LDF) અને કોંગ્રેસના નેતૃત્વવાળા મોરચા (UDF) એ સાથે મળીને T20 ને રોકવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, આ પાર્ટીએ અમુક પંચાયતોમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. હવે ભાજપ સાથેના જોડાણથી મધ્ય કેરળના વિસ્તારોમાં ભાજપની વોટ બેંક મજબૂત થવાની ધારણા છે.

વડાપ્રધાન મોદીનો પ્રવાસ અને રણનીતિ

વડાપ્રધાન મોદી આવતીકાલે તિરુવનંતપુરમની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ કોર્પોરેશનમાં ભાજપની પ્રથમ જીતની ઉજવણી કરવાની સાથે વિધાનસભા ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ પણ કરશે. રાજકીય વિશ્લેષકો માને છે કે સાબુ જેકબ જેવા ઉદ્યોગપતિનો સાથ મળવાથી ભાજપને કેરળના તટસ્થ અને વિકાસલક્ષી મતદારોને આકર્ષવામાં મોટી મદદ મળી શકે છે.

જ્યારે એક તરફ JSS માં આ જોડાણને લઈને આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ ભાજપે સ્પષ્ટ કરી દીધું છે કે કેરળમાં પરિવર્તન લાવવા માટે તેઓ તમામ નાના-મોટા સંગઠનોને સાથે લઈને ચાલવા તૈયાર છે.

(7:06 PM IST)