News of Thursday, 22nd January 2026
મુસાફરોને રડાવતી ઇન્ડિગો પોતે રડી પડી: નફામાં 78% નો તોતિંગ ઘટાડો : બેલેન્સ શીટમાં 'ઇમરજન્સી લેન્ડિંગ'
ગયા વર્ષે ₹2,449 કરોડ કમાનારી કંપનીનો નફો ઘટીને માત્ર ₹550 કરોડે પહોંચ્યો : નવા શ્રમ કાયદા અને ફ્લાઇટ કેન્સલેશનના લીધે ઇન્ડિગોના ખજાનામાં પડ્યું ₹1,500 કરોડથી વધુનું ગાબડું

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો માટે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો કોઈ કડવા ઘૂંટડા સમાન સાબિત થયા છે. જે કંપની આકાશમાં અજેય ગણાતી હતી, તેના નફામાં સીધો 78% નો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે આ જ ગાળામાં ₹2,449 કરોડનો નફો કરનારી કંપની આ વખતે માત્ર ₹550 કરોડમાં સમેટાઈ ગઈ છે. આ આર્થિક પછડાટનું મુખ્ય કારણ તાજેતરમાં અમલી બનેલા નવા શ્રમ કાયદા છે, જેના કારણે કંપની પર ₹969 કરોડનો વધારાનો આર્થિક બોજ પડ્યો છે. આ ઉપરાંત, ડિસેમ્બરમાં થયેલી ઓપરેશનલ અંધાધૂંધી અને ફ્લાઇટ્સ રદ થવાના કારણે કંપનીએ ₹577 કરોડ ગુમાવ્યા છે.
રસપ્રદ વાત એ છે કે, એક તરફ ઇન્ડિગોની સેવાથી મુસાફરો સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવી રહ્યા છે, તો બીજી તરફ કંપનીની આવકમાં 6% નો વધારો થયો છે. એરલાઇનના મુસાફરોની સંખ્યામાં પણ 2.8 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જેનો અર્થ છે કે મુશ્કેલીઓ છતાં 3.19 કરોડ લોકોએ ઇન્ડિગો પર ભરોસો મૂક્યો હતો. જો શ્રમ કાયદા અને ફ્લાઇટ રદ થવાની કટોકટી ન સર્જાઈ હોત, તો કંપનીનો નફો ₹3,000 કરોડના આંકડાને સ્પર્શી ગયો હોત. ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં થયેલા ઘટાડાએ પણ એરલાઇનના ખર્ચમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જેનાથી નફાનું માર્જિન સાંકડું થઈ ગયું છે.
કંપનીના સીઈઓ પીટર એલ્બર્સે કબૂલાત કરી છે કે ડિસેમ્બરની શરૂઆતમાં ઊભી થયેલી મુશ્કેલીઓ કંપની માટે મોટો પાઠ છે. તેમણે સ્વીકાર્યું કે મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થવાથી મુસાફરોને તકલીફ પડી અને કંપનીની વિશ્વસનીયતા પર સવાલો ઉઠ્યા. જોકે, તેમણે આશાવાદ વ્યક્ત કર્યો કે ₹245 બિલિયનની રેકોર્ડ આવક દર્શાવે છે કે ઇન્ડિગોનો પાયો હજુ પણ મજબૂત છે. આગામી સમયમાં કંપની પોતાના નેટવર્કને વધુ વિસ્તારવા અને ગ્રાહકોને સમયસર સેવા આપવા પર ભાર મૂકશે, જેથી ફરી એકવાર આકાશમાં ઊંચી ઉડાન ભરી શકાય.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
