<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

યાદવ પરિવારમાં ભડકો: પ્રતીક યાદવની વિવાદાસ્પદ પોસ્ટથી ખળભળાટ, અપર્ણા યાદવ સાથે છૂટાછેડાની અટકળો વચ્ચે દત્તક ભાઈએ મૌન તોડ્યું!

“પતિ-પત્નીમાં ઝઘડા તો થતા રહે છે”— પ્રતીકે અપર્ણાને ‘સ્વાર્થી’ અને ‘દુષ્ટ’ ગણાવતા સોશિયલ મીડિયા પર મચી ગઈ આગ, શું ખરેખર મુલાયમ સિંહના પુત્રનું એકાઉન્ટ હેક થયું હતું કે પછી વાત વણસી છે?

લખનૌ: ઉત્તર પ્રદેશના સૌથી શક્તિશાળી રાજકીય પરિવાર ગણાતા મુલાયમ સિંહ યાદવના પરિવારમાં ફરી એકવાર પારિવારિક વિખવાદ સપાટી પર આવ્યો છે. સપા વડા અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવે પોતાની પત્ની અને ઉત્તર પ્રદેશ મહિલા આયોગના ઉપાધ્યક્ષ અપર્ણા યાદવ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ગંભીર આરોપો લગાવતી પોસ્ટ મૂકતા રાજકીય ગલીયારાઓમાં ગરમાવો આવી ગયો છે. પ્રતીકે અપર્ણાને ‘સ્વાર્થી’ અને ‘ખરાબ આત્મા’ ગણાવીને છૂટાછેડાની વાત કરતા સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ થયું છે.
આ વિવાદ વચ્ચે અપર્ણા યાદવના કૌટુંબિક મિત્ર અને દત્તક લીધેલા ભાઈ મુકેશ બહાદુર સિંહે પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ‘રિપબ્લિક ભારત’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "પરિવારમાં બધું બરાબર છે. પતિ-પત્ની વચ્ચે નાના-મોટા મતભેદ અને ઝઘડા તો થતા રહે છે. પ્રતીકે આ પોસ્ટ અત્યંત ગુસ્સામાં આવીને કરી દીધી હતી, જે ટૂંક સમયમાં ડિલીટ કરી દેવામાં આવશે. મેં આજે જ અપર્ણાજી સાથે વાત કરી છે, તેઓ અત્યારે દહેરાદૂનમાં છે."
 પ્રતીક યાદવની પોસ્ટ અત્યંત આક્રમક હતી. તેમણે લખ્યું કે, "અપર્ણાએ મારા પારિવારિક સંબંધો બગાડ્યા છે. તેનો એકમાત્ર ઉદ્દેશ્ય પ્રખ્યાત અને પ્રભાવશાળી બનવાનો જ છે. મેં ક્યારેય આવી સ્વાર્થી સ્ત્રી જોઈ નથી અને હું તેની સાથે લગ્ન કરીને કમનસીબ રહ્યો છું." આ પોસ્ટ હજુ પણ ડિલીટ કરવામાં આવી નથી, જેના કારણે અટકળો તેજ થઈ છે કે શું ખરેખર આ છૂટાછેડા તરફનો સંકેત છે.
 બીજી તરફ, ઉત્તર પ્રદેશ મહિલા આયોગના અધ્યક્ષ બબીતા સિંહ ચૌહાણે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "અપર્ણા યાદવ પોતે સક્ષમ છે અને આયોગના ઉપાધ્યક્ષ છે. આ તેમનો અંગત મામલો છે અને તેઓ પોતે જ તેને સુલઝાવી લેશે. હજુ સુધી કમિશન સમક્ષ કોઈ સત્તાવાર રજૂઆત કરવામાં આવી નથી."
મીડિયામાં એવા પણ અહેવાલો વહેતા થયા હતા કે પ્રતીક યાદવનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયું હોઈ શકે છે. જોકે, પ્રતીક યાદવ તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે ન તો વિવાદાસ્પદ પોસ્ટ હટાવવામાં આવી છે. હાલમાં આખું લખનૌ આ હાઈ-વોલ્ટેજ ડ્રામાના આગામી વળાંકની રાહ જોઈ રહ્યું છે.

(7:32 PM IST)