<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

ઝોમેટોમાં ‘ક્રાંતિ’: જેની પાસેથી દીપિન્દર ગોયલે બે વાર રાજીનામું માંગ્યું હતું, તે જ અલબિંદર ધીંડસા હવે બનશે કંપનીના ‘સુપર બોસ’!

દીપિન્દર ગોયલે ઝોમેટોના CEO પદેથી આપ્યું રાજીનામું— ૧ ફેબ્રુઆરીથી ‘ઇટરનલ લિમિટેડ’નું સુકાન સંભાળશે બ્લિંકઇટના સ્થાપક અલબિંદર, અવિશ્વાસથી અજેય વિશ્વાસ સુધીની રોમાંચક સફર

ગુરુગ્રામ: ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં આજે એક એવો ઈતિહાસ રચાયો છે જે ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે. ઝોમેટોના સ્થાપક દીપિન્દર ગોયલે કંપનીના સીઈઓ પદેથી રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે. પરંતુ તેનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે, તેમણે આખા ગ્રુપ (જે હવે 'ઇટરનલ લિમિટેડ' તરીકે ઓળખાશે) ની જવાબદારી અલબિંદર ધીંડસાને સોંપી છે. આ એ જ અલબિંદર છે જેમના નેતૃત્વ પર એક સમયે દીપિન્દરને ભરોસો નહોતો અને તેમણે બે વાર અલબિંદર પાસે રાજીનામું માંગ્યું હતું!
 દીપિન્દર ગોયલે અગાઉ એક પોડકાસ્ટમાં કબૂલ્યું હતું કે જ્યારે ઝોમેટોએ 'ગ્રોફર્સ' (હવે બ્લિંકઇટ) હસ્તગત કરી, ત્યારે તેમને લાગતું હતું કે અલબિંદર આ બિઝનેસ સંભાળવા માટે સક્ષમ નથી. દીપિન્દર ઘણીવાર તેમને કંપની છોડી દેવા કહેતા. પરંતુ અલબિંદરે હાર ન માની અને પોતાના પર્ફોર્મન્સથી સાબિત કરી દીધું કે 'ક્વિક કોમર્સ' (૧૦ મિનિટમાં ડિલિવરી) એ જ ભવિષ્ય છે. આજે દીપિન્દરને અલબિંદર પર એટલો વિશ્વાસ છે કે તેમણે પોતાની ખુરશી જ તેમને સોંપી દીધી છે.
 પંજાબના પટિયાલાના એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા અલબિંદર આઈઆઈટી દિલ્હીના સ્નાતક છે અને યુએસએની કોલંબિયા બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ કર્યું છે. તેમણે ૨૦૧૩માં ગ્રોફર્સની સ્થાપના કરી હતી, જે ૨૦૨૨માં ઝોમેટો દ્વારા હસ્તગત કરવામાં આવ્યા બાદ 'બ્લિંકઇટ' બની. તેમની દૂરંદેશીને કારણે જ આજે બ્લિંકઇટ ૧૦ મિનિટમાં માત્ર કરિયાણું જ નહીં, પણ ઇલેક્ટ્રોનિક્સ અને ગિફ્ટ્સ પણ પહોંચાડે છે.

 આ નવો ફેરફાર ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી અમલમાં આવશે. હવે અલબિંદર ધીંડસા માત્ર બ્લિંકઇટના જ નહીં, પરંતુ ઝોમેટો અને તેની અંતર્ગત આવતી તમામ કંપનીઓના 'ગ્રુપ સીઈઓ' તરીકે ફરજ બજાવશે. દીપિન્દર ગોયલે પ્રોફેશનલ માળખું ઊભું કરવા માટે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
આ ઘટના એવા ઉદ્યોગસાહસિકો માટે પ્રેરણારૂપ છે જેઓ ટીકાઓનો સામનો કરી રહ્યા છે. જે વ્યક્તિને એક સમયે "યોગ્ય" માનવામાં આવતા નહોતા, તે જ આજે કરોડોની કંપનીનું ભવિષ્ય નક્કી કરશે.

(7:36 PM IST)