<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

અદાણી સામે ગાળિયો કસવા US રેગ્યુલેટરનો મોટો પેંતરો : ભારત સરકારના અવરોધ બાદ હવે ઈમેઈલ દ્વારા સમન્સ બજાવવા ફેડરલ કોર્ટમાં ધા

મોદી સરકારે ૧૪ મહિના સુધી સમન્સ રોકી રાખ્યાનો SECનો ગંભીર આક્ષેપ : ‘હેગ કન્વેન્શન’ હેઠળ સહકાર ન મળતા હવે અમેરિકી વકીલો અને બિઝનેસ ઈમેઈલ દ્વારા ગૌતમ અદાણી અને સાગર અદાણીને નોટિસ પાઠવવા મંજૂરી માંગી

નવી દિલ્હી : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને સાગર અદાણી સામેના લાંચ રૂશ્વત અને છેતરપિંડીના કેસમાં અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) એ આક્રમક વલણ અપનાવ્યું છે. ભારત સરકારના કાયદા મંત્રાલય દ્વારા સમન્સ બજાવવાની પ્રક્રિયામાં સતત અવરોધ ઊભો કરાતા, SEC એ હવે ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં અરજી કરીને રાજદ્વારી ચેનલોને બાયપાસ કરી ઈમેઈલ અને અમેરિકી વકીલો મારફતે સીધા સમન્સ બજાવવા મંજૂરી માંગી છે.
૧૪ મહિનાથી ચાલતી ખેંચતાણનો અંત:
SEC એ ૨૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ કોર્ટમાં ફાઈલ કરેલા મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરી ૨૦૨૫થી તેઓ ‘હેગ કન્વેન્શન’ હેઠળ ભારત સરકારના માધ્યમથી સમન્સ બજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ભારતનું કાયદા મંત્રાલય આ પ્રક્રિયામાં સહકાર આપી રહ્યું નથી. હવે આ રસ્તો ‘ડેડ એન્ડ’ (બંધ ગલી) જેવો બની ગયો હોવાથી એજન્સીએ વૈકલ્પિક માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો છે.
ભારત સરકારના વાંધાઓ અને SECનો પલટવાર:
રેગ્યુલેટરના જણાવ્યા અનુસાર, ભારત સરકારે બે વખત સમન્સ બજાવવાનો ઇનકાર કર્યો હતો:
૧. એપ્રિલ ૨૦૨૫: મંત્રાલયે એવો વાંધો ઉઠાવ્યો હતો કે દસ્તાવેજો પર સત્તાવાર સીલ અને સહી નથી. SEC એ જવાબ આપ્યો હતો કે હેગ કન્વેન્શન હેઠળ આવી કોઈ જરૂરિયાત હોતી નથી.
૨. નવેમ્બર ૨૦૨૫: મંત્રાલયે SEC ના આંતરિક નિયમ ૫(બી) નો હવાલો આપીને જણાવ્યું કે આ સમન્સ તેમની સત્તાની મર્યાદામાં આવતા નથી. SEC એ આ વાંધાને પાયાવિહોણો ગણાવતા કહ્યું કે ભારત સરકાર એવું દર્શાવવા માંગે છે કે SEC પાસે સમન્સ બજાવવાની સત્તા જ નથી.
શું છે સમગ્ર વિવાદ?
નવેમ્બર ૨૦૨૪માં SEC એ ગૌતમ અને સાગર અદાણી સામે સિવિલ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં આક્ષેપ કરાયો હતો કે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૧માં ૭૫૦ મિલિયન ડોલરના બોન્ડ બહાર પાડી અમેરિકી રોકાણકારો પાસેથી ૧૭૫ મિલિયન ડોલર એકત્ર કર્યા હતા. આ દરમિયાન ભારતીય સરકારી અધિકારીઓને કરોડો ડોલરની લાંચ આપવાના કાવતરા અંગે ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી રોકાણકારોને આપવામાં આવી હોવાનો આરોપ છે. બીજી તરફ, અદાણી ગ્રુપે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને કાયદાકીય લડતની તૈયારી બતાવી છે.
હવે આગળ શું?
SEC એ જજ નિકોલસ જી. ગારાઉફિસ સમક્ષ માંગ કરી છે કે અદાણીના અમેરિકા સ્થિત વકીલો (Hecker Fink LLP અને Kirkland & Ellis LLP) ને સમન્સ સોંપવામાં આવે. વધુમાં, એજન્સી પાસે એવા પુરાવા છે કે ગૌતમ અને સાગર અદાણી તેમના બિઝનેસ ઈમેઈલનો સક્રિય ઉપયોગ કરે છે, તેથી તે ઈમેઈલ એડ્રેસ પર પણ સમન્સ મોકલવાની મંજૂરી આપવામાં આવે. SEC એ દલીલ કરી છે કે અદાણી પક્ષ આ કેસથી સંપૂર્ણ વાકેફ છે અને જાહેર નિવેદનો પણ આપી ચૂક્યા છે, તેથી આ પદ્ધતિ કાયદેસરની નોટિસ તરીકે માન્ય રાખવી જોઈએ. (ધવાયર.ઈન માંથી સાભાર)

(7:44 PM IST)