News of Friday, 23rd January 2026
દાવોસમાં ગુંજ્યો ભારતનો ડંકોઃ ભારત હવે વિકાસશીલ દેશ નથીઃ દુનિયાની સ્થાપિત શક્તિ છે
વિશ્વના સૌથી મોટા એસેટ મેનેજર બ્લેકસ્ટોનના વડા સ્ટીફન શ્વાર્ઝમેને ભારતની આર્થિક કાયાપલટના ભરપેટ કર્યા વખાણ : આગામી દાયકામાં AI અને ભારતની મહેનતુ જનતા વૈશ્વિક અર્થતંત્રના સમીકરણો બદલી નાખશે

દાવોસ તા.૨૩: સ્વિટ્ઝર્લેન્ડના બરફીલા પહાડો વચ્ચે દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભારતની આર્થિક શક્તિની જોરદાર ચર્ચા જોવા મળી રહી છે. ઼૧.૨ ટ્રિલિયન ડોલરની સંપત્તિનું સંચાલન કરતી કંપની બ્લેકસ્ટોનના સીઈઓ સ્ટીફન શ્વાર્ઝમેને ભારતને લઈને એક અત્યંત સકારાત્મક દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભારત હવે વિકાસશીલ કે ઉભરતું બજારૅ રહ્યું નથી, પરંતુ તે એક સ્થાપિત શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. શ્વાર્ઝમેને ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારોના ઉપાડને ટૂંકા ગાળાની ભાવનાત્મક ઘટના ગણાવી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં ભારતે જે પ્રદર્શન કર્યું છે તે અજોડ છે. તેમના મતે, ભારતનું શેરબજાર લાંબા ગાળે હંમેશા તેજીનું જ રહેશે.
ભારતની તુલના ચીન અને અમેરિકા સાથે કરતા શ્વાર્ઝમેને આંકડાકીય વિશ્લેષણ રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે ભારતનો માથાદીઠ GDP હાલ ડોલર ૩,૦૦૦ છે, જે ચીનના ડોલર ૧૩,૦૦૦ અને અમેરિકાના ડોલર ૭૦,૦૦૦ કરતા ઘણો ઓછો છે, જેનો અર્થ એ છે કે ભારત પાસે વિકાસની હજુ અસીમિત ક્ષમતા છે. સ્થિર સરકાર, પુષ્કળ મૂડી અને સૌથી મહત્વનું એટલે કે ભારતની બુદ્ધિશાળી અને મહેનતુ વસ્તી - આ ત્રણ પરિબળો ભારતને વૈશ્વિક લીડર બનાવશે. આ સાથે જ તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સ્ટીમ એન્જિન જેવી ક્રાંતિ ગણાવી અને ભવિષ્યવાણી કરી કે જે પરિવર્તન આવતા પહેલા ૫૦ વર્ષ લાગતા હતા, તે AI ના કારણે માત્ર ૧૦ વર્ષમાં જ આવી જશે.
ઇન્ટરવ્યુ દરમિયાન એક એવો પ્રસંગ બન્યો જેણે સૌનું દિલ જીતી લીધું. ગંભીર આર્થિક ચર્ચાઓ વચ્ચે શ્વાર્ઝમેનની પત્નીનો ફોન આવ્યો અને તેમને સમાચાર મળ્યા કે તેમના પુત્ર ટેડી શ્વાર્ઝમેનની ફિલ્મ ટ્રેન ડ્રીમ્સ ૯૮મા ઓસ્કાર એવોર્ડ્સ માટે નામાંકિત થઈ છે. આ સાંભળતા જ શ્વાર્ઝમેને આર્થિક નિષ્ણાતનો હોદ્દો બાજુ પર મૂકીને એક ગૌરવશાળી પિતા તરીકે હવામાં મુક્કો મારીને જીતનો જશ્ન મનાવ્યો હતો. વ્યવસાયિક રીતે પણ તેઓ ભારતમાં હવે રિયલ એસ્ટેટ બાદ માળખાગત સુવિધાઓ અને પ્રાઇવેટ ક્રેડિટ સેક્ટરમાં મોટા રોકાણની તૈયારી કરી રહ્યા છે, જે ભારતના ઉજ્જવળ ભવિષ્ય પર ફરી એકવાર વિશ્વાસની મહોર મારે છે
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
