ટ્રમ્પનું શું સમજવું ગાંડપણ કે શાણપણ...?? હવે ‘ડિયેગો ગાર્સિયા'ટાપુ ઉપર નજર બગાડી
બ્રિટન અને મોરેશિયસ વચ્ચેના ડિયેગો ગાર્સિયા કરાર ઉપર કર્યો હુમલોઃ કયાં આવેલ છે આ ડિયેગો ગાર્સિયા ટાપુ... શુ વિવાદ છે આ ટાપુનો?.. : મોરેશિયસ કહે છે કે ટાપુ અમારોઃ બ્રિટન કહે છે કે સુરક્ષા જરૂરીઃ અમેરિકા કહે છે બેઝ અતિ મહત્વનું : યુઍન કહે છે કે મોરિશિયસ સાચુઃ સ્થાનિક લોકો કહે છે કે અમને ન્યાયઃ સમગ્ર વિવાદમાં ભારતનો રોલ શું છે...? ભારત પહેલેથી મોરેશિયસના સાર્વભૌમ અધિકારોની તરફેણમાં રહ્નાં છેઃ અમેરિકાથી આશરે ૧પ૦૦૦ થી ૧૬૦૦૦ કિ. મી. દૂર છે ‘ડિયેગો ગાર્સિયા’ અને ભારતથી આશરે ૩પ૦૦ થી ૩૮૦૦ કિ. મી. દૂર.

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી તા. ર૩ :.. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દાદાગીરી અને વિસ્તારવાદની નીતિ સતત વધી રહી હોય તેમ જણાય છે. પહેલા વેનેઝુએલા, ત્યારબાદ ગ્રીનલેન્ડ અને હવે તેમની વક્રદ્રષ્ટિ હિંદ મહાસાગરમાં આવેલા અત્યંત મહત્વના ‘ડિયેગો ગાર્સિયા' ટાપુ પર પડી છે. આ ઘટનાક્રમને ટ્રમ્પનું ગાંડપણ કહેવું કે શાણપણ, તે એક મોટો પ્રશ્ન છે.
રાષ્ટ્રપતિ તરીકેની પોતાની બીજી ટર્મમાં ડોનાલ્ડ ટ્રમ્પ એક રાજનેતા કરતા કોઈ વેપારી કે માફિયા ડોનની જેમ વર્તી રહ્યા હોવાની છબી ઉપસી રહી છે. હજુ તો આ કાર્યકાળનું એક વર્ષ માંડ પૂર્ણ થયું છે, ત્યાં જ અમેરિકાએ આક્રમક વલણ અપનાવ્યું છે. વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરોને રાતોરાત ઉઠાવીને અમેરિકા લઈ આવવામાં આવ્યા અને વેનેઝુએલાના તેલ સહિતનો તમામ વહીવટ આંચકી લીધો. ત્યારબાદ ગ્રીનલેન્ડ પર કબજો જમાવવાની તાનાશાહી હોય કે પછી નાટો અને યુરોપના દેશોને ટેરિફની ધમકી આપવાની વાત હોય, ટ્રમ્પ દરેક મોરચે આક્રમક છે. ઈરાન પર સતત હુમલો કરવાનો ડર બતાવીને ટ્રમ્પ આખરે શું સાબિત કરવા માંગે છે?
અહીં સવાલ એ થાય છે કે, શું અમેરિકા અન્ય નાના દેશો કરતાં શક્તિશાળી છે એટલે તેને કોઈ પણ દેશને દબાવીને કબજો કરી લેવાનો પરવાનો મળી ગયો છે? જે દેશ સહકાર ન આપે તેના પર મનફાવે તેમ ટેરિફ લગાવી દેવાના? શું આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ નિયમ કે કાયદો બચ્યો છે કે નહીં? યુએન, રશિયા, ચીન અને ઉત્તર કોરિયા જેવા દેશો આ બાબતે કેમ મૌન સેવી રહ્યા છે તે પણ વિચારવા જેવી બાબત છે.
ડિયેગો ગાર્સિયાઃ
વિવાદનું નવું કેન્દ્ર
ટ્રમ્પે હવે ડિયેગો ગાર્સિયા ટાપુ પર નજર દોડાવી છે. તેઓ બ્રિટન અને મોરેશિયસ વચ્ચેના તાજેતરના કરારને ખુલ્લેઆમ પડકારી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ આ કરારને ‘મૂર્ખતાની નિશાની' ગણાવી રહ્યા છે. ભારત માટે પણ આ ટાપુ ભૌગોલિક રીતે અત્યંત મહત્વનો છે કારણ કે તે ભારતના દરિયાઈ સુરક્ષા ક્ષેત્રના કેન્દ્રમાં આવેલો છે. આવો, જાણીએ શું છે આ ડિયેગો ગાર્સિયા, તેની ભૌગોલિક સ્થિતિ અને તેનો લોહિયાળ ઇતિહાસ.
ભૌગોલિક સ્થિતિ
અને ઇતિહાસ
ડિયેગો ગાર્સિયા હિંદ મહાસાગરમાં આવેલું એક નાનું પરંતુ અત્યંત વ્યૂહાત્મક ‘કોરલ એટોલ' છે, જે ચાગોસ આર્કિપેલેગો (દ્વીપસમૂહ)નો ભાગ છે.
ભારતના દક્ષિણથી લગભગ ૧,૭૦૦ કિ.મી. દૂર અને શ્રીલંકાની દક્ષિણ-પヘમિે આવેલો આ ટાપુ આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયા વચ્ચેનું કેન્દ્રસ્થાન છે. ૪૪ ચોરસ કિમી વિસ્તાર, ૬૦ કિમી લંબાઈ અને ૧૦ કિમી પહોળાઈ ધરાવતો આ ટાપુ કુદરતી બંદર ધરાવે છે, જે વૈશ્વિક દરિયાઈ માર્ગો પર નિયંત્રણ માટે અતિ મહત્વનું છે.
ઇતિહાસ પર નજર કરીએ તો, ૧૬મી સદીમાં પોર્ટુગીઝોએ આ ટાપુ શોધ્યો હતો. ત્યારબાદ ફ્રાન્સ અને બ્રિટનનું શાસન આવ્યું. ૧૮૧૪માં બ્રિટને મોરેશિયસ સાથે આ ટાપુ પર કબજો મેળવ્યો. પરંતુ ખરો વિવાદ ૧૯૬૫માં શરૂ થયો, જ્યારે બ્રિટને મોરેશિયસ પાસેથી ચાગોસ દ્વીપસમૂહ અલગ કરી ‘બ્રિટિશ ઇન્ડિયન ઓસિયન ટેરીટરી'ની રચના કરી. ૧૯૬૮થી ૧૯૭૩ દરમિયાન અહીંના મૂળ નિવાસી ચાગોસિયન લોકોને બળજબરીપૂર્વક વિસ્થાપિત કરી મોરેશિયસ અને સેશેલ્સ મોકલી દેવામાં આવ્યા. આ માનવ અધિકારોનું હનન હતું, જેનો હેતુ માત્ર એક જ હતો - અમેરિકા સાથેનો સૈન્ય કરાર. અમેરિકાને અહીં સૈન્ય મથક સ્થાપવાની મંજૂરી મળી, જેનો કરાર ૫૦ વર્ષ માટે અને વધારાના ૨૦ વર્ષના વિકલ્પ સાથે કરવામાં આવ્યો હતો.
વિશ્વનું સૌથી
શક્તિશાળી સૈન્ય મથક
આજે ડિયેગો ગાર્સિયા દુનિયાના સૌથી મહત્વના સૈન્ય અડ્ડાઓ પૈકીનું એક છે. અહીં લાંબો રનવે છે જે બી-૫૨ અને બી-૨ બોમ્બર વિમાનો માટે લોજિસ્ટિક હબ સમાન છે. યુ.એસ. નેવી માટે અહીં એરક્રાફટ કેરિયર સપોર્ટ અને સબમરીન ઓપરેશનની સુવિધા છે. ઇતિહાસ સાક્ષી છે કે ગલ્ફ વોર (૧૯૯૧), અફઘાનિસ્તાન યુદ્ધ (૨૦૦૧) અને ઇરાક યુદ્ધ (૨૦૦૩) જેવા મિશન અહીંથી જ ઓપરેટ કરવામાં આવ્યા હતા.
રાજકીય વિવાદ
અને ભારતનું વલણ
મોરેશિયસ વર્ષોથી ચાગોસ પર પોતાનો હક્ક માને છે. ૨૦૧૯માં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ બ્રિટનની ચાગોસ પરની સત્તાને ગેરકાયદેસર જાહેર કરી અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બ્રિટનને ચાગોસ છોડવા કહ્યું. આમ છતાં, બ્રિટન અને અમેરિકા હજુ ત્યાં નિયંત્રણ ધરાવે છે.
આ વિવાદમાં ભારતની ભૂમિકા અત્યંત રસપ્રદ છે. ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું છે અને મોરેશિયસના હક્કને ટેકો જાહેર કર્યો છે. ભારત અને મોરેશિયસ વચ્ચે ઐતિહાસિક અને સાંસ્કળતિક સંબંધો છે, તેમજ મોરેશિયસની મોટી વસ્તી ભારતીય મૂળની છે. ભારતનું સ્પષ્ટ માનવું છે કે ચાગોસ ટાપુસમૂહ મોરેશિયસનો જ ભાગ છે.
પરંતુ સવાલ એ થાય છે કે ભારત, અમેરિકા અને બ્રિટન સામે ખુલ્લો વિરોધ કેમ નથી કરતું? જવાબ છે - ‘સ્ટ્રેટેજિક ડિપ્લોમસી' (વ્યૂહાત્મક મુત્સદ્દીગીરી).
અમેરિકા માટે ડિયેગો ગાર્સિયાનું મહત્વ અને
ચીનનું પરિબળ
અમેરિકા માટે ડિયેગો ગાર્સિયા ‘ગ્લોબલ પાવર સ્ટ્રેટેજી'નો મુખ્ય આધારસ્તંભ છે. અહીંથી તે મધ્ય પૂર્વના દેશો (ઈરાન, ઈરાક, યેમન) પર સીધો હવાઈ હુમલો કરી શકે છે અને હિંદ મહાસાગરના વેપાર માર્ગો પર નિયંત્રણ રાખી શકે છે. અહીં કોઈ સ્થાનિક નાગરિક વસ્તી ન હોવાથી અમેરિકાને વિરોધ કે આંદોલનોનો ભય નથી, જેથી ગુપ્ત ઓપરેશન્સ અને પરમાણુ વ્યૂહરચના સરળતાથી અમલમાં મૂકી શકાય છે.
બીજી તરફ, ભારત માટે પણ ચીનનો વધતો પ્રભાવ ચિંતાનો વિષય છે. ચીન હિંદ મહાસાગરમાં પોતાની પકડ મજબૂત કરી રહ્યું છે. આવા સમયે, ડિયેગો ગાર્સિયામાં અમેરિકન બેઝ હોવું ભારત માટે પણ ‘આશીર્વાદરૂપ' છે. તે ચીન સામે સંતુલન જાળવવામાં મદદ કરે છે. ભારત કાયદાકીય રીતે મોરેશિયસની સાથે છે, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ હિંદ મહાસાગરમાં અમેરિકાની હાજરીને મૌન સમર્થન આપે છે. આ ભારતની ‘બેલેન્સિંગ પોલિસી' છે.
ટૂંકમાં કહીએ તો, ડિયેગો ગાર્સિયા માત્ર એક ટાપુ નથી, પરંતુ વિશ્વનું અતિ મહત્વપૂર્ણ સૈન્ય કેન્દ્ર, માનવ અધિકાર અને ઉપનિવેશવાદી રાજકારણનું પ્રતિક તથા ભારત-અમેરિકા-ચીન સમીકરણનું કેન્દ્રસ્થાન છે. ટ્રમ્પ આ મુદ્દે પોતાની આક્રમકતા ચાલુ રાખશે કે યુ-ટર્ન લેશે, તે જોવું રહ્યું. પરંતુ એટલું નક્કી છે કે જો ડિયેગો ગાર્સિયા અમેરિકાના હાથમાંથી ગયું, તો અમેરિકાનો ‘ગ્લોબલ પાવર' તરીકેનો દબદબો ચોક્કસપણે ઓછો થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
