<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

ગાંધીબાપુ છેવાડાના માણસ સુધી ગયા તે પરમ ધર્મઃ પૂ.મોરારીબાપુ

દિલ્‍હીમાં ભારત મંડપમ્‌નાં વિશાળ સંવાદ ગૃહમાં આયોજીત ‘માનસ સનાતમ ધર્મ' શ્રીરામ કથાનો આજે સાતમો દિવસ

 

રાજકોટ, તા. ર૩: ભારત દેશના પાટનગર દિલ્‍હીના ભારત મંડપમ ના વિશાળ સંવાદગૃહમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ સનાતન ધર્મ' ગઇકાલે ગુરૂવાર છઠા દિવસમાં પ્રવેશી હતી. વિશ્વ અહિંસા ભારતી - વિશ્વ શાંતિ કેન્‍દ્રના જૈનાચાર્ય લોકેશમુનિ ‘સનાતન' ના વૈશ્વિક વિચારને જન-જન સુધી પહોંચાડવાના શુભ હેતુમાં સમાજ અને રાષ્‍ટ્રના અનેક મહાનુભાવો આ કથામાં હાજરી આપી રહયા છે. વિશેષ વાત તો એ છે કે આ કથા સમિતિના અધ્‍યક્ષ તરીકે ભારત રાષ્‍ટ્રના પૂર્વ રાષ્‍ટ્રપતિશ્રી રમાનાથ કોવિંદ સેવા અને માર્ગદર્શન આપી રહયા છે. કથા પ્રારંભના ઉપક્રમમાં ગઇકાલે પ્રિયલોકની યવતમાલ (મહારાષ્‍ટ્ર) માં યોજાયેલી રામકથા (મનોરથી વિજય દરડા પરિવાર)ના ગ્રંથનું વ્‍યાસપીઠ પરથી પ્રેમાર્પણ થયું હતું. ‘લોકમત' અખબારના સુત્રધાર વિજય દરડા દ્વારા ‘રામ રસાયણ : રામાયણ' ગ્રંથનું સંપાદન થયું છે એ ગ્રંથ બાપુના ચરણોમાં અને વ્‍યાસપીઠના શરણે અર્પણ થયું હતું. આ ક્ષણે કથાના નિમિત માત્ર મનોરથ અને ગ્રંથના સંપાદક વિજય દરકાજીએ પ્રાસંગિક પ્રસન્નતા પ્રગટ કરી હતી અને પ્રિય બાપુને નમ્ર નિવેદન કર્યુ હતું કે બાપુ, આપની એક હજારમાં ૧૦૦૦ મી કથાની સેવા અમારા દરડા પરિવારને આપશો એવી આપને અરજ કરૂ છું. ત્‍યારબાદ બાપુની પ્રત્‍યેક રામકથાઓનું સંકલન-સંપાદન ‘રામકથા' પુસ્‍તિકા રૂપે પ્રકાશન થઇ રહયું છે. એ પ્રકાશન શ્રેણી અંતર્ગત બાપુ દ્વારા રામવનગમનના સ્‍થાનો પર યોજાયેલી રામયાત્રા (ટ્રેઇન દ્વારા) રામજી વનવાસ દરમ્‍યાન જે જે સ્‍થાનો પર ગયા તે સ્‍થાનો પર એક એક દિવસ રામકથાનું ગાન થયું હતું એ ‘રામકથા' (સં. નીતિન વડગામા) પુસ્‍તિકાનું પ્રેમાર્પણ થયું હતું. ત્‍યારબાદ બાપુના કૈલાસ ગુરૂકુળ મહુવા ના સુત્રધાર અને મુક સેવક જયદેવ માંકડ સંપાદિત ‘દ્રષ્‍ટાંત કી દિપમાલા' (પ્રભાત પ્રકાશન-દિલ્‍હી) ગ્રંથનું પ્રેમાર્પણ પણ બાપુની વ્‍યાસપીઠ પરથી કરવામાં આવ્‍યું હતું.

 પૂ. મોરારીબાપુએ કહયું કે, તુલસીજીના માનસમાં સનાતન પ્રવાહને પરમ ધર્મ ગણ્‍યો છે. આ પરમ ધર્મ પ્રવાહીત છે. સનાતન ધર્મના પ્રવાહનું નામ ગંગા છે, સનાતન ધર્મના પર્વત કૈલાસ છે, સનાતન પરમ ધર્મનું વૃક્ષ, કલ્‍પવૃક્ષ છે, એની શીતલના ચંદ્ર છે, અને એની ઉર્જા ભગવાન, ભાસ્‍કર (સૂર્ય) છે અને સનાતન ધર્મનો ગ્રંથ વેદ છે.

સનાતન એ પરમ ધર્મ, પ્રવાહીત પરમ ધર્મ રૂપી ગાયના ચાર આંચળ કયાં છે, ? નીજ ધર્મ, સ્‍વધર્મ, કુલ ધર્મ અને જાત ધર્મ આ ધર્મરૂપી ગાયનું દૂધ એ પરમ ધર્મ છે.

સનાતન પરમ ધર્મ પંચસુત્રીય છે. બાપુએ એ પાંચ સુત્રો પૈકી બે સુત્રો વિશે વિસ્‍તારપૂર્વક સમજ આપી હતી. પરમ ધર્મનું પ્રથમ બે સુત્ર સત્‍ય-પરમ સત્‍ય છે. જયારે બીજુ સુત્ર આપણા ઇષ્‍ટદવની આજ્ઞાનો સ્‍વીકાર તે પરમ ધર્મ છે. ઇષ્‍ટનો આદેશ એનો સ્‍વીકાર બાપુએ સાધુ સંદર્ભે એક શ્‍લોકની સમજણ આપતા કહ્યું હતું કે સર્વ શાષા પરોદક્ષઃ સર્વ શાષા સુવાય... આ શ્‍લોકમાં પરમ સાધુના લક્ષણો દર્શાવ્‍યા છે.

રામ કથાના સમયે દિલ્‍હીના મુખ્‍યમંત્રીશ્રી સુશ્રી રેખા ગુપ્તા  ઉપસ્‍થિત રહ્યા હતા અને પોતાના પ્રાસંગિક પ્રવચનની પ્રસન્નતા પ્રગટ કરતાં એમણે ખૂબ ભાવપૂર્ણ રીતે કહ્યું કે આજે કથામાં આવી ત્‍યારે મને થયું કે હું બાપુ જેવા સંતને શું આપી શકું ? મનમાં વિચારની હતી કે યમુનાજીના શુધ્‍ધિકરણ અંગે બાપુની કહીશ અને કેવો યોગ ? બાપુએ મારી સામે જોયું અને એમણે પણ યમુના વિશે જ કહયું...!! યમુના ની પવિત્રતા માટે હું  બધુ કહી છૂટીશ, એ માર્ગમાં ઘણા રાવણ છે પણ યમુનાની પવિત્રતા માટે કાર્ય થશે જ એવો વિશ્વાસબાપુને આપું છું. મુખ્‍યમંત્રીશ્રી રેખાજીએ રામકથાની આરતીનો પણ લ્‍હાવો લીધો હતો.

- મનોજ જોશી ‘મજો' રાજકોટ (મો. ૯૪ર૬ર ૪ર૧૧પ)

પૂ. મોરારીબાપુને ૧૦૦૮ મી રામકથા આપવા પૂ. લોકેશમુનીએ અરજ કરી

રાજકોટ તા. ર૩ :.. રામકથાના સંયોજક લોકેશમુની સનાતનીએ બાપુને અરજ કરી હતી કે બાપુ, આપની ૧૦૦૮ (એક હજાર આઠમી) મી રામકથાની સેવા અમને આપશો.  એવી નમ્ર અરજ છે. કથામાં ઉપસ્‍થિત સ્‍વામી અભયદાસજીએ લોકેશમુનિના વિશ્વ શાંતિ કેન્‍દ્ર (ગુડગાંગ) ને રૂપિયા એક કરોડની ધન રાશિ અર્પણ કરવાની જાહેરાત કરી હતી.

બાપુએ પણ ચિત્રકુટધામ તલગાજરડાની શ્રી હનુમાનજીના તુલસી પત્ર રૂપ એક લાખ રૂપિયા (રોકડ) વ્‍યાસપીઠ પરથી લોકેશમુનિ સનાતની ની ઝોલીમાં અર્પણ કર્યા હતાં. ઉપરાંત રામકથા અને બાપુના સુખી સંપન્‍ન બે ફલાવર્સની દ્વારા પ૦-પ૦ લાખ વિશ્વ શાંતિ કેન્‍દ્રને અર્પણ થયા હતાં. (પ-૩૦)

(3:34 PM IST)