ડોનાલ્ડ ટ્રમ્પના હાથ પર રહસ્યમય વાદળી નિશાન: શું રાષ્ટ્રપતિ કોઈ બીમારીથી પીડાય છે?
દાવોસમાં 'બોર્ડ ઓફ પીસ' દરમિયાન ટ્રમ્પના હાથ પર નિશાન જોતા દુનિયા ચોંકી; ટ્રમ્પે પોતાની 'ટ્રેડમાર્ક' શૈલીમાં આપ્યો જડબાતોડ જવાબ

દાવોસ : વિશ્વના સૌથી શક્તિશાળી નેતા ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં શાંતિ સ્થાપવા માટે 'બોર્ડ ઓફ પીસ'ની રચનામાં વ્યસ્ત છે. પરંતુ, આ દરમિયાન તેમના ડાબા હાથ પર જોવા મળેલા ઘેરા વાદળી રંગના નિશાનોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. લોકો સવાલ પૂછી રહ્યા હતા કે શું રાષ્ટ્રપતિ ગંભીર રીતે બીમાર છે? આખરે ટ્રમ્પે પોતે જ મૌન તોડ્યું છે.
"માત્ર એક અકસ્માત, બીજું કંઈ નથી"
જ્યારે પત્રકારોએ આ નિશાન વિશે પૂછ્યું, ત્યારે ટ્રમ્પે હંમેશની જેમ આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો, "હું એકદમ ફિટ છું! મારો હાથ ટેબલના ખૂણા પર અથડાયો હતો, જેના કારણે આ નાનકડી ઈજા થઈ છે." તેમણે વધુમાં ઉમેર્યું કે ડૉક્ટરોએ તેમને ચિંતા ન કરવા કહ્યું છે, છતાં તેઓ સાવચેતી માટે મલમ લગાવી રહ્યા છે.
એસ્પિરિન અને પાતળા લોહીનું કનેક્શન
ટ્રમ્પે આ નિશાન પાછળનું એક વૈજ્ઞાનિક કારણ પણ આપ્યું. તેમણે ખુલાસો કર્યો કે તેઓ હૃદયને સ્વસ્થ રાખવા માટે દરરોજ 325 મિલિગ્રામ એસ્પિરિન લે છે. ટ્રમ્પના મતે, આ દવા લોહીને પાતળું રાખે છે, જેના કારણે ત્વચા અત્યંત સંવેદનશીલ બની જાય છે અને સામાન્ય અથડામણમાં પણ મોટા વાદળી ડાઘા (Bruises) પડી જાય છે. તેમણે મજાકમાં કહ્યું, "જો હૃદય સારું રાખવું હોય તો એસ્પિરિન લો, પણ આવા નિશાન સહન કરવા તૈયાર રહો!"
ડૉક્ટરોનો અભિપ્રાય
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પણ આ વાતને પુષ્ટિ આપી છે. જોકે, તબીબી નિષ્ણાતો અને માયો ક્લિનિક જેવી સંસ્થાઓનું કહેવું છે કે સામાન્ય રીતે હૃદયની સુરક્ષા માટે 75 થી 100 મિલિગ્રામ એસ્પિરિન પૂરતી હોય છે. ટ્રમ્પ જે 325 મિલિગ્રામની ઊંચી માત્રા લે છે, તેનાથી લોહી વધુ પાતળું થાય છે અને ઈજાના કિસ્સામાં ડાઘ પડવાની શક્યતા વધી જાય છે.
ટ્રમ્પનો અંદાજ: ભલે ગમે તેટલી અટકળો ચાલે, પણ 79 વર્ષીય ટ્રમ્પ હજુ પણ સાબિત કરવા માંગે છે કે તેઓ અમેરિકાનું નેતૃત્વ કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
