"બાયોલોજી ટીચર બનવા માટે ખો-ખો અને પેઇન્ટિંગ આવડવું જરૂરી છે?" : એક શિક્ષિકાની વેદના
દિલ્હીની શાળાઓનું કડવું સત્ય: પગાર જેટલી સિક્યોરિટી ડિપોઝિટ, ફોન જપ્ત અને કેમેરા માટે થતું 'જાદુઈ' શિક્ષણ

નવી દિલ્હી: "ગુરુ ગોવિંદ દોઉ ખડે..." આ પંક્તિઓ હવે માત્ર પુસ્તકોમાં જ સારી લાગે છે. આજના જમાનામાં શિક્ષકોની હાલત કોઈ આઈટી કંપનીના કર્મચારી કે 'સર્વિસ પ્રોવાઈડર' જેવી થઈ ગઈ છે. દિલ્હીની એક બાયોલોજી શિક્ષિકાએ તાજેતરમાં પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે, કેવી રીતે શિક્ષણનું વ્યવસાયીકરણ (Corporateisation) શિક્ષકોના ગૌરવને શાંતિથી હણી રહ્યું છે.
અજીબોગરીબ પસંદગી પ્રક્રિયા અને આકરા કરારો
શિક્ષિકાએ જણાવ્યું કે જ્યારે તેઓ નોકરી શોધવા નીકળ્યા, ત્યારે ઘણી શાળાઓએ શરત મૂકી કે તેમને ઓરિજિનલ દસ્તાવેજો જમા કરાવવા પડશે અને એક મહિનાના પગાર જેટલી 'સિક્યોરિટી ડિપોઝિટ' આપવી પડશે. આશ્ચર્યની વાત એ છે કે, શિક્ષક નોટિસ પીરિયડ વગર નોકરી ન છોડી શકે, પરંતુ સ્કૂલ મેનેજમેન્ટ ગમે ત્યારે કોઈપણ નોટિસ વગર શિક્ષકને કાઢી શકે છે. હદ તો ત્યારે થઈ જ્યારે બાયોલોજીના શિક્ષક તરીકે તેમને એટલા માટે નકારવામાં આવ્યા કારણ કે તેમને 'ખો-ખો' રમાડતા કે 'થ્રેડ પેઇન્ટિંગ' કરતા નહોતું આવડતું!
કેમેરા માટેનું શિક્ષણ અને 'જાદુઈ ગ્રીડ'
શાળામાં જોડાયા પછી પણ મુશ્કેલીઓ ઓછી નહોતી. શિક્ષકોના ફોન સવારે જપ્ત કરી લેવામાં આવતા અને લેપટોપ ફરજિયાત કરાયું હતું. શિક્ષણને રોબોટિક બનાવી દેવામાં આવ્યું હતું. સોમવારે માત્ર IT, મંગળવારે રોલ પ્લે - જાણે કોઈ વાસ્તવિક શિક્ષણ નહીં પણ સોશિયલ મીડિયાની કોઈ ઇવેન્ટ ચાલી રહી હોય! સરકારી અહેવાલો સબમિટ કરવા માટે ફોટા પાડવા એટલા અનિવાર્ય બની ગયા છે કે ભણાવવા કરતા 'પોઝ' આપવા પર વધુ ધ્યાન અપાય છે. જો ફોટા સારા ન આવે, તો ભલે તમે ગમે તેટલું સારું ભણાવ્યું હોય, એ પ્રવૃત્તિ શૂન્ય ગણાય છે.
ગેરવર્તન અને નોકરીની અસુરક્ષા
શિક્ષિકાએ આક્ષેપ કર્યો કે આચાર્યોનું વર્તન પણ અપમાનજનક હોય છે. સાડીને બદલે કુર્તી-લેગિંગ્સ પહેરનાર શિક્ષિકાને જાહેરમાં 'અભદ્ર કપડાં' પહેરવાનું ઉદાહરણ કહીને અપમાનિત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પણ હવે જાણી ગયા છે કે નાની અમથી ફરિયાદ શિક્ષકની નોકરી છીનવી શકે છે, તેથી શિસ્તના નામે પણ શિક્ષકોએ મૌન રહેવું પડે છે.
એક ગંભીર પ્રશ્ન: આપણે આપણા બાળકો માટે કેવો ગ્રહ છોડી રહ્યા છીએ એ તો બધા પૂછે છે, પણ આપણે આ ગ્રહ માટે કેવા બાળકો તૈયાર કરી રહ્યા છીએ? શું કેમેરા સામે પોઝ આપતી આ પેઢી ખરેખર શિક્ષિત થઈ રહી છે?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
