ડિજિટલ પેમેન્ટમાં 'ભીમ'ની ગદાનો પ્રહાર: વ્યવહારોમાં ૩૦૦% નો તોફાની ઉછાળો, લોકોનો ભરોસો વધ્યો
વર્ષ ૨૦૨૫માં BHIM એપ પર દર મહિને ૧૪% ની સરેરાશ વૃદ્ધિ; માત્ર નાની રકમ નહીં, હવે મોટા વ્યવહારો માટે પણ પહેલી પસંદ

નવી દિલ્હી: ભારત સરકારની માલિકીની પેમેન્ટ એપ્લિકેશન BHIM (ભારત ઇન્ટરફેસ ફોર મની) એ વર્ષ ૨૦૨૫માં સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. NPCI દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, લોકોનો વિશ્વાસ ખાનગી એપ્સને બદલે હવે સરકારી BHIM એપ પર ઝડપથી વધી રહ્યો છે. જાન્યુઆરી ૨૦૨૫માં જ્યાં ૩.૮ કરોડ વ્યવહારો થતા હતા, તે ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં વધીને ૧૬.૫ કરોડને પાર કરી ગયા છે.
આંકડામાં આભને આંબતી સફળતા
ડેટા દર્શાવે છે કે એક જ વર્ષમાં માસિક વ્યવહારોમાં ૩૦૦ ટકાનો મજબૂત વધારો જોવા મળ્યો છે. એટલું જ નહીં, ડિસેમ્બર ૨૦૨૫માં કુલ ટ્રાન્ઝેક્શન વેલ્યુ ₹૨૦,૮૫૪ કરોડને વટાવી ગઈ છે. આ આંકડા સાબિત કરે છે કે ભારતીયો હવે માત્ર શાકભાજી કે ચાના કપ માટે જ નહીં, પણ મોટી રકમના વ્યવહારો માટે પણ આ સુરક્ષિત સરકારી પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે.
ક્યાં વપરાય છે ભીમ એપ?
ગ્રાહકોની પસંદગી પર નજર કરીએ તો, સૌથી વધુ ૨૮ ટકા વ્યવહારો એક વ્યક્તિથી બીજી વ્યક્તિને (P2P) પૈસા મોકલવા માટે થયા છે. ત્યારબાદ કરિયાણાની ખરીદી (૧૮%), ફાસ્ટ ફૂડ (૭%) અને રેસ્ટોરન્ટ (૬%) માં પણ ભીમ એપનો જોરદાર ઉપયોગ થઈ રહ્યો છે. ખાસ કરીને દેશની રાજધાની દિલ્હી ભીમ એપ માટે સૌથી મોટા બજાર તરીકે ઉભરી આવ્યું છે.
કેમ વધી રહી છે લોકપ્રિયતા?
NPCI ભીમ સર્વિસીસ લિમિટેડના સીઈઓ લલિતા નટરાજના જણાવ્યા મુજબ, એપનું સરળ ઇન્ટરફેસ, ઓછી ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં પણ કામ કરવાની ક્ષમતા અને આકર્ષક કેશબેક ઓફર્સ આ વૃદ્ધિ પાછળના મુખ્ય કારણો છે. તે અત્યંત સુરક્ષિત હોવાથી લોકો હવે તેના પર વધુ વિશ્વાસ મૂકી રહ્યા છે.
ડિજિટલ ટિપ: જો તમે હજુ પણ સુરક્ષાને લઈને ચિંતિત હોવ, તો BHIM જેવી સરકારી એપ એક મજબૂત અને વિશ્વાસપાત્ર વિકલ્પ સાબિત થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
