"કેરળમાં પણ ગુજરાત જેવો જ ઈતિહાસ લખાશે": વડાપ્રધાન મોદીએ દક્ષિણ ભારતમાં ભાજપના વિજયનો ફૂંક્યો શંખનાદ
કેરળમાં ભાજપના વિસ્તરણને લઈને પીએમ મોદીનો મોટો દાવો; કહ્યું- "ગુજરાતમાં પણ શરૂઆત આવી જ થઈ હતી, હવે વારો કેરળનો છે"

તિરુવનંતપુરમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળની મુલાકાત દરમિયાન શાસક પક્ષો અને વિપક્ષોને સ્પષ્ટ ચેતવણી આપતા ભાજપના ભવિષ્ય વિશે મોટી જાહેરાત કરી છે. તિરુવનંતપુરમમાં એક જનસભાને સંબોધતા મોદીએ કહ્યું કે, કેરળમાં ભાજપનો જે રીતે વિસ્તાર થઈ રહ્યો છે, તે તેમને ગુજરાતના શરૂઆતી દિવસોની યાદ અપાવે છે. તેમણે સંકેત આપ્યો કે જે રીતે ભાજપે ગુજરાતમાં સત્તા સ્થાપીને વિકાસનો ઈતિહાસ રચ્યો, તેવો જ ચમત્કાર ટૂંક સમયમાં કેરળમાં પણ જોવા મળશે.
ગુજરાત સાથે કરી કેરળની તુલના
પીએમ મોદીએ કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરતા જણાવ્યું કે, "ઘણા લોકો કહે છે કે કેરળમાં ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે. પરંતુ હું તેમને યાદ અપાવવા માંગુ છું કે ગુજરાતમાં પણ એક સમયે આવી જ સ્થિતિ હતી. ત્યાં પણ ભાજપ માટે સંઘર્ષના દિવસો હતા, પણ લોકોના ભરોસા અને કાર્યકર્તાઓની મહેનતે ગુજરાતને ભાજપનો ગઢ બનાવી દીધો. આજે કેરળમાં જે પ્રકારનો લોકસંપર્ક વધી રહ્યો છે, તે જોઈને મને ખાતરી છે કે અહીં પણ પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે."
દક્ષિણ ભારતમાં કમળ ખીલવવાની વ્યૂહરચના
વડાપ્રધાને પોતાના ભાષણમાં કેરળના લોકોના જ્ઞાન અને સંસ્કૃતિના વખાણ કર્યા હતા. તેમણે કહ્યં્ કે કેરળની જનતા હવે પરંપરાગત ગઠબંધન રાજનીતિથી કંટાળી ગઈ છે અને વિકાસ ઈચ્છે છે. ભાજપનું 'સબકા સાથ, સબકા વિકાસ'નું મોડલ હવે કેરળના દરેક ઘર સુધી પહોંચી રહ્યું છે. પીએમ મોદીના આ નિવેદનને આગામી ચૂંટણીઓ માટે ભાજપની રણનીતિના મજબૂત સંકેત તરીકે જોવામાં આવે છે.
વિરોધીઓ પર આકરા પ્રહાર
કેરળમાં ચાલી રહેલા રાજકીય વિવાદો અને હિંસા પર નિશાન સાધતા મોદીએ કહ્યું કે, જે લોકો લોકશાહીમાં ડરાવીને સત્તા ભોગવવા માંગે છે, તેમનો સમય હવે પૂરો થવા આવ્યો છે. કેરળમાં ભાજપનું વધતું વિસ્તરણ એ સામાન્ય લોકોના અવાજનું પ્રતિબિંબ છે. તેમણે કાર્યકર્તાઓને અપીલ કરી કે તેઓ નિરાશ થયા વગર જનતાની સેવા ચાલુ રાખે, કારણ કે વિજય હવે દૂર નથી.
રાજકીય ગણિત: પીએમ મોદીનું આ નિવેદન કેરળના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ગુજરાતના વિકાસ મોડલના ઉદાહરણ સાથે કેરળમાં સત્તા મેળવવાનો ભાજપનો આ નવો પ્લાન વિરોધીઓ માટે ચિંતાનો વિષય બની શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
