તા. ૨૪ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૮ મંગળવાર
વસ્તી ગણતરી ૨૦૨૭નું કાઉન્ટડાઉન શરૂ: ૧ એપ્રિલથી ગણતરીકારો તમારા દ્વારે, પ્રશ્નાવલીમાં હશે ૩૩ સવાલો
સ્માર્ટફોન અને ઈન્ટરનેટથી લઈને રસોઈના અનાજ સુધીની વિગતો પૂછાશે; દેશમાં પ્રથમ વખત 'ડિજિટલ ટચ' સાથે થશે ઘરયાદીની કામગીરી

નવી દિલ્હી : ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૭ની વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી ૧ એપ્રિલ ૨૦૨૬થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન 'ઘરયાદી અને રહેઠાણ ગણતરી' (Houselisting and Housing Census) નો પ્રથમ તબક્કો હાથ ધરવામાં આવશે. આ વખતે પ્રશ્નાવલીમાં ૨૦૧૧ની સરખામણીએ વધુ વિગતવાર માહિતી એકત્ર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
શું હશે નવા ૩૩ પ્રશ્નોમાં?
આ વખતે વસ્તી ગણતરીમાં આધુનિક જીવનશૈલીને ધ્યાનમાં રાખીને નવા પ્રશ્નો ઉમેરવામાં આવ્યા છે. ગણતરીકારો પૂછશે કે તમારા ઘરમાં ઇન્ટરનેટની સુવિધા છે કે નહીં? તમે સ્માર્ટફોન વાપરો છો કે સાદો ફોન? આ ઉપરાંત, ઘરના વડાનું લિંગ, ઘરમાં કેટલા પરિણીત યુગલો રહે છે અને ખોરાકમાં કયા મુખ્ય અનાજનો ઉપયોગ થાય છે તેની પણ નોંધ લેવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે, આ વખતે બેંકિંગ સુવિધાઓ અંગેનો જૂનો સવાલ પડતો મૂકવામાં આવ્યો છે.
બે તબક્કામાં થશે મહા-અભિયાન
- પ્રથમ તબક્કો (૧ એપ્રિલ - ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬): આ તબક્કામાં મકાનોની સ્થિતિ, પીવાના પાણીની સુવિધા, વીજળી, શૌચાલયના પ્રકાર અને માલિકીના વાહનો જેવી ભૌતિક સુવિધાઓની ગણતરી થશે.
- બીજો તબક્કો (ફેબ્રુઆરી ૨૦૨૭): આ મુખ્ય તબક્કો હશે જેમાં દેશની વાસ્તવિક વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે.
ડિજિટલ ક્રાંતિ: સ્વ-ગણતરીનો વિકલ્પ
આ વખતે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ જોવા મળશે. વહીવટીતંત્રે નાગરિકોને 'સેલ્ફ-એન્યુમરેશન' (સ્વ-ગણતરી) નો વિકલ્પ પણ આપ્યો છે. ઘરયાદીની કામગીરી શરૂ થાય તેના ૧૫ દિવસ પહેલા નાગરિકો ઓનલાઈન પોર્ટલ દ્વારા પોતાની વિગતો જાતે ભરી શકશે. આ પગલાથી ગણતરીની પ્રક્રિયા વધુ ઝડપી અને સચોટ બનશે તેવી આશા છે.
નાગરિકો માટે નોંધ: વસ્તી ગણતરી એ દેશના ભવિષ્યના આયોજન માટેનો પાયો છે. સાચી માહિતી આપીને રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપવો એ દરેક નાગરિકની ફરજ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
