<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

IIT કેમ્પસમાં આત્મહત્યાનો ખૌફ: ઉજ્જવળ ભવિષ્યની રેસમાં કેમ હારી રહ્યા છે દેશના તેજસ્વી તારલા?

IIT કાનપુરમાં આત્મહત્યાના આંકડાએ મચાવ્યો ખળભળાટ: છેલ્લા બે વર્ષમાં ૨૩ સંસ્થાઓના ૬૫ વિદ્યાર્થીઓએ ટૂંકાવ્યું જીવન : ૧૫-૨૯ વર્ષના યુવાનોમાં વધતું જતું જીવલેણ માનસિક દબાણ રોકવા કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ એક્શન મોડમાં

કાનપુર :  દેશની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) અત્યારે શિક્ષણના ધામને બદલે વિદ્યાર્થીઓના માનસિક સંઘર્ષનું કેન્દ્ર બની રહી હોય તેવું ચિંતાજનક ચિત્ર ઉપસ્યું છે. જાન્યુઆરી ૨૦૨૪માં IIT કાનપુરના પીએચડી વિદ્યાર્થી રામસ્વરૂપ ઈશરામે છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી, જે એક મહિનામાં આ કેમ્પસમાં બનેલી બીજી ઘટના હતી. આંકડાઓ પર નજર કરીએ તો સ્થિતિ ભયાનક છે; છેલ્લા બે વર્ષમાં દેશભરની IITs માંથી આશરે ૬૫ પ્રતિભાઓએ મોતને વહાલું કર્યું છે, જેમાં IIT કાનપુર ૯ આત્મહત્યા સાથે સૌથી મોખરે છે. આ આંકડા માત્ર સંખ્યા નથી, પરંતુ દેશની શ્રેષ્ઠ શૈક્ષણિક વ્યવસ્થાની નિષ્ફળતા અને વિદ્યાર્થીઓ પરના અસહ્ય દબાણની ચાડી ખાય છે.

શિક્ષણ નિષ્ણાતો અને મનોવૈજ્ઞાનિકોના મતે, આ આત્મહત્યાઓ પાછળ માત્ર શૈક્ષણિક તણાવ જવાબદાર નથી, પરંતુ તેના મૂળ ઘણા ઊંડા છે. સતત મૂલ્યાંકનનું દબાણ, ગળાકાપ સ્પર્ધા, એકલતા અને કેટલાંક કિસ્સાઓમાં ભાષા કે જ્ઞાતિ આધારિત ભેદભાવ વિદ્યાર્થીઓને હતાશાની ગર્તામાં ધકેલી રહ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના આંકડા મુજબ, ભારતમાં ૧૫ થી ૨૯ વર્ષની વયના યુવાનોમાં આત્મહત્યા એ મૃત્યુનું મુખ્ય કારણ બની ગયું છે. ૨૦૨૩માં ૧૩,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું, જે દર્શાવે છે કે આપણી શિક્ષણ પદ્ધતિમાં ક્યાંક સંવેદનશીલતાનો અભાવ વર્તાઈ રહ્યો છે અને સમયસરની માનસિક સહાય પહોંચાડવામાં આપણે નિષ્ફળ જઈ રહ્યા છીએ.

આ ગંભીર કટોકટીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે અનિલ સહસ્રબુદ્ધેની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે, જે ૧૫ દિવસમાં આત્મહત્યા રોકવા માટેના ઉપાયો સૂચવશે. બીજી તરફ, સુપ્રીમ કોર્ટે પણ કડક વલણ અપનાવતા IIT દિલ્હીમાં થયેલા વિદ્યાર્થીઓના મોતમાં એફઆઈઆર (FIR) નોંધવાનો આદેશ કર્યો છે અને ભૂતપૂર્વ ન્યાયાધીશ એસ. રવિન્દ્ર ભટના નેતૃત્વમાં રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ બનાવી છે. આ પહેલોનો ઉદ્દેશ્ય માત્ર તપાસ પૂરતો સીમિત ન રહેતા, કેમ્પસમાં એવું વાતાવરણ ઉભું કરવાનો છે જ્યાં વિદ્યાર્થી પોતાની સમસ્યા મુક્ત મને રજૂ કરી શકે અને શૈક્ષણિક સફળતા મેળવવાની દોડમાં કોઈ પોતાનો કિંમતી જીવ ન ગુમાવે.

(9:14 PM IST)