<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

અદાણી જૂથે મીડિયા ક્ષેત્રે પકડ મજબૂત કરી: આઈએએનએસ ન્યૂઝ એજન્સીનો સંપૂર્ણ હિસ્સો ખરીદીને સો ટકા માલિકી મેળવી

ભારતીય ઉદ્યોગ જગતના માંધાતા ગણાતા અદાણી જૂથે મીડિયા અને પ્રસારણ ક્ષેત્રમાં પોતાની પકડ વધુ મજબૂત કરવાના હેતુથી એક મોટું પગલું ભર્યું

મુંબઈ: અદાણી જૂથે દેશની પ્રતિષ્ઠિત ન્યૂઝ એજન્સી 'ઈન્ડો-એશિયન ન્યૂઝ સર્વિસ' (આઈએએનએસ) માં બાકી રહેલો હિસ્સો પણ ખરીદી લીધો છે અને હવે સંસ્થા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે.

 

તાજેતરમાં પ્રાપ્ત વિગતો અનુસાર, અદાણી ગ્રૂપની મીડિયા શાખાએ આઈએએનએસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં બાકી રહેલો ૨૪ ટકા હિસ્સો પણ ખરીદી લીધો છે. આ સોદો કેટલી રકમમાં થયો છે તે અંગે કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ આ અધિગ્રહણ સાથે જ અદાણી જૂથ હવે આ ન્યૂઝ એજન્સીનું એકહથ્થુ માલિક બની ગયું છે. અગાઉ અદાણી જૂથે આ એજન્સીમાં બહુમતી હિસ્સો મેળવ્યો હતો, અને હવે બાકીના શેરધારકો પાસેથી પણ હિસ્સો ખરીદીને સંપૂર્ણ કંટ્રોલ પોતાના હાથમાં લીધો છે.

 

સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર ચાલી રહેલી ચર્ચાઓ અને નિષ્ણાતોના મતે, ગૌતમ અદાણીની આ ચાલ ખૂબ જ વ્યૂહાત્મક છે. આ માત્ર એક વ્યાપારી સોદો નથી, પરંતુ 'લોંગ ટર્મ ગેમ' એટલે કે લાંબા ગાળાની રમતનો એક ભાગ માનવામાં આવે છે. આલોચકો અને સમર્થકો બંનેનું માનવું છે કે મીડિયા હાઉસ અને ન્યૂઝ એજન્સીઓ પર નિયંત્રણ મેળવીને અદાણી જૂથ માહિતી અને સમાચારોના પ્રવાહ (નેરેટિવ)ને નિયંત્રિત કરવા માંગે છે. 

 

આજના સમયમાં જેને 'ઈન્ફોર્મેશન વોરફેર' અથવા માહિતી યુદ્ધ કહેવામાં આવે છે, તેમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એનડીટીવી બાદ આઈએએનએસ જેવી મોટી એજન્સી હસ્તગત કરીને અદાણી જૂથે ભારતીય મીડિયા જગતમાં પોતાની હાજરી અનિવાર્ય બનાવી દીધી છે.

(10:34 PM IST)