<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

અદાણી જૂથ સામેના કથિત લાંચ અને છેતરપિંડીના કેસમાં એક નવો વળાંક

ભારત સરકાર દ્વારા છેલ્‍લા ૧૪ મહિનાથી સમન્‍સ બજાવવાની પ્રક્રિયા અટકાવી રાખવામાં આવી હોય અમેરિકાની માર્કેટ રેગ્‍યુલેટર ‘સિક્‍યોરિટીઝ એન્‍ડ એક્‍સચેન્‍જ કમિશન' (એસઈસી)એ અદાણીને ઈમેલથી સમન્‍સ પાઠવવા ન્‍યુયોર્કની ફેડરલ કોર્ટ પાસે મંજૂરી માંગી

ન્‍યુ યોર્ક/નવી દિલ્‍હી,તા.૨૪: અદાણી જૂથ સામેના કથિત લાંચ અને છેતરપિડીના કેસમાં એક નવો વળાંક આવ્‍યો છે. અમેરિકાની માર્કેટ રેગ્‍યુલેટર સિક્‍યોરિટીઝ એન્‍ડ એક્‍સચેન્‍જ કમિશન' (એસઈસી)એ ન્‍યુયોર્કની ફેડરલ કોર્ટ પાસે ગૌતમભાઈ અદાણી અને સાગર અદાણીને સીધા ઈમેલ દ્વારા સમન્‍સ પાઠવવાની મંજૂરી માંગી છે. ધ વાયર' અને અન્‍ય આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ, ભારત સરકારના કાયદા મંત્રાલય દ્વારા પરંપરાગત રીતે સમન્‍સ બજાવવાની પ્રક્રિયામાં સતત અવરોધો ઉભા કરવામાં આવ્‍યા હોવાથી એસઈસી એ આ વૈકલ્‍પિક રસ્‍તો અપનાવ્‍યો છે.

અહેવાલો અનુસાર, છેલ્‍લા ૧૪ મહિનાથી ભારત સરકાર દ્વારા સમન્‍સ બજાવવાની પ્રક્રિયા અટકાવી રાખવામાં આવી હતી. એસઈસી એ કોર્ટમાં રજૂ કરેલા દસ્‍તાવેજોમાં જણાવ્‍યું છે કે તેમણે 'હેગ કન્‍વેન્‍શન' (આંતરરાષ્ટ્રીય સંધિ) હેઠળ ભારતીય કાયદા મંત્રાલયને બે વખત વિનંતી કરી હતી, પરંતુ બંને વખત તે ફગાવી દેવામાં આવી હતી.

પ્રથમ વિનંતી ફેબ્રુઆરી ૨૦૨૫ માં કરવામાં આવી હતી, જેને એપ્રિલ ૨૦૨૫ માં કાયદા મંત્રાલયે એવું કહીને પરત કરી હતી કે દસ્‍તાવેજો પર સહી અને સિક્કા નથી. એસઈસી એ સ્‍પષ્ટતા કરી હતી કે હેગ કન્‍વેન્‍શન હેઠળ આવા સિક્કાની જરૂર હોતી નથી. ત્‍યારબાદ મે ૨૦૨૫ માં ફરીથી વિનંતી મોકલવામાં આવી, જેને ડિસેમ્‍બર ૨૦૨૫ માં ફરીથી નકારી કાઢવામાં આવી. આ વખતે ભારતીય સત્તાવાળાઓએ એસઈસી ની સમન્‍સ મોકલવાની સત્તા પર જ સવાલો ઉઠાવ્‍યા હતા. આ સંજોગોમાં, હવે રાજદ્વારી ચેનલો મારફતે સમન્‍સ બજાવવું શક્‍ય ન જણાતા, એસઈસી એ કોર્ટને વિનંતી કરી છે કે તેમને સીધા ઈમેલ દ્વારા અને અદાણીના અમેરિકન વકીલો મારફતે સમન્‍સ બજાવવાની છૂટ આપવામાં આવે.

આ સમગ્ર મામલો ૨૬૫ મિલિયન ડોલર (આશરે ૨,૨૩૬ કરોડ રૂપિયા) ની કથિત લાંચ સાથે જોડાયેલો છે. નવેમ્‍બર ૨૦૨૪ માં અમેરિકન કોર્ટમાં દાખલ થયેલા આરોપનામા મુજબ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારીઓએ ભારતમાં સોલાર એનર્જીના કોન્‍ટ્રાક્‍ટ મેળવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને લાંચ આપવાનું કાવતરું ઘડ્‍યું હતું.

એસઈસી નો આરોપ છે કે અદાણી જૂથે આ પ્રોજેક્‍ટ્‍સ માટે અમેરિકન રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કર્યું હતું અને તે સમયે પોતાની કંપનીની ભ્રષ્ટાચાર વિરોધી નીતિઓ વિશે ખોટી માહિતી આપી હતી. ખાસ કરીને સપ્‍ટેમ્‍બર ૨૦૨૧ માં અદાણી ગ્રીન દ્વારા બહાર પાડવામાં આવેલા ૭૫૦ મિલિયન ડોલરના બોન્‍ડ ઈશ્‍યુમાં, લગભગ ૧૭૫ મિલિયન ડોલર અમેરિકન રોકાણકારો પાસેથી મેળવવામાં આવ્‍યા હતા. અમેરિકન એજન્‍સીનું કહેવું છે કે ગૌતમભાઈ અદાણી અને સાગર અદાણીએ રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા હતા.

અદાણી જૂથે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્‍યા છે અને કાયદાકીય લડત આપવાની વાત કરી છે. બીજી તરફ, એસઈસી એ કોર્ટમાં દલીલ કરી છે કે ગૌતમભાઈ અદાણી અને સાગર અદાણી આ કેસથી સંપૂર્ણપણે વાકેફ છે. તેઓએ બચાવ માટે અમેરિકાની નામી લો-ફર્મ્‍સ (જેમ કે કિર્કલેન્‍ડ એન્‍ડ એલિસ) રોકી છે અને જાહેરમાં નિવેદનો પણ આપ્‍યા છે. તેથી, તેમને ઈમેલ દ્વારા નોટિસ મળવી એ કાયદાકીય પ્રક્રિયાનું ઉલ્‍લંઘન નથી. એસઈસી એ કોર્ટને પુરાવા આપ્‍યા છે કે સાગર અદાણી માર્ચ ૨૦૨૪ સુધી પોતાના કોર્પોરેટ ઈમેલનો ઉપયોગ કરતા હતા, તેથી તે એક્‍ટિવ છે.

હવે જોવાનું એ રહે છે કે ન્‍યુયોર્કની કોર્ટના જજ આ વિનંતી પર શું નિર્ણય લે છે. જો કોર્ટ મંજૂરી આપશે, તો ભારત સરકારની સંમતિ વિના પણ અદાણી સામેનો અમેરિકન કેસ આગળ વધી શકશે. આ ઘટનાક્રમ બાદ અદાણી જૂથના શેરોમાં પણ મોટો ઘટાડો જોવા મળ્‍યો હતો.

(10:12 AM IST)