તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૫ શુક્રવાર
અમેરિકા પર ત્રાટકશે કુદરતી આફત: ૪,૮૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ: આજે શનિવારે હવાઈ મુસાફરી માટે વર્ષનો સૌથી ખરાબ દિવસ સાબિત થવાની વકી
અમેરિકન એરલાઈન્સ દ્વારા સૌથી વધુ ૨,૧૩૦ ફ્લાઈટ્સ કેન્સલ કરાઈ

વોશિંગ્ટન: અમેરિકા પર આ સપ્તાહના અંતમાં એક વિનાશક ‘વિન્ટર સ્ટ્રોમ’ (બરફનું તોફાન) ત્રાટકવાની પૂરેપૂરી સંભાવના છે. હવામાન વિભાગની ગંભીર ચેતવણીઓને પગલે અમેરિકાનું તંત્ર હાઈ એલર્ટ પર છે. હજુ તોફાન તેની પૂરી તાકાત સાથે ત્રાટક્યું નથી, ત્યાં જ તેની ભયાનક અસર હવાઈ મુસાફરી પર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમેરિકન એરલાઈન્સ કંપનીઓએ સાવચેતીના ભાગરૂપે શુક્રવારથી રવિવાર સુધીની કુલ ૪,૮૮૨ જેટલી ફ્લાઈટ્સ અત્યારથી જ રદ કરી દીધી છે.
વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, આ તોફાન જેમ-જેમ નજીક આવી રહ્યું છે તેમ-તેમ સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. એરલાઈન્સ કંપનીઓ માટે અને મુસાફરો માટે આજનો શનિવાર છેલ્લા એક વર્ષનો સૌથી મુશ્કેલ દિવસ સાબિત થવા જઈ રહ્યો છે. આજે શનિવારના એક જ દિવસ માટે ૨,૪૩૯ ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી છે, જે દર્શાવે છે કે આવનારા કલાકોમાં હવામાન કેટલું ખરાબ હોઈ શકે છે. આ ઉપરાંત શુક્રવાર માટે પણ ૨,૪૪૩ ફ્લાઈટ્સનું ઉડાન રદ કરવામાં આવ્યું છે.
આ કુદરતી આફતની સૌથી મોટી અસર ‘અમેરિકન એરલાઈન્સ’ પર જોવા મળી રહી છે. આ કંપનીએ તોફાનની સંભાવનાને જોતા સૌથી વધુ ૨,૧૩૦ ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. બીજા ક્રમે ‘સાઉથ વેસ્ટ’ એરલાઈન્સ છે, જેણે ૧,૦૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરી છે. આ ઉપરાંત ‘યુનાઈટેડ એરલાઈન્સ’ દ્વારા ૫૩૫ અને ‘ડેલ્ટા એરલાઈન્સ’ દ્વારા ૧૩૪ ફ્લાઈટ્સ કેન્સલ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
વિકેન્ડ હોવાથી લાખો લોકો મુસાફરીનું આયોજન કરીને બેઠા હતા, પરંતુ તોફાનની ચેતવણી અને ફ્લાઈટ્સ રદ થવાને કારણે એરપોર્ટ પર અંધાધૂંધી સર્જાવાની ભીતિ છે. એક્સ (ટ્વિટર) અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપડેટ્સ મળી રહ્યા છે કે એરલાઈન્સ કંપનીઓ મુસાફરોને એરપોર્ટ પર ન આવવા અને ઘરે રહીને જ ફ્લાઈટ સ્ટેટસ ચેક કરવા વિનંતી કરી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે શનિવાર અને રવિવારે ભારે બરફવર્ષા અને તેજ પવનો ફૂંકાવાની શક્યતા છે, જેને કારણે વિઝિબિલિટી ઘટશે અને વિમાનોનું સંચાલન અશક્ય બની જશે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને તોફાન પૂરું ન થાય ત્યાં સુધી સુરક્ષિત સ્થાને રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ તોફાનની તીવ્રતા જોતા આગામી દિવસોમાં રદ થયેલી ફ્લાઈટ્સના આંકડામાં હજુ પણ વધારો થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
