પંજાબમાં આતંકી હુમલાનું મોટું કાવતરું નિષ્ફળ: સુરક્ષા એજન્સી પર હુમલો થાય તે પહેલા જ BKI ના 5 આતંકીઓ ઝબ્બે
અમૃતસર અને હોશિયારપુરમાં પોલીસનું ઓપરેશન; વિદેશી હેન્ડલરોના ઈશારે પંજાબને હચમચાવવાની હતી પેરવી

અમૃતસર | તા.૨૪ : પંજાબ પોલીસે રાજ્યને લોહીલુહાણ કરવાના પાકિસ્તાની મનસૂબાઓ પર પાણી ફેરવી દીધું છે. પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) ના બે મોટા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરીને પોલીસે કુલ 5 સક્રિય કાર્યકરોની ધરપકડ કરી છે. આ આતંકીઓ પાસેથી ભારે માત્રામાં વિસ્ફોટકો અને આધુનિક હથિયારો મળી આવ્યા છે, જે સૂચવે છે કે તેઓ કોઈ મોટી વિસ્ફોટક ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા.
હોશિયારપુરમાં RDX સાથે 4 આતંકીઓ ઝડપાયા
હોશિયારપુર જિલ્લામાં પોલીસે મોટી કાર્યવાહી કરતા BKI ના ચાર સભ્યોને દબોચી લીધા છે. તેમની પાસેથી અંદાજે 2.5 કિલો RDX-આધારિત આઈઈડી (IED) અને બે પિસ્તોલ મળી આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ આતંકી નેટવર્ક પાકિસ્તાની એજન્સી ISI ના સમર્થનથી અને અમેરિકામાં બેઠેલા BKI હેન્ડલર્સ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું.
અમૃતસરમાં ટળ્યો મોટો હુમલો
બીજી તરફ, અમૃતસરમાં પોલીસે એક આતંકીની ધરપકડ કરીને સુરક્ષા સંસ્થા પર થનારો એક ભયાનક હુમલો ટાળી દીધો છે. પકડાયેલા શખ્સ પાસેથી હેન્ડ ગ્રેનેડ, અત્યાધુનિક પિસ્તોલ અને જીવતો દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. જો પોલીસ સમયસર હરકતમાં ન આવી હોત, તો કોઈ મહત્વપૂર્ણ સુરક્ષા કેન્દ્રને નિશાન બનાવી શકાયું હોત.
વિદેશી કનેક્શન અને આગળની તપાસ
પંજાબ પોલીસ વડા (DGP) ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, આ તમામ ધરપકડ કરાયેલા આરોપીઓ વિદેશમાં બેઠેલા માસ્ટરમાઈન્ડના સીધા સંપર્કમાં હતા. પંજાબની શાંતિ ડહોળવા માટે આ હથિયારો અને વિસ્ફોટકો સરહદ પારથી મોકલવામાં આવ્યા હોવાની શંકા છે. હાલ પોલીસ આ આતંકીઓના અન્ય સંપર્કો અને ફંડિંગના સ્ત્રોત શોધવા માટે ઊંડી તપાસ કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
