<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

પંજાબમાં મધ્યરાત્રિએ RDX બ્લાસ્ટથી રેલવે ટ્રેક ઉડાવ્યો: ટ્રેનને ટાર્ગેટ કરી આતંકી હુમલાનો પ્રયાસ

૨૬ જાન્યુઆરી પહેલા પંજાબને ધ્રુજાવવાનું ષડયંત્ર; માલગાડીના એન્જિનના પરખચ્ચા ઉડ્યા, ડ્રાઇવર લોહીલુહાણ

ફતેહગઢ સાહિબ:પંજાબમાં શુક્રવારે મધ્યરાત્રિએ એક ભયાનક વિસ્ફોટે સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે. ફતેહગઢ સાહિબ જિલ્લાના સરહિંદ વિસ્તારમાં ખાનપુર ગેટ પાસે નવી બનેલી રેલવે લાઇન પર આતંકવાદીઓએ શક્તિશાળી વિસ્ફોટક RDXનો ઉપયોગ કરી માલગાડીને ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે રેલવે ટ્રેકનો ૩-૪ ફૂટનો હિસ્સો સંપૂર્ણપણે નાશ પામ્યો હતો અને માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી.
ગણતંત્ર દિવસ (૨૬ જાન્યુઆરી) ના અવસરને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ હુમલાએ સુરક્ષા એજન્સીઓના કાન ઉંચા કરી દીધા છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ કોઈ મોટા આતંકવાદી સંગઠનનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે. વિસ્ફોટ રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ થયો જ્યારે માલગાડી નવી લાઇન પરથી પસાર થઈ રહી હતી. જો આ ટ્રેક પરથી કોઈ પેસેન્જર ટ્રેન પસાર થઈ હોત, તો મોટી જાનહાનિ થઈ શકી હોત.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, વિસ્ફોટ બાદ માલગાડીના એન્જિનનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. આ દુર્ઘટનામાં ટ્રેનના ડ્રાઇવરને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી છે. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચીને સેમ્પલ લીધા છે અને આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
આ ઘટના પર રાજકારણ પણ ગરમાયું છે. પંજાબ કોંગ્રેસના નેતા અમરિંદર સિંહ રાજા વાડિંગે આક્ષેપ કર્યો છે કે આ કોઈ સામાન્ય ગુનો નથી, પરંતુ પંજાબની શાંતિ અને અસ્થિરતાને ડહોળવાનો ઈરાદાપૂર્વકનો પ્રયાસ છે. તેમણે રાજ્ય સરકારની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉઠાવ્યા છે. હાલમાં સમગ્ર પંજાબમાં હાઈ-એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

(1:31 PM IST)