News of Saturday, 24th January 2026
કર્મચારીઓને લાગી લોટરી: ૮મા પગાર પંચ પહેલા પગાર અને પેન્શનમાં જંગી વધારાને સરકારની મંજૂરી
RBI, નાબાર્ડ અને વીમા કંપનીઓના ૯૦,૦૦૦થી વધુ પરિવારોને મળશે લાભ; ૧ ઓગસ્ટ ૨૦૨૨થી ગણાશે પગાર વધારો

નવી દિલ્હી:કેન્દ્ર સરકારે સરકારી બેંકો અને વીમા ક્ષેત્રમાં કામ કરતા હજારો કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીનો પિટારો ખોલ્યો છે. નાણા મંત્રાલયે શુક્રવારે જાહેરાત કરી છે કે જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ (PSGIC), નાબાર્ડ (NABARD) અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી આશરે ૪૬,૦૦૦ થી વધુ ચાલુ કર્મચારીઓ અને ૪૬,૦૦૦ થી વધુ પેન્શનરોને આર્થિક ફાયદો થશે.
સરકારે નેશનલ ઇન્શ્યોરન્સ, ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ સહિતની ૬ સરકારી વીમા કંપનીઓના કર્મચારીઓ માટે પગાર સુધારણાને મંજૂરી આપી છે. આ વધારો ૧ ઓગસ્ટ, ૨૦૨૨ થી અમલમાં આવશે, જેનો અર્થ છે કે કર્મચારીઓને જંગી એરિયર્સ (બાકી રકમ) પણ મળશે. મૂળ પગાર અને મોંઘવારી ભથ્થામાં ૧૪% નો વધારો થતા કુલ પગાર બિલમાં ૧૨.૪૧% નો ઉછાળો આવશે. આ ઉપરાંત, ૨૦૧૦ પછી જોડાયેલા કર્મચારીઓ માટે NPS યોગદાન ૧૦% થી વધારીને ૧૪% કરાયું છે.
નાબાર્ડના ગૃપ A, B અને C ના કર્મચારીઓના પગાર અને ભથ્થામાં આશરે ૨૦% નો વધારો મંજૂર કરાયો છે. આ ફેરફાર ૧ નવેમ્બર, ૨૦૨૨ થી લાગુ થશે. તેવી જ રીતે, દેશની મધ્યસ્થ બેંક RBI ના નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ ૧૦% નો વધારો કરવામાં આવ્યો છે. આનાથી નિવૃત્ત કર્મચારીઓના બેઝિક પેન્શનમાં ૧.૪૩ ગણો સુધારો થશે, જે મોંઘવારીના જમાનામાં મોટી રાહત સમાન છે.
આ પગાર વધારા માટે સરકારે કુલ આશરે રૂ. ૧૧,૦૦૦ કરોડ થી વધુનો ખર્ચ અંદાજ્યો છે. જેમાં વીમા કંપનીઓ માટે રૂ. ૮,૧૭૦ કરોડ, RBI માટે રૂ. ૨,૬૯૬ કરોડ અને નાબાર્ડ માટે અંદાજે રૂ. ૭૦૦ કરોડથી વધુના પેકેજનો સમાવેશ થાય છે. નાણા મંત્રાલયના મતે, આ પગલાથી નાણાકીય ક્ષેત્રના કર્મચારીઓનું મનોબળ વધશે અને પેન્શનરોને સામાજિક સુરક્ષા મળશે.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
