મણિકર્ણિકા ઘાટનું રહસ્ય: જ્યાં ૨૪ કલાક સળગે છે ચિતાઓ અને શબના કાનમાં પૂછવામાં આવે છે એક અજીબ પ્રશ્ન!
મોક્ષની નગરી કાશીનું એ સ્મશાન જ્યાં રાખ પર લખવામાં આવે છે ‘૯૪’ નંબર; જાણો દેવી પાર્વતીના શ્રાપની રોમાંચક કથા

વારાણસી (કાશી) :ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલો મણિકર્ણિકા ઘાટ માત્ર ભારતનું જ નહીં પણ વિશ્વનું સૌથી અજીબ અને રહસ્યમય સ્મશાન માનવામાં આવે છે. આ એક એવું સ્થળ છે જ્યાં જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર જાણે ઓગળી જાય છે. અહીં વર્ષના ૩૬૫ દિવસ અને ૨૪ કલાક ચિતાઓ સળગતી રહે છે. એવી માન્યતા છે કે અહીં જેનો અગ્નિસંસ્કાર થાય છે તેને સીધો મોક્ષ મળે છે અને તે જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે.
મણિકર્ણિકા ઘાટ પરની સૌથી ચોંકાવનારી પરંપરા શબના કાનમાં કંઈક પૂછવાની છે. અંતિમ સંસ્કાર પહેલા પૂજારી મૃતકના કાનમાં ચોક્કસ શબ્દો બોલે છે. પૌરાણિક વાર્તા મુજબ, અહીં માતા પાર્વતીની બુટ્ટી (મણિકર્ણિકા) ખોવાઈ ગઈ હતી, જે ભગવાન શિવ હજુ પણ શોધી રહ્યા છે. લોકવાયકા મુજબ, પૂજારી મૃતકને પૂછે છે, "શું તમે દેવીની બુટ્ટી જોઈ?" જોકે, વાસ્તવમાં આ પ્રક્રિયા આત્માને સાંસારિક મોહમાયામાંથી મુક્ત કરવા માટે કરવામાં આવે છે તેમ મનાય છે.
બીજું એક મોટું રહસ્ય એ છે કે અહીં અંતિમ સંસ્કાર પછી જ્યારે રાખ ઠંડી થાય છે ત્યારે તેના પર ‘૯૪’ નંબર લખવામાં આવે છે. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, મનુષ્યમાં કુલ ૧૦૦ ગુણો હોય છે. જેમાંથી ૬ ગુણ ભગવાન બ્રહ્મા પાસે રહે છે, જ્યારે બાકીના ૯૪ ગુણ મનુષ્યના કર્મોના આધારે નક્કી થાય છે. આ નંબર એ વાતનું પ્રતીક છે કે વ્યક્તિનો મોક્ષ કે પુનર્જન્મ તેના કર્મો પર નિર્ભર છે.
કહેવાય છે કે જ્યારે શિવ અને પાર્વતી દેવીની બુટ્ટી ન શોધી શક્યા ત્યારે ક્રોધમાં આવીને માતા પાર્વતીએ આ ભૂમિને શ્રાપ આપ્યો હતો કે અહીંની અગ્નિ ક્યારેય બુઝાશે નહીં. ત્યારથી આ ઘાટ પર અવિરત અગ્નિ જ્વાળાઓ સળગતી રહે છે. બોલિવૂડ ફિલ્મ ‘મસાન’ માં વિકી કૌશલે અહીંના ડોમ (સ્મશાન સેવક) ની ભૂમિકા ભજવીને આ ઘાટની વાસ્તવિકતા અને પીડાને પડદા પર જીવંત કરી હતી.
હાલમાં સરકાર મણિકર્ણિકા ઘાટને આધુનિક બનાવવા અને સ્માર્ટ સુવિધાઓ વિકસાવવા માટે પ્રોજેક્ટ ચલાવી રહી છે. જોકે, સ્થાનિક સાધુ-સંતો અને રહેવાસીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આધુનિકીકરણના નામે કાશીની પ્રાચીન પરંપરાઓ અને આ ઘાટના મૂળ આત્મા સાથે છેડછાડ કરવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
