<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

જયાં બોધ હોય ત્‍યાં વિરોધ ન હોયઃ પૂ. મોરારીબાપુ

નવી દિલ્‍હીમાં આયોજીત ‘‘માનસ સનાતન ધર્મ'' શ્રી રામકથાનો લાભ લેતા ‘‘લાલો'' ફિલ્‍મના કલાકારો

રાજકોટ તા. ર૪: વિશ્‍વ શાંતિ કેન્‍દ્ર-અહિંસા વિશ્‍વ ભારતીના ઉપક્રમે જૈનાચાર્ય લોકેશ મુનિ ‘સનાતની'ના સંયોજક પદે પ્રવાહિત થઇ રહેલી ‘માનસ સનાતન ધર્મ' રામકથાના સાતમા દિવસે ગઇકાલે પૂ. મોરારીબાપુએ કહ્યું કે, એક ભાવકનો પ્રશ્‍ન-બાપુ, કોઇ સનાતન ધર્મનો વિરોધ કરે તો શું કરવું? જવાબઃ જયાં બોધ હોય ત્‍યાં વિરોધ નથી હોતો. મેં ઘણીવાર કહ્યું છે કે જે સનાતન ધર્મનો વિરોધ કરે ત્‍યાંથી આપણે નિકળી જવું, એની વાતો ન સાંભળવી કેમકે એની પાસે બોધ નથી! સનાતન ધર્મનું અચલ શિબીર કૈલાસ છે, સનાતન ધર્મનો પ્રવાહ ગંગા છે અને સનાતન ધર્મનું વૃક્ષ અક્ષયવટ છે અને ગ્રંથિમુકત ગ્રંથ વેદ છે. કોઇએ પૂછયું કે-બાપુ, સાધુ સનાતન છે. જવાબઃ હા. સાધુ સંત, સાધુતા સનાતન છે. સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે. અને સાધુ સાધુકાળમાં ઓળખાતો નથી એને તો પ્રહાર જ મળ્‍યા છે. ઉપહાર નથી મળ્‍યા! બીજો એક પ્રશ્‍નઃ બાપુ, સાધુને આચરણથી કે આવરણથી, કઇ રીતે ઓળખવા? જવાબઃ સાધુ આવરણ કે સાંભરણ કે આવરણથી ન ઓળખાય? એના અંતઃકરણથી ઓળખાય કથા પ્રારંભે જાણીતી ગુજરાતી સુપર-ડુપર હીટ ફિલ્‍મ ‘લાલો'ના કલાકારો ઉપસ્‍થિત હતાં, એ કલાકારોએ વ્‍યાસપીઠની વંદના કરી હતી પ્રિય બાપુએ સર્વ કલાકારોને શાલ અર્પણ કરી હતી. ‘લાલો' ફિલ્‍મના કલાકારોએ કથા શ્રવણનો લ્‍હાવો લીધો હતો. બાપુએ કહ્યું કે, મેં ફિલ્‍મ જોઇ નથી પણ હું જોઇશ. હવે એ ફિલ્‍મ હિન્‍દીમાં પણ આવવાની છે. તમે ખૂબ સારૂં કામ કર્યું છે. સારો મેસેજ-સંદેશ લોકોમાં પહોંચાડયો છે. ખુશ રહો બાપ! સાધુવાદ લોકેશમુનિ સનાતની એ પણ ‘લાલો' ફિલ્‍મની ટીમને આવકાર્યા હતાં. આ સર્વ કલાકારો બાપુના આશિર્વાદ લેવા તલગાજરડા પણ ગયા હતા. એનું સ્‍મરણ પણ પ્રિય બાપુએ કર્યું હતું. -મનોજ જોશી-‘‘મજો'' રાજકોટ. મો. ૯૪ર૬ર ૪ર૧૧પ

(3:35 PM IST)