ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
યુપીના રાજકારણમાં ગરમાવો: “કેશવ પ્રસાદ મૌર્ય સમજદાર છે, તેમને મુખ્યમંત્રી હોવું જોઈએ”- શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન
માઘ મેળામાં પ્રશાસન સાથેના વિવાદ વચ્ચે ડેપ્યુટી સીએમની પ્રશંસા; યોગી આદિત્યનાથ અને મૌર્યના બદલાતા સૂર ચર્ચામાં

પ્રયાગરાજ: પ્રયાગરાજ માઘ મેળામાં મોની અમાસના સ્નાન દરમિયાન શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને પોલીસ પ્રશાસન વચ્ચે થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ ખેંચતાણ વચ્ચે શંકરાચાર્યએ ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની ભારે પ્રશંસા કરી છે અને તેમને મુખ્યમંત્રી બનાવવા સુધીની વાત કરી દીધી છે. શંકરાચાર્યએ કહ્યું કે, "કેશવ પ્રસાદ મૌર્ય એક સમજદાર વ્યક્તિ છે અને ભાજપે તેમને જ મુખ્યમંત્રી બનાવવા જોઈએ હતા."
જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ આંદોલનને સનાતન ધર્મને નબળો પાડવાનું ષડયંત્ર ગણાવ્યું હતું, ત્યારે કેશવ પ્રસાદ મૌર્યએ નરમ વલણ અપનાવ્યું હતું. મૌર્યએ શંકરાચાર્યના ચરણોમાં પ્રણામ કરીને તેમને આંદોલન સમેટી લેવા અને સ્નાન કરી લેવા વિનંતી કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે જો સાધુ-સંતોનું અપમાન થયું હશે તો તેની તપાસ કરાશે. આ 'સમજદારી' જોઈને શંકરાચાર્યએ તેમની તરફેણ કરી છે.
વિવાદ ૧૮ જાન્યુઆરી, ૨૦૨૬ (મોની અમાસ) ના રોજ શરૂ થયો હતો જ્યારે પોલીસ દ્વારા શંકરાચાર્યની પાલખીને સંગમ જવા માટે રોકવામાં આવી હતી. પ્રશાસનનો આરોપ છે કે તેમણે પરવાનગી વગર પ્રતિબંધિત માર્ગ પરથી પાલખી પસાર કરી હતી. બીજી તરફ શંકરાચાર્યનો આરોપ છે કે પોલીસે તેમના શિષ્યો સાથે મારપીટ કરી અને તેમનું અપમાન કર્યું. ત્યારથી તેઓ પોતાના શિબિરની બહાર ધરણા પર બેઠા છે અને બસંત પંચમીના સ્નાનનો પણ ત્યાગ કર્યો છે.
મેળા પ્રશાસને શંકરાચાર્યને નોટિસ આપીને તેમના 'શંકરાચાર્ય' ટાઇટલ વાપરવા સામે પણ સવાલ ઉઠાવ્યા છે, જે મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ વિવાદમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોએ પણ ઝંપલાવ્યું છે. અવિમુક્તેશ્વરાનંદના તાજેતરના નિવેદનથી યોગી આદિત્યનાથ અને કેશવ પ્રસાદ મૌર્ય વચ્ચેના આંતરિક મતભેદો ફરી એકવાર ચર્ચાની એરણે ચડ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
