તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Saturday, 24th January 2026
કાશ્મીરમાં કુદરતનો પ્રકોપ કે કરિશ્મા? બરફની સફેદ ચાદર ચીરીને દોડતી વંદે ભારત એક્સપ્રેસનો વીડિયો વાયરલ
શ્રીનગરથી કટરા વચ્ચે હિમવર્ષામાં પણ અટકી નહીં ટ્રેન; રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શેર કરી ‘સફેદ જન્નત’ની અદભૂત ઝલક

શ્રીનગર :કાશ્મીર ખીણ અત્યારે ભારે હિમવર્ષાને કારણે સફેદ ચાદરમાં લપેટાઈ ગઈ છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં ૩ થી ૫ ફૂટ જેટલો બરફ જમા થયો છે, જેના કારણે વિમાન સેવા અને હાઈવે ઠપ્પ થઈ ગયા છે. જોકે, આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ભારતીય રેલવેના પૈડાં અટક્યા નથી. કાશ્મીરના બરફીલા ટ્રેક પરથી પૂરઝડપે પસાર થતી વંદે ભારત એક્સપ્રેસનો એક મંત્રમુગ્ધ કરી દે તેવો વીડિયો વાયરલ થયો છે, જેમાં ટ્રેન જાણે બરફના પહાડોને કાપીને રસ્તો બનાવી રહી હોય તેમ જણાય છે.
જમ્મુ ડિવિઝનના રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, હિમવર્ષાને કારણે સવારે બનિહાલ-બારામુલ્લા સેવા થોડા સમય માટે રોકવામાં આવી હતી, પરંતુ વંદે ભારત એક્સપ્રેસ જેવી મહત્વની ટ્રેનો કાર્યરત રાખવામાં આવી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વીડિયો શેર કરતા ભારતની એન્જિનિયરિંગ શક્તિ અને રેલવે કર્મીઓના જુસ્સાને બિરદાવ્યો છે. મુસાફરો માટે આ સફર કોઈ રોમાંચક ફિલ્મી દ્રશ્યથી ઓછી નહોતી.
એક તરફ ટ્રેનો દોડી રહી છે, તો બીજી તરફ શ્રીનગર એરપોર્ટ પર નબળી વિઝિબિલિટી અને રનવે પર બરફ જમા થવાને કારણે ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર નવયુગ ટનલ પાસે અનેક વાહનો ફસાયા છે. ઘણા વિસ્તારોમાં વીજળીના થાંભલા પડી જવાથી અંધારપટ છવાયો છે. કુપવાડા જેવા વિસ્તારોમાં તો ૨૦૦૫ પછી પહેલીવાર આટલી વિકરાળ હિમવર્ષા જોવા મળી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, ૨૬ અને ૨૭ જાન્યુઆરીના રોજ કાશ્મીરમાં વધુ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) સક્રિય થવાને કારણે પ્રજાસત્તાક પર્વ પર કાશ્મીર વધુ ઠંડુગાર બની શકે છે. પ્રવાસીઓ આ હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે, પરંતુ સ્થાનિકો માટે પાણી ભરાવા અને વીજળીની સમસ્યા પડકારરૂપ બની છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
