News of Saturday, 24th January 2026
હવામાન વિભાગનું ‘રેડ એલર્ટ’: પહાડો પર હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં કરા સાથે વરસાદની ચેતવણી
પશ્ચિમી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થતા દિલ્હી-NCR સહિત અનેક રાજ્યોમાં ઠંડીનું જોર વધશે; ૨૬ થી ૨૮ જાન્યુઆરી વધુ વિકરાળ બનશે

નવી દિલ્હી:છેલ્લા થોડા દિવસોથી ઉત્તર ભારતમાં મળી રહેલી ઠંડીમાંથી રાહત હવે સમાપ્ત થવા જઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ૨૪ કલાક માટે ‘રેડ એલર્ટ’ જારી કર્યું છે. અફઘાનિસ્તાન પર સક્રિય થયેલા અત્યંત શક્તિશાળી પશ્ચિમી વિક્ષોભને કારણે પહાડોથી લઈને મેદાની વિસ્તારો સુધી કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે. કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાની સાથે ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ઠંડા પવનોની સાથે વરસાદ અને કરા પડવાની પ્રબળ સંભાવના છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં શુક્રવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, જ્યારે પૂર્વ ઉત્તર પ્રદેશમાં શનિવારે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજસ્થાનમાં વાવાઝોડા સાથે કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે, જેની અસર પાડોશી રાજ્ય ગુજરાતના સરહદી વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૬ થી ૨૮ જાન્યુઆરી વચ્ચે બીજો એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ ભારત પર ત્રાટકશે. આનો અર્થ એ છે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન દિલ્હીમાં વરસાદ અને ઠંડીનો ડબલ એટેક જોવા મળી શકે છે. કાશ્મીર ખીણમાં ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વીજળી પડવાની ઘટનાઓ પણ બની શકે છે.
હાલમાં પહાડી વિસ્તારોની મુલાકાતે ગયેલા પ્રવાસીઓને અત્યંત સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. ભારે હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થઈ શકે છે અને વીજળી ગુલ થવાની સમસ્યા સર્જાઈ શકે છે. હવામાન વિભાગે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સતત અપડેટ્સ ચેક કરતા રહેવા વિનંતી કરી છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
