આકાશમાં મોતનો તાંડવ: લેપટોપ બોમ્બથી વિમાનમાં પડ્યું મોટું ગાબડું : પણ 74 મુસાફરોનો આબાદ બચાવ
મોગાદિશુની એ ફ્લાઇટ જેમાં આત્મઘાતી હુમલાખોર પોતે જ પોતાના જાળમાં ફસાયો: ટર્કિશ એરલાઇન્સને નિશાન બનાવવાનું કાવતરું કુદરતે કેવી રીતે નિષ્ફળ બનાવ્યું તેની ચોંકાવનારી કહાની

મોગાદિશુ: બરાબર એક દાયકા પહેલા, 2 ફેબ્રુઆરી 2016ના રોજ આકાશમાં એક એવી ઘટના બની જે આજે પણ વૈજ્ઞાનિકો અને સુરક્ષા એજન્સીઓ માટે એક ચમત્કાર સમાન છે. સોમાલિયાની રાજધાની મોગાદિશુથી જીબુટી જઈ રહેલા ડાલો એરલાઇન્સના વિમાનમાં ઉડાન ભર્યાની માત્ર 15 મિનિટમાં જ એક ભયાનક વિસ્ફોટ થયો હતો. અબ્દુલ્લાહી અબ્દિસલામ બોરલે નામનો આત્મઘાતી હુમલાખોર લેપટોપમાં છુપાવેલા બોમ્બ સાથે વિમાનમાં સવાર થયો હતો. તેનો ઈરાદો આખા વિમાનને હવામાં ફૂંકી મારવાનો હતો, પરંતુ નસીબજોગ વિમાન હજુ 11,000 ફૂટની ઊંચાઈ પર જ હતું અને કેબિન પ્રેશર સંપૂર્ણ સેટ ન થવાને કારણે વિસ્ફોટની અસર ધારી હતી તેવી ન થઈ.
વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે વિમાનની બોડીમાં એક મીટર જેટલું મોટું ગાબડું પડી ગયું હતું. જોકે, આ આખી ઘટનામાં સૌથી વિચિત્ર વળાંક ત્યારે આવ્યો જ્યારે વિસ્ફોટના જોરદાર દબાણને કારણે હુમલાખોર પોતે જ એ ગાબડામાંથી બહાર ફેંકાઈ ગયો અને તેનું કરુણ મોત નીપજ્યું. બીજી તરફ, વિમાનમાં સવાર અન્ય 74 મુસાફરો માટે જાણે સાક્ષાત ઈશ્વર જ મદદે આવ્યા હોય તેમ, પાયલોટે અત્યંત સૂઝબૂઝ બતાવીને ક્ષતિગ્રસ્ત વિમાનને સુરક્ષિત રીતે મોગાદિશુ એરપોર્ટ પર લેન્ડ કરાવ્યું. આ હુમલામાં માત્ર હુમલાખોરનું જ મોત થયું અને બાકીના તમામ મુસાફરો હેમખેમ બચી ગયા હતા.
તપાસમાં જે વિગતો બહાર આવી તે વધુ આઘાતજનક હતી. આતંકવાદી સંગઠન અલ-શબાબનું અસલી નિશાન ટર્કિશ એરલાઇન્સ હતી, પરંતુ તે દિવસે ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ રદ થતા તમામ મુસાફરોને ડાલો એરલાઇન્સમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. હુમલાખોરે પણ ટર્કિશ એરલાઇન્સની જ ટિકિટ લીધી હતી. આ કાવતરા પાછળ પશ્ચિમી અધિકારીઓને નિશાન બનાવવાનો હેતુ હતો. બાદમાં સોમાલી લશ્કરી અદાલતે આ ષડયંત્રમાં સામેલ અન્ય ગુનેગારોને આજીવન કેદની સજા ફટકારી હતી. આજે 10 વર્ષ પછી પણ આ ઘટના સુરક્ષા ક્ષેત્રે 'લેપટોપ બોમ્બ'ના જોખમ સામે લાલબત્તી સમાન છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
