બજેટ સત્ર બાદ પીએમ મોદી વિદેશ પ્રવાસની તૈયારીમાં: ફેબ્રુઆરીમાં ઈઝરાયેલ અને મલેશિયાની મુલાકાત લે તેવી શક્યતા: પીએમ મોદીના ફેબ્રુઆરીના પ્રવાસના કેલેન્ડરમાં અન્ય બે થી ત્રણ દેશોનો પણ સમાવેશ થઈ શકે છે

નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં મહત્વપૂર્ણ વિદેશ યાત્રાઓ કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. મીડિયા અહેવાલો અને પ્રાપ્ત વિગતો અનુસાર, પીએમ મોદીના આ સંભવિત પ્રવાસમાં ઈઝરાયેલ અને મલેશિયા મુખ્ય છે. સંસદમાં રજૂ થનારા સામાન્ય અંદાજપત્ર (યૂનિયન બજેટ) બાદ આ મુલાકાતો ગોઠવવામાં આવે તેવી વકી છે.
બજેટ રજૂ થયા બાદ મલેશિયાની મુલાકાત
સૂત્રોના જણાવ્યા અનુસાર, ૧લી ફેબ્રુઆરીના રોજ સંસદમાં યૂનિયન બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટ સત્રની મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ થયાના ટૂંક સમયમાં જ વડાપ્રધાન મલેશિયાની મુલાકાતે જાય તેવી અપેક્ષા છે. ભારત અને મલેશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને વ્યાપારી ભાગીદારીને મજબૂત કરવાના હેતુથી આ મુલાકાતને મહત્વની માનવામાં આવે છે.
ઈઝરાયેલ પ્રવાસ પર સૌની નજર: મલેશિયા ઉપરાંત, પીએમ મોદી ફેબ્રુઆરીમાં ઈઝરાયેલની મુલાકાત લે તેવી પણ ચર્ચાઓ છે. ભારત અને ઈઝરાયેલ વચ્ચે સંરક્ષણ, ટેકનોલોજી અને કૃષિ ક્ષેત્રે ગાઢ સંબંધો છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ભારતીય વડાપ્રધાનની ઈઝરાયેલ મુલાકાત કૂટનીતિક દૃષ્ટિએ અત્યંત સૂચક હોઈ શકે છે.
અન્ય દેશો સાથે પણ ચર્ચાઓ શરૂ: માત્ર ઈઝરાયેલ અને મલેશિયા જ નહીં, પરંતુ પીએમ મોદીના ફેબ્રુઆરીના પ્રવાસના કેલેન્ડરમાં અન્ય બે થી ત્રણ દેશોનો પણ સમાવેશ થઈ શકે છે. આ અંગે જુદા જુદા દેશોના રાજદ્વારી કાર્યાલયો સાથે ચર્ચાઓ ચાલી રહી છે, જોકે તે દેશો કયા છે તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.
વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) અથવા વિદેશ મંત્રાલય દ્વારા હજુ સુધી આ પ્રવાસો અંગે કોઈ સત્તાવાર કાર્યક્રમ કે તારીખો જાહેર કરવામાં આવી નથી. હાલમાં આ મુલાકાતો આયોજનના તબક્કે હોવાનું મનાય છે અને ટૂંક સમયમાં જ આ અંગેની સત્તાવાર વિગતો બહાર આવે તેવી શક્યતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
