News of Sunday, 25th January 2026
તેલના 'સુલતાનો' વચ્ચે મહાયુદ્ધ: સાઉદી અરેબિયા અને UAE ની મિત્રતામાં પડી ભયાનક તિરાડ, શું મધ્ય-પૂર્વ નકશો બદલાઈ જશે?
વર્ચસ્વની જંગમાં ભૂતકાળની દોસ્તી બની દુશ્મની: યમનથી સુદાન સુધી સોનાની ખાણો અને દરિયાઈ બંદરો પર કબજા માટે પ્રોક્સી વોર શરૂ, સાઉદીને ટક્કર આપવા UAE નો ભારત અને ઈઝરાયેલ તરફ વધતો ઝુકાવ, ગલ્ફ દેશોમાં ભારે અજંપો

દુબઈ/રિયાધ: પશ્ચિમ એશિયાના રણ પ્રદેશમાં અત્યારે ગરમી કરતાં વધુ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. એક સમયે ખભેખભા મિલાવીને ચાલતા સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે હવે ખુલ્લેઆમ વર્ચસ્વનો જંગ છેડાયો છે. વર્ષ 2023થી શરૂ થયેલો આ ખટરાગ હવે યમન અને સુદાનની ધરતી પર લોહીની નદીઓ વહાવી રહ્યો છે. આ માત્ર બે પાડોશી દેશોની લડાઈ નથી, પણ દુનિયાના ઓઈલ માર્કેટ, સોનાના ભંડાર અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગો પર કબજો કરવાની વૈશ્વિક હોડ છે. રશિયા-યુક્રેન યુદ્ધે UAE ને સમજાવી દીધું છે કે માત્ર તેલના કૂવાઓ શક્તિશાળી બનવા માટે પૂરતા નથી, તેના માટે લોજિસ્ટિક હબ અને ખનીજ પર નિયંત્રણ હોવું પણ અનિવાર્ય છે.
યમન આ સંઘર્ષનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. 2015માં જ્યારે સાઉદીએ યમનમાં હસ્તક્ષેપ કર્યો ત્યારે UAE તેની પડખે ઊભું હતું, પણ હવે બંને સામસામે છે. સાઉદી અરેબિયા ઈચ્છે છે કે યમન અખંડ રહે અને ત્યાં તેની કઠપૂતળી સરકાર ચાલે, જ્યારે UAE એ અલગ વાદ વહેતો મૂકીને દક્ષિણી જૂથ (STC) ને સમર્થન જાહેર કરી દીધું છે. પરિસ્થિતિ એટલી વણસી છે કે સાઉદી અરેબિયાએ UAE ના સમર્થનવાળા જૂથો પર એરસ્ટ્રાઈક કરી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ સંઘર્ષે સાબિત કરી દીધું છે કે ખાડી દેશોની કહેવાતી એકતા હવે કાચના ટુકડાની જેમ વેરવિખેર થઈ ગઈ છે.
આ લડાઈ હવે આફ્રિકાના સુદાન સુધી પહોંચી છે, જે સોનાનો અખૂટ ભંડાર ધરાવે છે. UAE એ ત્યાંની રેપિડ સપોર્ટ ફોર્સ સાથે હાથ મિલાવ્યા છે, જે સોનાની ખાણો પર કબજો ધરાવે છે. તેના વળતા જવાબમાં સાઉદી અરેબિયાએ સુદાનની સત્તાવાર સેનાને ટેકો આપીને UAE ના ઈરાદાઓ પર પાણી ફેરવવાનો પ્રયાસ કર્યો છે. રેડ સી (લાલ સાગર) અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા મહત્વના વ્યાપારી માર્ગો પર કોનું વર્ચસ્વ રહેશે, તે મુદ્દે બંને દેશો વચ્ચેની ખેંચતાણ હવે ચરમસીમાએ છે. આ તકનો લાભ લઈને ઈરાન અને તૂર્કીયે જેવા દેશો આ ક્ષેત્રમાં પોતાની શક્તિ વધારવા માટે ટાંપીને બેઠા છે.
રાજકીય મોરચે પણ બંને દેશોએ પોતાની ચાલ બદલી છે. સાઉદી અરેબિયાએ પાકિસ્તાન સાથે સંરક્ષણ કરાર કરીને પોતાનું પલ્લું ભારે કરવાનો પ્રયાસ કર્યો, તો તેના જવાબમાં UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ ઝાયદ અલ નાહ્યાને ભારતની મુલાકાત લઈ નવા સમીકરણો રચ્યા છે. UAE હવે ઈઝરાયેલ અને ભારત જેવા મજબૂત લોકશાહી દેશો સાથે ગાઢ સંબંધો બનાવીને સાઉદીના પ્રભાવને મર્યાદિત કરવા માંગે છે. તેલના આ બે 'બાદશાહો' વચ્ચેનો જંગ જો લાંબો ચાલશે, તો તેની અસર માત્ર મધ્ય-પૂર્વ જ નહીં પણ સમગ્ર વિશ્વના અર્થતંત્ર અને રક્ષા નીતિ પર જોવા મળશે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
