News of Sunday, 25th January 2026
અમેરિકામાં પોલીસની ભયાનક બર્બરતા: ૫ સેકન્ડમાં ૧૦ ગોળીઓ છોડીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો
આટલી ત્વરિત અને ઘાતક કાર્યવાહીને કારણે અમેરિકામાં પોલીસ દ્વારા બળપ્રયોગની નીતિ ફરી ચર્ચામાં આવી

અમેરિકાના મિનેપોલિસ શહેરમાં કાયદા અમલીકરણ એજન્સીની કાર્યવાહી પર ગંભીર સવાલો ઉભા થયા છે. એક ચોંકાવનારી ઘટનામાં યુએસ ફેડરલ એજન્ટ્સ (આઈસીઈ) દ્વારા એક વ્યક્તિ પર ધડાધડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ, એજન્ટોએ માત્ર ૫ સેકન્ડના ટૂંકા ગાળામાં ૧૦ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેમાં ૩૭ વર્ષીય એલેક્સ જેફરી પ્રેટી નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં આ ગોળીબારની ભયાનક પળો કેદ થઈ છે. મૃતક સાથે એજન્ટોની બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પરિસ્થિતિ વણસી હતી. વીડિયોમાં અધિકારીઓ બૂમો પાડતા સંભળાય છે કે "તમે આ શું કર્યું?". આટલી ત્વરિત અને ઘાતક કાર્યવાહીને કારણે અમેરિકામાં પોલીસ દ્વારા બળપ્રયોગની નીતિ ફરી ચર્ચામાં આવી છે.
મૃતક એલેક્સ જેફરી પ્રેટી અમેરિકન નાગરિક હતો. આ ઘટના શનિવારે બની હતી જ્યારે આઈસીઈ ના અધિકારીઓ એક રેડ અથવા ઓપરેશન દરમિયાન ત્યાં પહોંચ્યા હતા. ગોળીબાર બાદ તેને બચાવવાના પ્રયાસો થયા હતા પરંતુ તેનું મોત થયું હતું.
આ ઘટના બાદ માનવાધિકાર સંગઠનો અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી રહી છે. શું ખરેખર એટલા બળપ્રયોગની જરૂર હતી કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
