<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

રશિયા બન્યું 'બરફનું બ્રહ્માંડ': ૬૦ વર્ષનો રેકોર્ડ તોડતી કાળઝાળ ઠંડી, આખેઆખા શહેરો આઈસ્ક્રીમની જેમ થીજી ગયા

માઈનસ ૨૮ ડિગ્રીમાં મોસ્કોની રફતાર પર બ્રેક: ૫૪૦ મીટર ઊંચા ટીવી ટાવરથી લઈ આલીશાન ઈમારતો પર બરફના પહાડો જામ્યા, આર્ક્ટિકના કાતિલ પવનોએ રશિયા સહિત અમેરિકા અને યુરોપને પણ ધ્રુજાવ્યા, કુદરતના રૌદ્ર સ્વરૂપ સામે વિજ્ઞાન પણ લાચાર

મોસ્કો: રશિયામાં આ વર્ષે કુદરતે એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કે છેલ્લા ૬ દાયકાના તમામ રેકોર્ડ પડીને પાધર થઈ ગયા છે. મોસ્કો સહિતના મહાનગરોમાં હાડ થિજવતી ઠંડીએ જનજીવનને જડબાતોડ ફટકો માર્યો છે. આર્ક્ટિક સર્કલથી ફૂંકાતા બરફીલા પવનોને કારણે મોસ્કોમાં તાપમાન ગગડીને માઈનસ ૨૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. સ્થિતિ એવી ગંભીર છે કે રશિયાનું ગૌરવ ગણાતો ૫૪૦ મીટર ઊંચો ઓસ્તાંકિનો ટીવી ટાવર અત્યારે કોઈ વિશાળ આઈસ્ક્રીમ જેવો દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતી તસવીરોમાં આખીને આખી ઈમારતો પર બરફના જાડા થર જામી ગયેલા જોઈ શકાય છે, જાણે કોઈએ આખા શહેર પર સફેદ મખમલની ચાદર ઓઢાડી દીધી હોય.

રશિયાના પૂર્વી છેડે આવેલા કામચાટકા વિસ્તારમાં તો સ્થિતિ લોહી થીજાવી દે તેવી છે. અહીં પોલર વર્ટેક્સ (ધ્રુવીય વંટોળ) નબળો પડવાને કારણે ઉત્તર ધ્રુવની અતિશય ઠંડી હવા સીધી મેદાની વિસ્તારોમાં ધસી આવી છે. જ્યારે સમુદ્રની ભેજવાળી હવા માઈનસ ૩૦ થી ૪૦ ડિગ્રી તાપમાનના સંપર્કમાં આવે છે, ત્યારે તે સેકન્ડોમાં પથ્થર જેવો બરફ બની જાય છે. રશિયામાં અત્યારે લોકો એવા વીડિયો શેર કરી રહ્યા છે જેમાં ગરમ નૂડલ્સ પણ હવામાં ઉછાળતાની સાથે જ કાંટાની જેમ થીજી જાય છે. રસ્તા પર ઉભેલી ગાડીઓ હવે માત્ર બરફના ટેકરા જેવી લાગે છે અને ઘરોના દરવાજા ખોલવા માટે પણ કુહાડીથી બરફ તોડવો પડી રહ્યો છે.

આ ભીષણ શીતલહેર માત્ર રશિયા પૂરતી સીમિત નથી, પરંતુ તેણે સમગ્ર ઉત્તર ગોળાર્ધને પોતાની ઝપેટમાં લીધો છે. અમેરિકાના મિનિયાપોલીસમાં તાપમાન માઈનસ ૨૧ ડિગ્રી ફેરનહિટ સુધી નીચે જતાં અમેરિકાના અનેક રાજ્યોમાં 'સ્નો-ઈમરજન્સી' જેવી સ્થિતિ સર્જાઈ છે. યુરોપના સમૃદ્ધ દેશોમાં પણ હિમવર્ષાને કારણે ટ્રેન અને હવાઈ વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયા છે. વૈજ્ઞાનિકો આ ઘટનાને ક્લાઈમેટ ચેન્જ અને ધ્રુવીય પવનોના અસાધારણ વિસ્થાપન સાથે જોડી રહ્યા છે. મોસ્કો જેવા સતત ધબકતા શહેરોની રફતાર અટકી ગઈ છે અને વહીવટીતંત્ર લોકોને જીવ બચાવવા ઘરોની બહાર ન નીકળવા સતત ચેતવણી આપી રહ્યું છે.

કાતિલ ઠંડીના આ પ્રકોપ વચ્ચે રશિયાના રસ્તાઓ અત્યારે સફેદ રણ જેવા દેખાઈ રહ્યા છે. ટ્રાફિક જામની સમસ્યા એટલી વિકરાળ છે કે બરફ હટાવવાના મશીનો પણ ટૂંકા પડી રહ્યા છે. ઉત્તર ધ્રુવના ઠંડા પવનોએ માનવસભ્યતાને ફરી એકવાર કુદરતની તાકાતનો અહેસાસ કરાવ્યો છે. આવનારા દિવસોમાં તાપમાન હજુ પણ ઘટે તેવી શક્યતા હોવાથી લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓ ભેગી કરી રહ્યા છે. આ શિયાળો રશિયાના ઈતિહાસમાં સૌથી ખતરનાક અને જાનલેવા સાબિત થઈ રહ્યો છે, જ્યાં માત્ર પાણી જ નહીં પણ લોહી થીજાવી દે તેવી ઠંડી પડી રહી છે.

(11:17 AM IST)