News of Sunday, 25th January 2026
હિમાચલ બન્યું 'વ્હાઇટ ડેઝર્ટ': ૬૮૩ રસ્તાઓ પર બરફની દીવાલ, ૫૭૦૦ ટ્રાન્સફોર્મર ઠપ્પ થતા લાખો લોકો અંધારામાં
કુદરતનો કહેર: લાહૌલ-સ્પિતિથી શિમલા સુધી બરફના તોફાને મચાવી તબાહી, બે નેશનલ હાઈવે સહિત સેંકડો માર્ગો બંધ થતા પ્રવાસીઓ અટવાયા, શૂન્ય ડિગ્રી તાપમાનમાં પાણી અને વીજળી વગર રહેવાસીઓની હાલત કફોડી, આગામી ૨૪ કલાક હજુ પણ ભારે હિમવર્ષાની આશંકા

શિમલા:દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા ૨૪ કલાકથી પડી રહેલા ભારે વરસાદ અને હિમવર્ષાએ સમગ્ર રાજ્યની જનજીવનની રફતાર પર બ્રેક લગાવી દીધી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (SEOC) ના તાજા અહેવાલ મુજબ, રાજ્યમાં બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો (NH-03 અને NH-505) સહિત કુલ ૬૮૩ રસ્તાઓ બરફના થર નીચે દબાઈ ગયા છે. રસ્તાઓ બંધ થવાને કારણે ડઝનબંધ ગામડાઓનો સંપર્ક મુખ્ય શહેરોથી તૂટી ગયો છે. આભમાંથી વરસી રહેલી આ 'સફેદ આફત' ને કારણે રસ્તાઓ પર મણ-મણના બરફ જામી જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે.
હિમાચલમાં માત્ર રસ્તાઓ જ નહીં, પણ વીજળી અને પાણીની સેવાઓ પણ પાયમાલ થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં આશરે ૫,૭૭૫ વીજ ટ્રાન્સફોર્મર (DTR) ખોરવાઈ ગયા છે, જેના કારણે લાખો ઘરોમાં અંધારપટ છવાઈ ગયો છે. આ ઉપરાંત ૧૨૬ જેટલી પાણી પુરવઠા યોજનાઓ પ્રભાવિત થતા લોકોને પીવાના પાણી માટે બરફ ઓગાળવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સૌથી ખરાબ હાલત લાહૌલ-સ્પિતિની છે, જ્યાં ૨૯૦ રસ્તાઓ બંધ છે અને રોહતાંગ પાસ તેમજ દારચા-સરચુ જેવા વ્યૂહાત્મક માર્ગો પર ટ્રાફિક અટકી ગયો છે. મંડી અને ચંબામાં પણ સેંકડો ટ્રાન્સફોર્મર બળી જવાથી કે હાઈ-ટેન્શન લાઈનો તૂટવાથી અંધારપટ છવાયેલો છે.
રાજધાની શિમલામાં સ્થિતિ વધુ જટિલ બની છે. ૨૩ જાન્યુઆરીથી અનેક વિસ્તારોમાં વીજળી ગુલ છે અને જનરેટરો પણ ઈંધણના અભાવે દગો દઈ રહ્યા છે. કુલ્લુમાં હિમવર્ષાને કારણે વીજ લાઈનોને મોટું નુકસાન થયું છે, જેનાથી હોસ્પિટલો અને આવશ્યક સેવાઓને અસર પડી રહી છે. સ્થાનિક વહીવટીતંત્ર અને SDMA ની ટીમો જેસીબી અને સ્નો કટર મશીનો સાથે રસ્તા સાફ કરવા મેદાનમાં ઉતરી છે, પરંતુ સતત પડી રહેલી હિમવર્ષા કામગીરીમાં અવરોધ ઊભો કરી રહી છે. હાડ થીજવતી ઠંડી અને અંધારા વચ્ચે લોકો પોતાના ઘરોમાં કેદ થઈ ગયા છે.
વહીવટીતંત્રે પ્રવાસીઓ અને રહેવાસીઓ માટે સખત એડવાઈઝરી જારી કરી છે. પ્રવાસીઓને અત્યારે ઊંચાઈવાળા વિસ્તારોમાં મુસાફરી ન કરવા અને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં હજુ પણ વધુ હિમવર્ષા થવાની આગાહી હોવાથી ઈમરજન્સી રિસ્પોન્સ ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. પર્વતો પરની આ કુદરતી આફતે સાબિત કરી દીધું છે કે જ્યારે પ્રકૃતિ પોતાનું જોર બતાવે છે, ત્યારે આધુનિક સુવિધાઓ પણ વામણી સાબિત થાય છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
