News of Sunday, 25th January 2026
થાઈલેન્ડના જંગલમાં મ્યાનમારના સુપરસ્ટારની રહસ્યમય હત્યા: 9 લાખ ફોલોઅર્સ ધરાવતા LGBTQ આઈકોનનો લોહીલુહાણ મૃતદેહ મળ્યો
મોતના એક દિવસ પહેલા આવ્યો હતો ધમકીભર્યો ફોન: 'આય્યારવાડી' તરીકે મશહૂર ૨૫ વર્ષીય કો ટીન ઝાવ હટ્વેના શરીર પર મળ્યા જખમોના નિશાન, ઘરથી એકલા નીકળ્યા બાદ પરત ન ફર્યા, સોશિયલ મીડિયા પર શોકનું મોજું અને ન્યાયની ઉગ્ર માંગ, થાઈલેન્ડ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો

બેંગકોક:થાઈલેન્ડના સરહદી જિલ્લા મે સોટના ગાઢ જંગલોમાંથી સોશિયલ મીડિયાના એક ચમકતા સિતારાનો મૃતદેહ મળી આવતા મ્યાનમાર અને થાઈલેન્ડમાં ખળભળાટ મચી ગયો છે. મ્યાનમારના અત્યંત લોકપ્રિય LGBTQ પ્રભાવક અને 'આય્યારવાડી' તરીકે જાણીતા ૨૫ વર્ષીય કો ટીન ઝાવ હટ્વેનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. થોંગ ગામ નજીક એક વિશાળ વૃક્ષ નીચેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રારંભિક તપાસમાં તેમના શરીર પર ઈજાના ગંભીર નિશાન મળી આવ્યા છે, જેના આધારે પોલીસ તેને કુદરતી મૃત્યુ નહીં પણ અત્યંત ક્રૂર અને સુનિયોજિત હત્યા માની રહી છે.
કો ટીન ઝાવ હટ્વે માત્ર એક સોશિયલ મીડિયા પર્સનાલિટી નહોતા, પરંતુ તેઓ મ્યાનમારના LGBTQ સમુદાય માટે આશાનું કિરણ અને હિંમતનું પ્રતીક હતા. ૯ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા હટ્વે તેમની અનોખી જીવનશૈલી, બ્લોગ્સ, સુંદર ડાન્સ વીડિયો અને ફેશન ડિઝાઇનિંગ માટે યુવા પેઢીમાં લોકપ્રિય હતા. તેમની સુંદરતા અને નિખાલસતાને કારણે તેઓ સોશિયલ મીડિયા પર હંમેશા છવાયેલા રહેતા હતા. ૨૫ વર્ષની નાની ઉંમરે તેમની આ રીતે લોહીલુહાણ હાલતમાં વિદાય થતા તેમના લાખો ચાહકો સ્તબ્ધ થઈ ગયા છે અને આઘાતમાં સરી પડ્યા છે.
આ કેસમાં સૌથી મોટો વળાંક ૧૯ જાન્યુઆરીના રોજ આવ્યો હતો, જ્યારે હટ્વેને એક અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો ફોન આવ્યો હતો. મે સોટ પોલીસના જણાવ્યા મુજબ, આ કોલ બાદ હટ્વે ગભરાયેલી હાલતમાં એકલા જ ઘરની બહાર નીકળી ગયા હતા અને ત્યારબાદ તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો. ૨૦ જાન્યુઆરીએ જંગલમાંથી તેમની લાશ મળી આવી હતી. પોલીસને શંકા છે કે કોઈ અંગત દુશ્મનાવટ અથવા નફરતને કારણે તેમને ફોન કરીને જંગલમાં બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમની હત્યા કરી દેવામાં આવી હતી. હાલમાં હટ્વેના મોબાઈલ કોલ રેકોર્ડ્સ અને લોકેશનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટનાએ થાઈલેન્ડ-મ્યાનમાર બોર્ડર પર રહેતા LGBTQ સમુદાયની સુરક્ષા સામે પણ સવાલો ઉભા કર્યા છે. હટ્વેના પરિવાર અને મિત્રોએ ન્યાયની માંગ કરતા જણાવ્યું છે કે તે ખૂબ જ દયાળુ અને હસમુખો હતો, તેની કોઈની સાથે દુશ્મનાવટ નહોતી. સોશિયલ મીડિયા પર #JusticeForHtwe ટ્રેન્ડ થઈ રહ્યું છે અને લોકો હત્યારાઓને વહેલી તકે પકડવાની માંગ કરી રહ્યા છે. પોલીસ ટીમો જંગલ વિસ્તારના સીસીટીવી અને શંકાસ્પદ હલચલ પર નજર રાખી રહી છે. શું આ નફરતથી પ્રેરિત ગુનો (Hate Crime) છે કે પછી કોઈ અંગત અદાવત, તે દિશામાં હવે તપાસ તેજ કરવામાં આવી છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
