તા. ૨૯ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૯ શનિવાર
News of Sunday, 25th January 2026
ફિઝીયોથેરાપિસ્ટના નામ આગળ 'ડોક્ટર' લગાવવા પર હાઈકોર્ટની મહોર: વિરોધમાં થયેલી રિટ અરજી ફગાવી, આરોગ્ય જગતમાં ઐતિહાસિક વિજય
કેરળ હાઈકોર્ટનો મેડિકલ ક્ષેત્રે મોટો અને પાયાનો નિર્ણય: IAPMR દ્વારા ‘ડોક્ટર’ પ્રિફિક્સના ઉપયોગ સામેની કાનૂની લડાઈમાં ફિઝીયોથેરાપિસ્ટનો ભવ્ય વિજય, એન.સી.એ.એચ.પી. (NCAHP) ના નિયમો મુજબ હવે ગર્વ સાથે લખી શકશે 'Dr.', દેશના લાખો પ્રોફેશનલ્સના આત્મસન્માન અને સામાજિક ગૌરવની જીત

કોચી/નવી દિલ્હી:માનનીય કેરળ હાઇકોર્ટ એ ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝીકલ મેડિસિન એન્ડ રિહેબિલિટેશન (આઈ.એ.પી.એમ.આર) દ્વારા દાખલ કરાયેલ રિટ અરજીને સંપૂર્ણ રીતે રદ કરી છે. આ અરજીમાં ફિઝીયોથેરાપિસ્ટ દ્વારા “ડોક્ટર” પ્રિફિક્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. આ કેસ WP(C) નં. 41064 ઓફ 2025 (CNR નં. KLHC01-091878-2025) તરીકે નોંધાયેલ હતો અને તેનો અંતિમ નિર્ણય 22 જાન્યુઆરી 2026ના રોજ માનનીય ન્યાયમૂર્તિ શ્રી વી. જી. અરુણ દ્વારા સિંગલ જજ બેન્ચ સમક્ષ આપવામાં આવ્યો. આ રિટ અરજી 02 નવેમ્બર 2025ના રોજ દાખલ કરવામાં આવી હતી, 03 નવેમ્બર 2025ના રોજ નોંધણી કરવામાં આવી હતી અને 04 નવેમ્બર 2025ના રોજ પ્રથમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં અરજદાર તરીકે આઈ.એ.પી.એમ.આર અને પ્રતિવાદી તરીકે ભારત સરકાર, નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેશનસ (એન.સી.એ.એચ.પી), સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થ કેર કાઉન્સિલ, નેશનલ મેડિકલ કમિશન, વિગેરે અન્ય વ્યક્તિગત પ્રતિવાદીઓનો સમાવેશ થતો હતો.
માનનીય હાઇકોર્ટે આઈ.એ.પી.એમ.આર દ્વારા માંગવામાં આવેલી કોઈ પણ રાહત મંજૂર કરી નથી અને રિટ અરજીને રદ કરી છે. ખાસ નોંધનીય બાબત એ છે કે અદાલતે “ડોક્ટર” પ્રિફિક્સના ઉપયોગને મર્યાદિત કરવા અથવા નિયંત્રિત કરવા અંગે કોઈ પણ પ્રકારના નિર્દેશો આપ્યા નથી. પરિણામે, આ બાબતે હાલની કાનૂની અને નિયમનાત્મક સ્થિતિ યથાવત રહેશે.
આ નિર્ણય મુજબ,એન.સી.એ.એચ.પી દ્વારા મંજૂર કરાયેલ અભ્યાસક્રમ અને ભલામણો યથાવત લાગુ રહેશે. એન.સી.એ.એચ.પી ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તેના અનુસાર, ફિઝીયોથેરાપી એક સ્વતંત્ર આરોગ્ય વિજ્ઞાન શાખા તરીકે માન્ય છે, જેમાં પાંચ વર્ષનો વ્યાવસાયિક અભ્યાસક્રમ સામેલ છે. આ અભ્યાસક્રમમાં ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસ, ફરજિયાત ઇન્ટર્નશિપ અને વ્યાપક ક્લિનિકલ તાલીમનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય નિયમો અને આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ, ફિઝીયોથેરાપી સ્નાતકોને “ડો” પ્રિફિક્સ અને “પી.ટી” સફિક્સ ઉપયોગ કરવાનો અધિકાર કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કરવામાં આવ્યો છે. આ માન્યતા ફિઝીયોથેરાપિસ્ટની વૈજ્ઞાનિક ક્ષમતા, વ્યાવસાયિક કુશળતા અને સ્વતંત્ર ક્લિનિકલ ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.
આ રિટ અરજીના રદ થવાથી સમગ્ર ભારતના ફિઝીયોથેરાપિસ્ટની વ્યાવસાયિક ગૌરવ, સામાજિક ઓળખ અને દર્દીઓના વિશ્વાસને મજબૂતી મળે છે. દેશભરમાં એક મિલિયનથી વધુ ફિઝીયોથેરાપિસ્ટ હોસ્પિટલ, ક્લિનિક, પુનર્વસન કેન્દ્રો, રમતગમત ચિકિત્સા અને સમુદાય આરોગ્ય સેવાઓમાં સેવા આપી રહ્યા છે. આ નિર્ણય તેમના આરોગ્ય પ્રણાલીમાં મહત્વપૂર્ણ યોગદાનને વધુ મજબૂત બનાવે છે. નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેશનસ (એન.સી.એ.એચ.પી) ફિઝીયોથેરાપી વ્યવસાયિકોની ઓળખ, માન્યતા અને અધિકારોની રક્ષા માટે સતત પ્રતિબદ્ધ છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
