News of Sunday, 25th January 2026
ચીનમાં સત્તાપલટાનો લોહીયાળ ખેલ: જનરલનો બળવો નિષ્ફળ, શી જિનપિંગના ૯ બોડીગાર્ડના મોત
જિંગ્સી હોટેલમાં આખી રાત ખેલાયો મોતનો તાંડવ; જનરલ ઝાંગ યુક્સિયાની ધરપકડ પાછળ લશ્કરી સુધારા નહીં પણ જિનપિંગને ખુરશી પરથી ઉથલાવવાનું ખતરનાક ષડયંત્ર હોવાનો ઘટસ્ફોટ

બેઇજિંગ: ચીનના લોખંડી પડદા પાછળ સત્તા હડપવા માટે ખેલાયેલા એક ભયાનક ખેલની વિગતો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. ચીનના સૌથી શક્તિશાળી જનરલ ઝાંગ યુક્સિયા અને રણનીતિ વડા લિયુ ઝેનલીએ પ્રમુખ શી જિનપિંગ વિરુદ્ધ સશસ્ત્ર બળવાની યોજના બનાવી હતી. કેનેડિયન સ્થિત ચીની લેખક શેંગ ઝુના અહેવાલ મુજબ, ૧૮ જાન્યુઆરીની રાત્રે પશ્ચિમ બેઇજિંગની જિંગ્સી હોટેલમાં આ બંને જનરલોએ જિનપિંગને કેદ કરવાની તૈયારી કરી હતી. જોકે, ઓપરેશનના માત્ર બે કલાક પહેલા જ માહિતી લીક થઈ જતા શી જિનપિંગે વળતો પ્રહાર કર્યો હતો, જેમાં હોટેલના પરિસરમાં થયેલા ભારે ગોળીબારમાં જિનપિંગના ૯ અંગત સુરક્ષા ગાર્ડના કરૂણ મોત નીપજ્યા છે.
આ બળવો એટલો ગુપ્ત અને ખતરનાક હતો કે શી જિનપિંગને હચમચાવી નાખ્યા છે. યોજના મુજબ ઝાંગના સૈનિકો જિનપિંગને અટકાયતમાં લેવા માંગતા હતા, પરંતુ જિનપિંગે પહેલા જ પોતાના વફાદાર દળોને ગોઠવી દીધા હતા. જિંગ્સી હોટેલમાં સામસામે થયેલા આ અથડામણમાં બંને પક્ષે મોટું નુકસાન થયું હોવાના અહેવાલ છે. આ નિષ્ફળ પ્રયાસ બાદ, જિનપિંગે તાત્કાલિક અસરથી જનરલ ઝાંગ અને લિયુ સહિત તેમના આખા પરિવારને કસ્ટડીમાં લઈ લીધા છે. ચીની સરકારી મીડિયા આ ઘટનાને "ભ્રષ્ટાચાર વિરુદ્ધની સફાઈ" અને "લશ્કરી સુધારા" તરીકે ઓળખાવી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા સત્તા બચાવવા માટેના લોહીયાળ જંગની છે.
ષડયંત્રનો પર્દાફાશ થયા બાદ શી જિનપિંગ એટલા ભયભીત છે કે તેમણે પોતાની માતા અને બહેનને પણ તાત્કાલિક શેનઝેનના એક અતિ સુરક્ષિત ગેસ્ટહાઉસમાં નજરકેદ જેવા રક્ષણમાં ખસેડ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જિનપિંગ પર આ ચોથો જીવલેણ હુમલો હતો. ચીની સેનામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી 'સફાઈ' થી અનેક ટોચના જનરલોમાં ભારે રોષ હતો. ઝાંગ યુક્સિયાને ડર હતો કે જિનપિંગ હવે તેમને પણ રસ્તામાંથી હટાવી દેશે, તેથી તેમણે છેલ્લી ઘડીએ આ જોખમી દાવ ખેલ્યો હતો. હાલમાં આખું બેઇજિંગ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને જિનપિંગે સેના પર પોતાનો અંકુશ મેળવવા માટે ધરપકડનો દોર તેજ કર્યો છે.
આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ચીનના સામ્યવાદી શાસનમાં બધું બરાબર નથી. લેખક શેંગ ઝુના મતે, આ નિષ્ફળ બળવા પછી શી જિનપિંગ હવે વધુ ક્રૂર અને શંકાશીલ બનશે, જે સેનાના આખા માળખાને બદલી નાખશે. જે જનરલ થોડા સમય પહેલા જિનપિંગની જમણી બાજુ બેસતા હતા, તે આજે કટ્ટર દુશ્મન બની જેલના સળિયા પાછળ છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો માને છે કે જો જનરલ ઝાંગ સફળ થયા હોત, તો ચીન અને વિશ્વનું રાજકારણ આજે કંઈક અલગ હોત. હાલમાં ડ્રેગનના દેશમાં સત્તાના સંતુલન માટે અંદરખાને જબરદસ્ત અસ્થિરતા સર્જાઈ છે.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
