<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા રક્તપાત: BNP અને જમાત વચ્ચે ભીષણ જંગ, ભારત સાથેના 'ગુપ્ત કરાર'ની અફવાએ લગાડી આગ

૧૨ ફેબ્રુઆરીની ચૂંટણી પૂર્વે ઢાકામાં ફાટી નીકળી અરાજકતા; જમાત-એ-ઈસ્લામીએ તારિક રહેમાન પર ભારત સાથે સાંઠગાંઠના આક્ષેપો લગાવતા બંને પક્ષોના કાર્યકરો સામસામે, હિન્દુઓ પરના હુમલા અને ઉમેદવારોની હત્યાના બનાવોથી મોહમ્મદ યુનુસ સરકારની વિશ્વભરમાં થૂ-થૂ

ઢાકા: બાંગ્લાદેશમાં આગામી ૧૨ ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી પૂર્વે લોકશાહીના નામે લોહીયાળ ખેલ શરૂ થઈ ગયો છે. પડોશી દેશમાં સ્થિતિ એટલી હદે વણસી છે કે રસ્તાઓ પર ઉમેદવારોની હત્યા થઈ રહી છે અને અલ્પસંખ્યક હિન્દુઓને ઉગ્રવાદી ટોળા દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ ભયાનક અરાજકતા વચ્ચે હવે બે મોટા પક્ષો, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને જમાત-એ-ઇસ્લામી વચ્ચે 'ભારત'ના નામે નવો મોરચો ખુલ્યો છે. જમાતના નેતા સૈયદ અબ્દુલ્લા મોહમ્મદ તાહિરે ફેલાવેલી એક અફવાએ આખા દેશમાં રાજકીય ભૂકંપ લાવી દીધો છે, જેમાં દાવો કરાયો છે કે BNP નેતા તારિક રહેમાને ભારત સાથે ત્રણ ગુપ્ત કરાર કર્યા છે.

જમાત-એ-ઇસ્લામીના આ ગંભીર આરોપો બાદ બાંગ્લાદેશના રાજકારણમાં ભારે ધ્રુવીકરણ જોવા મળી રહ્યું છે. જમાતના નેતાઓએ ઉગ્રવાદી તત્વોને ઉશ્કેરવા માટે એવો પ્રચાર શરૂ કર્યો છે કે તારિક રહેમાન ભારતની મદદથી સત્તામાં આવવા માંગે છે અને તેના બદલામાં તેમણે ભારત સાથે મહત્ત્વની સમજૂતીઓ કરી છે. આ અફવા ફેલાતા જ BNP અને જમાતના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે અને બંને જૂથો વચ્ચે હિંસક અથડામણો શરૂ થઈ છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ પ્રચાર પાછળનો હેતુ ચૂંટણી ટાણે કટ્ટરપંથી મતોનું વિભાજન અટકાવવાનો અને BNPને ભારત સમર્થિત જાહેર કરી બદનામ કરવાનો છે.

બીજી તરફ, BNP એ આ તમામ આરોપોને પાયાવિહોણા અને સસ્તી રાજનીતિ ગણાવ્યા છે. BNP ચૂંટણી સંચાલન સમિતિના પ્રવક્તા મહદી અમીને પ્રેસ કોન્ફરન્સમાં જમાત પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, "ભારત સાથે કોઈ પણ પ્રકારના કરારની વાત માત્ર કલ્પના છે. જમાતના નેતાઓ પાસે આ દાવાને સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી." BNP એ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પહેલા જનતામાં મૂંઝવણ ઉભી કરવા અને તારિક રહેમાનની છબી ખરડવા માટે જમાત દ્વારા આ 'ડર્ટી ગેમ' રમવામાં આવી રહી છે. પક્ષે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આવી કોઈ પણ નકારાત્મક યુક્તિઓ સામે ઝૂકશે નહીં.

બાંગ્લાદેશમાં ચાલી રહેલા આ આંતરિક કલેશ અને અરાજકતાને કારણે વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ટીકા થઈ રહી છે. એકબાજુ હિન્દુઓની હત્યાઓ રોકવામાં નિષ્ફળ રહેલી સરકાર હવે રાજકીય પક્ષો વચ્ચેના આ હિંસક સંઘર્ષને ડામવામાં પણ અસમર્થ દેખાઈ રહી છે. ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારત વિરોધી પ્રચાર અને પક્ષો વચ્ચેના ખૂની જંગે બાંગ્લાદેશને વિનાશના આરે લાવી દીધું છે. હવે જોવાનું એ રહેશે કે ૧૨ ફેબ્રુઆરીએ શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ શકશે કે પછી આ હિંસા બાંગ્લાદેશના ભવિષ્યને વધુ અંધકારમાં ધકેલી દેશે.

(3:01 PM IST)