News of Sunday, 25th January 2026
પાકિસ્તાની આર્મી ચીફની ખતરનાક ચાલ: બાંગ્લાદેશને આતંકવાદના માર્ગે ધકેલવાનું ષડયંત્ર!
શેખ હસીનાના પતન બાદ ઈસ્લામાબાદ અને ઢાકા વચ્ચેની વધતી નિકટતાથી દક્ષિણ એશિયામાં ભયના વાદળો, ભારત વિરોધી ગઠબંધન રચવાની ફિરાકમાં જનરલ મુનીર

ઈસ્લામાબાદ:ભારત અને બાંગ્લાદેશના વણસેલા સંબંધોનો ફાયદો ઉઠાવવા માટે પાકિસ્તાન હવે 'ઢાકા કાર્ડ' રમી રહ્યું છે. પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને વડાપ્રધાન શાહબાઝ શરીફની જોડી બાંગ્લાદેશને ફરી એકવાર કટ્ટરપંથી ઈસ્લામવાદ અને અરાજકતાના માર્ગે ધકેલવા સક્રિય બની છે. ભારત સામેના જુના વેરનો બદલો લેવા માટે પાકિસ્તાન હવે બાંગ્લાદેશની ધરતીનો ઉપયોગ કરી તેને ગરીબી અને આતંકવાદની નર્સરી બનાવવાની ખતરનાક યોજના પર કામ કરી રહ્યું હોવાના અહેવાલોથી રાજદ્વારી ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે.
આ કડીમાં રવિવારે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક દારે બાંગ્લાદેશના વિદેશ મંત્રી મોહમ્મદ તૌહીદ હુસૈન સાથે લાંબી ટેલિફોનિક વાતચીત કરી હતી. પાકિસ્તાન બાંગ્લાદેશ સાથે આર્થિક અને વેપારના બહાને પોતાના સૈન્ય અને ગુપ્તચર મનસૂબાઓ પાર પાડવા ઈચ્છે છે. હસીના સરકારના પતન બાદ સર્જાયેલી શૂન્યાવકાશનો લાભ લઈ પાકિસ્તાન હવે ઢાકા સાથે 'નવી મિત્રતા'ના કસમ ખાઈ રહ્યું છે, પરંતુ આ મિત્રતા પાછળ પ્રાદેશિક અસ્થિરતા લાવવાનો મોટો એજન્ડા છુપાયેલો હોવાની પ્રબળ શક્યતા છે.
ઓગસ્ટ 2024માં શેખ હસીનાની હકાલપટ્ટી બાદ બાંગ્લાદેશમાં કટ્ટરપંથી સંગઠનો જે રીતે બેફામ બન્યા છે, તેને પાકિસ્તાન સીધું સમર્થન આપી રહ્યું છે. બંને દેશોના નેતાઓ વચ્ચે સતત વધી રહેલી મુલાકાતો અને લશ્કરી સ્તરે થતા સંપર્કો સૂચવે છે કે બાંગ્લાદેશ તેની સેક્યુલર છબી છોડીને પાકિસ્તાન પ્રેરિત કટ્ટરપંથી રાષ્ટ્ર બનવા તરફ જઈ રહ્યું છે. પાકિસ્તાન જેવી જ આર્થિક પાયમાલી અને આતંકવાદી ગતિવિધિઓ બાંગ્લાદેશમાં પણ ઘર કરી જાય તેવા સંજોગો ઊભા કરવામાં આવી રહ્યા છે.
આ બદલાતી જતી ભૌગોલિક પરિસ્થિતિ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાની શાંતિ માટે પડકારરૂપ છે. એકતરફ વેપાર અને સહયોગની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને ઘેરવાની રણનીતિ ઘડાઈ રહી છે. જો બાંગ્લાદેશ પાકિસ્તાનની આ 'ડેથ ટ્રેપ'માં ફસાયું, તો આવનારા સમયમાં ત્યાં પણ પાકિસ્તાન જેવી જ આર્થિક કંગાળીયત અને લોહિયાળ આતંકવાદના દ્રશ્યો જોવા મળી શકે છે, જેની સીધી અસર સરહદી સુરક્ષા પર પડશે.
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
