News of Sunday, 25th January 2026
બ્રિટિશ સૈનિકોના બલિદાનને ટ્રમ્પની સલામ: નાટો અંગેના નિવેદન બાદ સર્જાયેલા વિવાદ પર પૂર્ણવિરામ મૂકવા બ્રિટિશ સેનાને 'સેકન્ડ ટુ નન' ગણાવી
પરોક્ષ રીતે માફી માંગતા અને બ્રિટિશ સેનાનું મનોબળ વધારતા તેમણે ઉમેર્યું હતું કે, બ્રિટન અને અમેરિકા વચ્ચેનું બંધન અતૂટ છે

ટ્રમ્પ દ્વારા વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં નાટો દળો અંગે કરવામાં આવેલા નિવેદને બ્રિટનમાં ભારે તોફાન જગાવ્યું હતું: ત્યારબાદ હવે ટ્રમ્પે ડેમેજ કંટ્રોલ કરવા બ્રિટિશ સૈનિકોની ભરપૂર પ્રશંસા કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દાવોસ ખાતેના વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં નાટો દળો અંગે કરવામાં આવેલા એક નિવેદને બ્રિટનમાં ભારે તોફાન જગાવ્યું હતું, ત્યારબાદ હવે ટ્રમ્પે ડેમેજ કંટ્રોલ કરતા બ્રિટિશ સૈનિકોની ભરપૂર પ્રશંસા કરી છે. અગાઉ સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં બોલતા ટ્રમ્પે ટિપ્પણી કરી હતી કે અફઘાનિસ્તાન યુદ્ધ દરમિયાન નાટો દળો "ફ્રન્ટ લાઈનથી થોડા દૂર" રહ્યા હતા. આ નિવેદનને કારણે યુનાઈટેડ કિંગડમમાં ભારે નારાજગી ફેલાઈ હતી અને બ્રિટિશ મીડિયા તેમજ રાજકીય વર્તુળોમાં ટ્રમ્પની ટીકા થઈ હતી. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરના નિવેદન બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.
આ વિવાદને શાંત પાડવા અને અમેરિકા-બ્રિટનના ઐતિહાસિક સંબંધોને મજબૂત રાખવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ મૂકીને બ્રિટિશ સૈનિકોની બહાદુરીને બિરદાવી છે.
ટ્રમ્પે લખ્યું છે કે, "યુનાઈટેડ કિંગડમના મહાન અને અત્યંત બહાદુર સૈનિકો હંમેશા યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની સાથે રહેશે." તેમણે અફઘાનિસ્તાન યુદ્ધમાં બ્રિટિશ સેનાના બલિદાનને યાદ કરતા જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં ૪૫૭ (ચારસો સત્તાવન) બ્રિટિશ સૈનિકો શહીદ થયા હતા અને અનેક ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટ્રમ્પે આ સૈનિકોને "મહાન યોદ્ધાઓ" ગણાવ્યા હતા.
પોતાના જૂના નિવેદન પર પરોક્ષ રીતે માફી માંગતા અને બ્રિટિશ સેનાનું મનોબળ વધારતા તેમણે ઉમેર્યું હતું કે, બ્રિટન અને અમેરિકા વચ્ચેનું બંધન અતૂટ છે.
તેમણે બ્રિટિશ મિલિટરીને "હાર્ટ એન્ડ સોલ" (દિલ અને આત્મા) સાથે લડનારી ગણાવી હતી અને કહ્યું હતું કે અમેરિકા સિવાય બ્રિટિશ સેનાની તોલે કોઈ આવી શકે તેમ નથી (સેકન્ડ ટુ નન).
આ નિવેદન દ્વારા ટ્રમ્પે બ્રિટન સાથેની મિત્રતા અતૂટ હોવાનો સંદેશ આપ્યો છે અને "વી લવ યુ ઓલ" કહીને વિવાદ પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક નાનું નિવેદન પણ મિત્ર દેશો વચ્ચે કેવી ગેરસમજ ઉભી કરી શકે છે અને તેને સુધારવા માટે ઉચ્ચ સ્તરેથી પ્રયાસો કરવા પડે છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
