<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

ઈરાન પર મોટા હુમલાની તૈયારી: અમેરિકા અને ઈઝરાયેલના સૈન્ય વડાઓ વચ્ચે ગુપ્ત બેઠક, ટ્રમ્પ પ્રશાસનમાં યુદ્ધ મુદ્દે મતભેદ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ

મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા: અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ઈરાન પર સંભવિત લશ્કરી કાર્યવાહીને લઈને ઉચ્ચ સ્તરીય હિલચાલ તેજ

મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે. અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ઈરાન પર સંભવિત લશ્કરી કાર્યવાહીને લઈને ઉચ્ચ સ્તરીય હિલચાલ તેજ થઈ ગઈ છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર, યુ.એસ. સેન્ટ્રલ કમાન્ડ ના કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપર અને ઈઝરાયેલના ચીફ ઓફ જનરલ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ ઈયાલ ઝામીર વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ચેનલ ૧૩ ના અહેવાલ મુજબ, આ બેઠકનો મુખ્ય એજન્ડા ઈરાન પર સંભવિત હુમલાની રૂપરેખા તૈયાર કરવાનો હતો. ઈઝરાયેલી અધિકારીઓએ આ બેઠકમાં સ્પષ્ટ માંગણી મૂકી છે કે ઈરાન પરના કોઈપણ હુમલામાં તેના 'સરફેસ-ટુ-સરફેસ' મિસાઈલ સિસ્ટમ્સ (જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઈલો) અને ઈરાનની સરકારી સંસ્થાઓને મુખ્ય નિશાન બનાવવામાં આવે. આ સ્ટ્રેટેજિક ચર્ચા સૂચવે છે કે ઈઝરાયેલ હવે ઈરાનના સૈન્ય માળખાને જડમૂળથી નુકસાન પહોંચાડવા માંગે છે.

જોકે, આ સૈન્ય તૈયારીઓ વચ્ચે રાજકીય મોરચે અમેરિકામાં જ મોટો મતભેદ સામે આવ્યો છે. હિબ્રુ અખબાર 'ઈઝરાયેલ હાયોમ' ના અહેવાલ પ્રમાણે, ટ્રમ્પ પ્રશાસન અને મધ્ય પૂર્વના સહયોગી દેશો ઈરાન પર હુમલો કરવાના મુદ્દે બે ભાગમાં વહેંચાઈ ગયા છે. 
એક જૂથ યુદ્ધની તરફેણમાં છે, જેમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ, સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો, ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથ તેમજ બ્રિટન, ઈઝરાયેલ અને યુનાઈટેડ આરબ અમીરાતનો સમાવેશ થાય છે. આ તમામ પક્ષો ઈરાન સામે કડક સૈન્ય કાર્યવાહીના સમર્થનમાં છે.
બીજી તરફ, આશ્ચર્યજનક રીતે ટ્રમ્પના નજીકના ગણાતા સ્પેશિયલ એન્વોય જેરેડ કુશ અને સ્ટીવ વિટકોફ આ હુમલાની વિરુદ્ધમાં હોવાનું કહેવાય છે. તેમની સાથે તુર્કી, સાઉદી અરેબિયા અને કતાર પણ છે, જેઓ ઈરાન પર સીધા હુમલાનો વિરોધ કરી રહ્યા છે. સાઉદી અરેબિયા અને કતાર જેવા દેશોને ડર છે કે જો યુદ્ધ ભડકશે તો તેની સીધી અસર તેમના તેલના ભંડારો અને પ્રાદેશિક સુરક્ષા પર પડશે. આમ, વોશિંગ્ટનમાં જ આ મુદ્દે એકમત સધાયો નથી.
આ વધતી જતી તંગદિલીની સીધી અસર સામાન્ય નાગરિક ઉડ્ડયન સેવાઓ પર પણ જોવા મળી છે. ઈટાલીની મુખ્ય એરલાઈન 'ઈટા એરવેઝ'  દ્વારા તાત્કાલિક અસરથી ઈઝરાયેલ આવતી અને જતી તમામ રાત્રિ ફ્લાઈટ્સ ૨૭ જાન્યુઆરી સુધી રદ કરી દેવામાં આવી છે. એરલાઈને આ નિર્ણય પાછળ 'પ્રાદેશિક તણાવ' નું કારણ આપ્યું છે, જે સ્પષ્ટપણે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેની યુદ્ધ જેવી સ્થિતિ તરફ ઈશારો કરે છે.
આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ દ્વારા ફ્લાઈટ્સ રદ કરવી એ બાબતનો સંકેત છે કે ગમે ત્યારે મોટી સૈન્ય કાર્યવાહી થઈ શકે છે

(4:55 PM IST)