<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

ચૂંટણી વચન પાળવા સરપંચે લોહીની હોળી ખેલી: 300 રખડતા શ્વાનોની સામૂહિક હત્યાથી હાહાકાર

વચન પૂરું કરવા માટે તેલંગાણાના જગતિયાલમાં રખડતા કૂતરાઓને અપાયા ઝેરી ઇન્જેક્શન: જાન્યુઆરીમાં જ 900 થી વધુ જીવોને મોતના ઘાટ ઉતારતા પ્રાણી પ્રેમીઓમાં આક્રોશ : સરપંચ અને સચિવ વિરુદ્ધ FIR

હૈદરાબાદ:  રાજકારણમાં ચૂંટણી વચનો પૂરા કરવા માટે નેતાઓ ઘણીવાર કોઈપણ હદ વટાવી દેતા હોય છે, પરંતુ તેલંગાણાના જગતિયાલ જિલ્લામાં જે બન્યું તે માનવતાને શરમાવે તેવું છે. પેગડાપલ્લી ગામના સરપંચ પર આરોપ છે કે તેમણે ગામને 'રખડતા કૂતરા મુક્ત' કરવાના પોતાના ચૂંટણી વચનને અંજામ આપવા માટે આશરે 300 નિર્દોષ શ્વાનોની હત્યા કરાવી નાખી. આ કમકમાટીભરી ઘટનામાં વ્યાવસાયિક ડોગ કિલર્સને બોલાવીને શ્વાનોને ઘાતક ઝેરી ઇન્જેક્શન આપીને પતાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવતા જ પ્રાણી અધિકાર કાર્યકરો અને સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં દફન સ્થળ પરથી અત્યાર સુધીમાં 70 થી 80 શ્વાનોના કોહવાયેલા મૃતદેહો મળી આવ્યા છે, જે સામૂહિક હત્યાકાંડની ગવાહી આપી રહ્યા છે. આ મામલે પોલીસે સરપંચ અને ગ્રામ પંચાયત સચિવ વિરુદ્ધ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને તપાસ તેજ કરી છે. ઇન્સ્પેક્ટર કિરણના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે કૂતરાઓને કયા પ્રકારનું ઝેર આપવામાં આવ્યું હતું. જોકે, આખા ગામમાં છવાયેલી સ્તબ્ધતા સૂચવે છે કે વચન નિભાવવાની લ્હાયમાં કાયદો અને કરુણા બંનેને કચડી નાખવામાં આવ્યા છે.

ચોંકાવનારી વિગત એ છે કે તેલંગાણામાં આ કોઈ એકલી ઘટના નથી; માત્ર જાન્યુઆરી મહિનામાં જ રાજ્યના વિવિધ ભાગોમાં અંદાજે 900 થી વધુ રખડતા કૂતરાઓને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા હોવાના અહેવાલ છે. હનમકોંડા અને કામારેડ્ડી જિલ્લામાં પણ મહિલા સરપંચો સહિત અનેક લોકો સામે કૂતરાઓની હત્યાના કેસ નોંધાયા છે. ચૂંટણી જીતવા માટે મૂંગા જીવોનો ભોગ લેવાની આ નવી 'રાજકીય ફોર્મ્યુલા' એ નૈતિકતા અને વહીવટીતંત્રની નિષ્ફળતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. શું કોઈ વચન પૂર્ણ કરવા માટે આટલી હિંસા વાજબી છે? તે પ્રશ્ન અત્યારે આખા રાજ્યમાં ચર્ચાઈ રહ્યો છે.

(7:55 PM IST)