News of Sunday, 25th January 2026
મહારાષ્ટ્રમાં 'રંગ'નું રાજકારણ ગરમાયું: "આખા દેશને લીલો કરી દઈશું" : વારિસ પઠાણની લલકાર!
મુમ્બ્રા કોર્પોરેટરના નિવેદન બાદ AIMIM નેતાએ પક્ષના ઝંડાના રંગને વિકાસ અને વિજય સાથે જોડ્યો : નીતિશ રાણેનો વળતો પ્રહાર- "આ ઔરંગઝેબનું સપનું નથી, મહારાષ્ટ્ર તો ભગવો જ રહેશે"

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે રંગોની લડાઈ જામી છે. મુમ્બ્રામાં AIMIM કાઉન્સિલર સહર શેખની જીત બાદ આપેલા "મુમ્બ્રાને લીલો બનાવીશું" તેવા નિવેદને સોશિયલ મીડિયાથી લઈને રાજ્યના રાજકીય ગલિયારાઓમાં હોબાળો મચાવી દીધો છે. આ વિવાદમાં ઝંપલાવતા AIMIMના ફાયરબ્રાન્ડ નેતા વારિસ પઠાણે સહર શેખનો પક્ષ લીધો છે. પઠાણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેમની પાર્ટીનો ઝંડો લીલો છે અને લોકશાહીમાં દરેક પક્ષને પોતાનો પ્રભાવ વધારવાનો અધિકાર છે. તેમણે માત્ર મહારાષ્ટ્ર જ નહીં, પરંતુ સમગ્ર ભારતને 'લીલો' (પક્ષના રંગમાં રંગવા) કરવાની વાત કરી, જેને વિરોધીઓ ધાર્મિક એન્ગલથી જોઈ રહ્યા છે.
આ નિવેદન સામે આવતા જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને મંત્રી નીતિશ રાણેએ આક્રમક તેવર બતાવ્યા છે. રાણેએ ઐતિહાસિક ઉદાહરણો આપતા કહ્યું કે, ઔરંગઝેબ અને ટીપુ સુલતાન જેવા શાસકોએ પણ ભારતને 'લીલું' કરવાના સપના જોયા હતા, પરંતુ તે ક્યારેય પૂરું થયું નથી. તેમણે ચીમકી આપતા કહ્યું કે મહારાષ્ટ્રની ભૂમિ હંમેશા છત્રપતિ શિવાજી મહારાજના ભગવા રંગમાં જ રંગાયેલી રહેશે. રાણેના આ પલટવારથી રાજ્યમાં હિન્દુત્વ વિરુદ્ધ AIMIMની વિચારધારા વચ્ચે સીધો જંગ છેડાઈ ગયો હોય તેવું વાતાવરણ સર્જાયું છે.
બીજી તરફ, વારિસ પઠાણે હિંસા અને ધમકીભરી ભાષાનો વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે રાજકારણ એ વિચારોની લડાઈ હોવી જોઈએ, "કાપી નાખીશું કે દાટી દઈશું" જેવી ભાષા લોકશાહી માટે ઘાતક છે. પઠાણે ભારપૂર્વક કહ્યું કે દેશનું ભવિષ્ય જનતાના હાથમાં છે અને જે પક્ષ પ્રેમ અને વિશ્વાસ જીતશે તેની જ જીત થશે. હાલમાં તો આ 'લીલો વિરુદ્ધ ભગવો' વિવાદ આગામી ચૂંટણીઓ પહેલા રાજ્યમાં ધ્રુવીકરણના નવા સંકેતો આપી રહ્યો છે, જેનાથી રાજકીય પારો સાતમા આસમાને પહોંચ્યો છે.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
