News of Sunday, 25th January 2026
ઓપરેશન સિંદૂર: ભારતીય વાયુસેનાના પ્રચંડ પ્રહારોથી પાકિસ્તાન ઘૂંટણિયે: સ્વિસ રિપોર્ટમાં મોટો ખુલાસો!
રાફેલ અને બ્રહ્મોસના આક્રમણ સામે પાકિસ્તાની એરફોર્સના ડ્રોન અને F-16 ફેઈલ: ઈસ્લામાબાદ પાસેનું કમાન્ડ સેન્ટર ફૂંકી મરાતા પાકિસ્તાને આજીજી કરી યુદ્ધવિરામ કરાવ્યો : ભારતીય સૈન્યની હવાઈ શ્રેષ્ઠતા સ્થાપિત

નવી દિલ્હી:ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2025 માં સર્જાયેલી તણાવપૂર્ણ સ્થિતિ અંગે સ્વિટ્ઝર્લૅન્ડની પ્રતિષ્ઠિત થિંક ટેન્ક CHPM એ એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. 'ઓપરેશન સિંદૂર' નામથી ઓળખાતા આ મિલિટરી મિશનમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની અંદર ઘૂસીને જે વિનાશ વેર્યો હતો, તેના કારણે પાકિસ્તાની સેનાનું મનોબળ સંપૂર્ણપણે તૂટી ગયું હતું. રિપોર્ટ અનુસાર, પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે માત્ર ચાર દિવસમાં પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમને પાયમાલ કરી દીધી હતી. જ્યારે પાકિસ્તાને ચીની અને તુર્કી બનાવટના ડ્રોન દ્વારા ભારતીય એરબેઝ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભારતના અજેય સંરક્ષણ કવચે તેમને સરહદ પર જ રોકી દીધા હતા.
આ રિપોર્ટમાં સૌથી મહત્વની વિગત એ છે કે ભારતે અત્યાધુનિક ઈઝરાયલી ટેકનોલોજી અને સ્વદેશી બ્રહ્મોસ મિસાઈલોનો એવો સમન્વય કર્યો કે પાકિસ્તાનના રડાર 'બ્લાઈન્ડ' (અંધ) થઈ ગયા હતા. ભારતીય રાફેલ અને સુખોઈ-30 વિમાનોએ પાકિસ્તાનની અંદર 200 કિલોમીટર સુધી ઊંડા ઘૂસીને નૂર ખાન એરબેઝ અને મુરીદ જેવા મહત્વના સૈન્ય મથકોને તબાહ કરી દીધા હતા. પાકિસ્તાની વાયુસેનાના પાંચ અત્યાધુનિક ફાઈટર જેટ્સ પણ તોડી પાડવામાં આવ્યા હતા. આ પ્રચંડ આક્રમણને કારણે પાકિસ્તાની નેતાગીરી એટલી હદે ગભરાઈ ગઈ હતી કે તેમણે વધુ વિનાશ ટાળવા માટે તાત્કાલિક ભારત સામે યુદ્ધવિરામ માટેની અપીલ કરવી પડી હતી.
સ્વિસ એરફોર્સના નિવૃત્ત મેજર જનરલ એડ્રિયન ફોન્ટાનેલાઝ દ્વારા લખાયેલ આ અહેવાલ સાબિત કરે છે કે ભારતે પરમાણુ યુદ્ધની મર્યાદા ઓળંગ્યા વગર પણ પાકિસ્તાનને આર્થિક અને સૈન્ય રીતે લકવાગ્રસ્ત કરવાની ક્ષમતા કેળવી લીધી છે. રહીમ યાર ખાન અને રફીકી એર બેઝ પર થયેલા હુમલાઓએ પાકિસ્તાનની વ્યૂહાત્મક શક્તિને વર્ષો પાછળ ધકેલી દીધી છે. આ રિપોર્ટ વિશ્વ સમક્ષ ભારતીય વાયુસેનાની નવી તાકાત અને ટેકનોલોજીકલ પકડનો પુરાવો આપે છે, જેના કારણે દક્ષિણ એશિયામાં શક્તિનું સંતુલન હવે સંપૂર્ણપણે ભારત તરફ નમી ગયું છે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
