તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Sunday, 25th January 2026
"૧૦ માંથી ૯ ધર્મગુરુઓ પાખંડી છે": મમતા કુલકર્ણીનો શંકરાચાર્ય અને મહામંડલેશ્વરો પર સીધો પ્રહાર
માત્ર ભગવા વસ્ત્રો પહેરવાથી કોઈ સંત નથી બની જતું: પાલખી વિવાદમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ભીંસમાં લીધા અને અખિલેશ યાદવને ગૌહત્યા મુદ્દે ફેંક્યો પડકાર

પ્રયાગરાજ: કિન્નર અખાડાના મહામંડલેશ્વર મમતા કુલકર્ણીએ હાલમાં જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને અન્ય ધાર્મિક વડાઓ સામે મોરચો માંડ્યો છે. તેમણે IANS સાથેની વાતચીતમાં અત્યંત વિસ્ફોટક વિધાન કરતા કહ્યું કે, વર્તમાન સમયમાં દસમાંથી નવ મહામંડલેશ્વર અને શંકરાચાર્યો જૂઠા છે અને તેઓ માત્ર પદના ભૂખ્યા છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પર નિશાન સાધતા તેમણે પૂછ્યું કે, લાખોની મેદની વચ્ચે પાલખીમાં બેસીને નીકળવાની શું જરૂર હતી? જો તેઓ ગુરુ તરીકે સૌમ્યતા દાખવીને પગપાળા ચાલ્યા હોત, તો તેમના શિષ્યોએ માર ખાવાનો વારો ન આવ્યો હોત. મમતાના મતે, આધુનિક ધર્મગુરુઓ પાસે આત્મજ્ઞાનનો અભાવ છે અને તેઓ માત્ર દેખાડો કરી રહ્યા છે.
ધર્મની સાથે રાજકારણને જોડતા નેતાઓ પર પણ મમતા કુલકર્ણીએ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને સીધો સવાલ કર્યો હતો કે, શું તેઓ ગૌહત્યા બંધ કરવાનું વચન આપી શકે છે? તેમણે ઋગ્વેદના કુણાલ અને શ્વેતકેતુ વચ્ચેના સંવાદનો દાખલો આપીને સમજાવ્યું કે ધર્મ એ આંતરિક શુદ્ધિનો વિષય છે, રાજકીય રોટલા શેકવાનું સાધન નહીં. મમતાએ ખેદ વ્યક્ત કર્યો કે આજે ગલીએ-ગલીએ નવા મહામંડલેશ્વરોની નિમણૂક થઈ રહી છે, જેના કારણે આ પવિત્ર પદની ગરિમા અને ગંભીરતા હવે એક મજાક બનીને રહી ગઈ છે.
પોતાની આધ્યાત્મિક યાત્રાના અનુભવો શેર કરતા મમતાએ કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસ અને અન્ય ઉપદેશકોની સમજ પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું હતું. તેમણે કહ્યું કે જેમને વેદ અને પરંપરાની પાયાની સમજ નથી, તેઓ આજે મંચ પરથી નૃત્ય અને સંગીત જેવી કળાઓની ટીકા કરે છે. ભગવાન શિવના નટરાજ સ્વરૂપ અને શ્રીકૃષ્ણની લીલાઓનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં કળા ક્યારેય તુચ્છ નહોતી. મમતા કુલકર્ણીના આ આક્રમક વલણ અને ધર્મગુરુઓ પરના "પાખંડી" હોવાના આક્ષેપોએ પ્રયાગરાજથી લઈને કાશી સુધીના સંત સમાજમાં ભારે વિવાદ છેડ્યો છે.
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
