રણમેદાનનો રાજા: કર્તવ્ય પથ પર ભારતનું શૌર્ય પ્રદર્શન, દુશ્મનોમાં ફફડાટ
રાફેલની ગર્જના અને બ્રહ્મોસનો ટંકાર: 77મા પ્રજાસત્તાક પર્વે 'ઓપરેશન સિંદૂર'ના શસ્ત્રો સાથે ભારતે દુનિયાને બતાવી પોતાની પ્રચંડ સૈન્ય શક્તિ અને આત્મનિર્ભરતાની ઝલક

નવી દિલ્હી: 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દિલ્હીના કર્તવ્ય પથ પર 'નવા ભારત'ની અજેય શક્તિના દર્શન થયા હતા. "વંદે માતરમ - આત્મનિર્ભર ભારત" થીમ હેઠળ આયોજિત પરેડમાં ભારતીય સેનાએ પોતાની સૈન્ય ક્ષમતાનું એવું પ્રદર્શન કર્યું કે દુશ્મનોના હૃદયમાં ધ્રાસકો પડી ગયો હતો. ખાસ કરીને 'ઓપરેશન સિંદૂર'માં જે શસ્ત્રોએ પાયમાલી સર્જી હતી, તે રાફેલ, સુખોઈ અને બ્રહ્મોસ મિસાઇલના પ્રદર્શને પાકિસ્તાન જેવા પડોશી દેશોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતની ભૂગોળ અને ઇતિહાસ બદલવાની તાકાત હવે આપણી સેના પાસે છે. આકાશમાં વાયુસેનાના વિમાનોના એક્રોબેટિક્સ અને હેલિકોપ્ટર દ્વારા લહેરાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'ના ધ્વજે સૌના રુંવાડા ઉભા કરી દીધા હતા.
મેદાન પર આકર્ષણનું કેન્દ્ર ભારતનું પ્રથમ સ્વદેશી આર્મર્ડ લાઈટ સ્પેશિયાલિસ્ટ વાહન (HMRV) અને T-90 ભીષ્મ ટેન્ક રહ્યા હતા. મહિન્દ્રા ડિફેન્સ દ્વારા વિકસિત HMRV રડાર બ્લાઇન્ડ ઝોનમાં પણ દુશ્મન પર ત્રાટકવા સક્ષમ છે. તેની સાથે અર્જુન MK મુખ્ય યુદ્ધ ટેન્ક અને નાગ મિસાઇલ સિસ્ટમ (MK-2) એ ભારતીય ભૂમિદળની આધુનિકતાની સાબિતી આપી હતી. અજયકેતુ અને રંધાવાજ જેવા ઓલ-ટેરેન વાહનો સાથે જોડાયેલી વિશેષ દળોની ટુકડીએ સાબિત કર્યું કે કોઈપણ ભૌગોલિક પરિસ્થિતિમાં દુશ્મનને ધૂળ ચટાડવા માટે ભારતીય જવાનો સજ્જ છે.
ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતે દિવ્યસ્ત્ર અને શક્તિબાન જેવી અત્યાધુનિક મિસાઇલોનું પ્રદર્શન કર્યું હતું. આ મિસાઇલો સ્વોર્મ ડ્રોન અને સ્વદેશી હાઇબ્રિડ UAV 'ઝોલ્ટ' સાથે મળીને અભેદ સુરક્ષા કવચ પૂરું પાડે છે. આ ઉપરાંત, સૂર્યસ્ત્ર યુનિવર્સલ રોકેટ લોન્ચર સિસ્ટમ (URLS) અને બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલની હાજરીએ કર્તવ્ય પથને રણમેદાન જેવો શૌર્યસભર બનાવી દીધો હતો. આકાશ વેપન સિસ્ટમ અને ABHRA (MRSAM) જેવી મધ્યમ અંતરની મિસાઇલોએ આકાશી માર્ગે આવતા કોઈપણ જોખમને નેસ્તનાબૂદ કરવાની ભારતની ક્ષમતા પ્રદર્શિત કરી હતી.
આ વર્ષની પરેડનું સૌથી મોટું આકર્ષણ DRDO દ્વારા વિકસિત લોંગ રેન્જ એન્ટિ-શિપ મિસાઇલ (LR-ASHM) હતું. મેક 10 થી શરૂ થતી હાઇપરસોનિક ગતિ અને 1,500 કિમીની પ્રચંડ રેન્જ ધરાવતી આ મિસાઇલ ભારતને વિશ્વના તે ગણ્યાગાંઠ્યા દેશોની ક્લબમાં લઈ ગઈ છે જેઓ હાઇપરસોનિક ક્ષમતા ધરાવે છે. સ્થિર અને ગતિશીલ બંને લક્ષ્યો પર ત્રાટકવા સક્ષમ આ 'ગ્લાઇડ મિસાઇલ' ભારતીય નૌકાદળની તાકાતમાં અનેકગણો વધારો કરશે. કર્તવ્ય પથ પરનું આ પ્રદર્શન માત્ર પરેડ નહોતું, પરંતુ ભારતની વૈશ્વિક લશ્કરી મહાસત્તા તરીકેની સત્તાવાર જાહેરાત હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
