હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રેડ ડીલમાં 'ઘરના જ વિલન': ટ્રમ્પના ખાસ નેતાઓએ જ ભારત સાથેની ડીલ અટકાવી
સેનેટર ટેડ ક્રૂઝનો સનસનાટીપૂર્ણ ઘટસ્ફોટ: પીટર નવારો અને જેડી વેન્સ ભારત વિરોધી વલણ અપનાવી રહ્યા હોવાનો ઓડિયો લીક, ટેરિફ યુદ્ધથી અમેરિકામાં મોંઘવારી વધવાની અને ચૂંટણી હારવાની દહેશત

વોશિંગ્ટન: ભારત અને અમેરિકા વચ્ચેની વ્યાપારિક સમજૂતી (Trade Deal) માં અચાનક આવેલી રૂકાવટ પાછળનું અસલી કારણ હવે સપાટી પર આવ્યું છે. એક ચોંકાવનારા ઓડિયો લીકમાં અમેરિકન સેનેટર ટેડ ક્રૂઝે ઘરના જ ભેદુઓના નામ ખોલ્યા છે. ક્રૂઝના મતે, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રના બે શક્તિશાળી નેતાઓ - પીટર નવારો અને ઉપપ્રમુખ જેડી વેન્સ - ભારત સાથેની આ ડીલમાં સૌથી મોટા અવરોધ સાબિત થઈ રહ્યા છે. આ બંને નેતાઓ ભારત પ્રત્યે કડક વલણ રાખવાના અને રશિયા સાથેના તેલ વ્યાપારને મુદ્દે ભારત પર તોતિંગ ટેરિફ લાદવાના પક્ષમાં હોવાનું બહાર આવ્યું છે.
લીક થયેલા ઓડિયોમાં ટેડ ક્રૂઝ પાર્ટી ડોનર્સ સાથેની ગુપ્ત વાતચીતમાં સ્વીકારી રહ્યા છે કે વાઈટ હાઉસની અંદર જ એક મોટું જૂથ ભારત વિરોધી માનસિકતા ધરાવે છે. પીટર નવારો અને જેડી વેન્સ સતત પ્રમુખ ટ્રમ્પને ભારત પર આર્થિક દબાણ લાવવા માટે ઉશ્કેરી રહ્યા છે. આ ઘટસ્ફોટ એ સમયે થયો છે જ્યારે વિશ્વ આશા રાખી રહ્યું હતું કે મોદી-ટ્રમ્પની મિત્રતા ટ્રેડ ડીલને પાર પાડશે. જોકે, અંદરખાને ચાલી રહેલી આ ખેંચતાણે સાબિત કર્યું છે કે રાજદ્વારી સંબંધોમાં વહીવટીતંત્રના આંતરિક સમીકરણો કેટલી ગંભીર અસર કરી શકે છે.
ટેડ ક્રૂઝે આ મામલે ટ્રમ્પને ચેતવણી પણ આપી છે કે જો ભારત જેવા વ્યૂહાત્મક ભાગીદાર પર ભારે ટેરિફ લાદવામાં આવશે, તો તેની સીધી અસર અમેરિકન બજાર પર પડશે. મોંઘવારી આસમાને પહોંચશે અને અમેરિકન નાગરિકોમાં રોષ ફાટી નીકળશે. ક્રૂઝને ભય છે કે જો મોંઘવારી કાબૂમાં નહીં આવે, તો વર્ષ 2026માં યોજાનારી મિડ-ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીએ સત્તા ગુમાવવી પડી શકે છે. આમ છતાં, એવું લાગી રહ્યું છે કે વ્હાઇટ હાઉસમાં હાલમાં ભારત વિરોધી લોબીનું પલડું ભારે છે અને તેઓ આર્થિક હિતો કરતાં રાજકીય દબાણને વધુ મહત્વ આપી રહ્યા છે.
છેલ્લા પાંચ મહિનાથી અમેરિકાએ ભારતીય પ્રોડક્ટ્સ પર 50 ટકા જેટલો ટેરિફ લાદી રાખ્યો છે, જેના કારણે દ્વિપક્ષીય વ્યાપારને મોટું નુકસાન થઈ રહ્યું છે. વડાપ્રધાન મોદી અને પ્રમુખ ટ્રમ્પ વચ્ચેની જાહેરમાં દેખાતી મિત્રતા અને જમીની હકીકત વચ્ચે મોટું અંતર જોવા મળી રહ્યું છે. જેડી વેન્સ અને નવારોની જોડી જે રીતે ભારતને ઘેરવાના પ્રયાસ કરી રહી છે, તેનાથી ભારતીય નિકાસકારોમાં પણ ચિંતા ફેલાઈ છે. હવે જોવાનું એ રહેશે કે શું ટ્રમ્પ તેમના આ ખાસ સલાહકારોની વાત માનીને ભારત સાથેના સંબંધોમાં કડવાશ ઊભી કરશે કે પછી ટેડ ક્રૂઝની ચેતવણીને ગંભીરતાથી લેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
