ભારત-UAE દોસ્તીમાં નવો વળાંક: પાકિસ્તાનને પડતા પર પાટું જેવો ઝટકો
નાહ્યાનની ઓચિંતી ભારત મુલાકાત બાદ આર્થિક રીતે કંગાળ પાકિસ્તાન પર 'ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક': ઈસ્લામાબાદ એરપોર્ટના સંચાલનમાંથી UAE એ કરી પીછેહઠ, ૯૦૦ ભારતીય કેદીઓ થશે મુક્ત

નવી દિલ્હી: સંયુક્ત આરબ અમીરાત (UAE) ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાનની તાજેતરની ઓચિંતી ભારત મુલાકાતે પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે. દક્ષિણ એશિયામાં બદલાતા રાજદ્વારી પવનો વચ્ચે UAE એ પાકિસ્તાનને એક મોટો આર્થિક ઝટકો આપ્યો છે. અબુ ધાબીએ ઈસ્લામાબાદ ઈન્ટરનેશનલ એરપોર્ટના સંચાલન માટેની જે મહત્વની સમજૂતી ઓગસ્ટ ૨૦૨૫માં કરી હતી, તેમાંથી હવે પોતાનો હાથ ખેંચી લીધો છે. પાકિસ્તાન માટે આ સમાચાર આર્થિક રીતે પડતા પર પાટું સમાન છે, કારણ કે તેને આશા હતી કે આ ડીલથી તેને ડોલરની કટોકટીમાં થોડી રાહત મળશે.
પાકિસ્તાનમાંથી UAE ના મોં ફેરવવા પાછળના કારણોમાં નબળું ગવર્નન્સ અને કથળતી સુરક્ષા સ્થિતિ મુખ્ય છે. પાકિસ્તાનમાં રાજકીય દખલગીરી એટલી વધી ગઈ છે કે કોઈ પણ વિદેશી રોકાણકાર હવે ત્યાં પૈસા રોકતા ડરી રહ્યો છે. આ ઉપરાંત, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચેની વધતી નિકટતા પણ UAE ને ખૂંચી રહી હોય તેમ લાગે છે. સાઉદી અને UAE વચ્ચે મધ્ય પૂર્વમાં પ્રભુત્વ મેળવવાની ચાલી રહેલી સ્પર્ધામાં પાકિસ્તાને સાઉદીનું પલ્લું પકડતા, નાહ્યાને ભારત જેવા મજબૂત અને ભરોસાપાત્ર મિત્ર તરફ વધુ ઝુકાવ બતાવવાનું નક્કી કર્યું છે.
બીજી તરફ, ભારત અને UAE ની મિત્રતા નવી ઊંચાઈઓ સર કરી રહી છે. નાહ્યાનની ભારત મુલાકાત માત્ર મુલાકાત નહીં પણ પાકિસ્તાન-સાઉદી ગઠબંધનને એક જડબાતોડ વ્યૂહાત્મક જવાબ છે. બંને દેશોએ ૨૦૩૨ સુધીમાં દ્વિપક્ષીય વેપારને ૨૦૦ અબજ ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આટલું જ નહીં, એક ઐતિહાસિક સદ્ભાવનાના ભાગરૂપે UAE એ તેની જેલોમાં બંધ ૯૦૦ ભારતીય કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરીને વડાપ્રધાન મોદી પ્રત્યેના પોતાના આદર અને મિત્રતાનું પ્રમાણ આપ્યું છે.
એક સમયે પાકિસ્તાનનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર રહેલું અમીરાત હવે ભારત સાથે સંરક્ષણ અને આર્થિક ક્ષેત્રે 'સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ' વધારી રહ્યું છે. પાકિસ્તાનના એરપોર્ટ પ્રોજેક્ટમાંથી UAE નું નીકળી જવું એ સંકેત છે કે ઈસ્લામાબાદ હવે વૈશ્વિક મંચ પર એકલા પડી રહ્યું છે. લાયસન્સ વિવાદો અને આંતરિક ખેંચતાણને કારણે પાકિસ્તાની એકમો કચરાના ભાવે વેચાઈ રહ્યા છે, જે જોઈને કોઈ પણ મોટું રોકાણકાર જોખમ લેવા તૈયાર નથી. આગામી સમયમાં ભારત-UAE ની આ જુગલબંદી દક્ષિણ એશિયાના વેપાર નકશાને સંપૂર્ણપણે બદલી નાખશે તે નિશ્ચિત છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
