હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બંગાળમાં અગ્નિતાંડવ: ગોદામમાં 7 લોકો જીવતા ભુંજાયા, સાત કલાકે આગ પર કાબૂ મેળવાયો
નઝીરાબાદમાં વહેલી સવારે મોતનો ધુમાડો પ્રસરી ગયો: ઠંડા પીણાના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં સાતેય મૃતદેહો કોલસો થઈ ગયા અને હજુ પણ અનેક લોકો ગુમ હોવાની આશંકા

કોલકાતા:પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં સોમવારની વહેલી સવાર કાળ બનીને ત્રાટકી હતી. કોલકાતાની સરહદે આવેલા નઝીરાબાદ વિસ્તારમાં ઠંડા પીણા અને પેકેજ્ડ ફૂડના એક વિશાળ ગોદામમાં વહેલી સવારે 3 વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં સાત કમનસીબ શ્રમિકોના જીવતા બળી જવાથી કરુણ મોત નીપજ્યા છે. આગ એટલી વિકરાળ હતી કે સાત કલાકની ભારે જહેમત બાદ તેના પર કાબૂ મેળવી શકાયો હતો. પોલીસ અધિક્ષક શુભેન્દુ કુમારના જણાવ્યા અનુસાર, સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલા મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ છે.
જ્યારે આખું શહેર ગાઢ નિદ્રામાં હતું ત્યારે લાગેલી આ આગે મિનિટોમાં જ આખા ગોદામને લપેટમાં લઈ લીધું હતું. અંદર સંગ્રહિત પ્લાસ્ટિકની બોટલો અને ખાદ્ય સામગ્રીને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી, પરંતુ ગોદામમાં જવા માટેનો માર્ગ સાંકડો હોવાથી અને ગાઢ ધુમાડો હોવાથી બચાવ કામગીરીમાં ભારે અવરોધ ઊભો થયો હતો. અંતે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમની મદદ લઈ દીવાલો તોડીને ધુમાડો બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે જઈને ફાયરના જવાનો અંદર પ્રવેશી શક્યા હતા.
આ કરૂણિકાની ગંભીરતા જોતા રાજ્યના ઉર્જા મંત્રી અરૂપ બિશ્વાસે પણ તાત્કાલિક સ્થળની મુલાકાત લીધી હતી. પ્રારંભિક અહેવાલો મુજબ છ લોકો ગુમ હોવાની જાણકારી મળી હતી, પરંતુ કાટમાળ નીચેથી સાત મૃતદેહો મળી આવતા મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે. હજુ પણ કાટમાળ હટાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે, કારણ કે આશંકા છે કે હજુ પણ કેટલાક કામદારો અંદર ફસાયેલા હોઈ શકે છે. વહીવટી તંત્ર દ્વારા આખા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આ હોનારત સર્જાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. રહેણાંક વિસ્તારની નજીક આવા મોટા ગોદામમાં ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહીં તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં સુરક્ષાના ધોરણોની ગંભીર બેદરકારી ફરી એકવાર ઉજાગર કરી છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે અને મૃતકોના પરિવારોને જાણ કરવા માટેના પ્રયાસો તેજ કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
