<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

અદમ્ય સાહસને સલામ: ગગનયાત્રી શુભાંશુ શુક્લાને શાંતિકાળના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર 'અશોક ચક્ર' થી સન્માનિત: દેશનું ગૌરવ વધારનાર જાંબાઝ ઓફિસરનું રાષ્ટ્રપતિ દ્વારા બહુમાન, અંતરિક્ષ મિશનમાં અસાધારણ કામગીરી બદલ સન્માન

ભારતીય વાયુસેનાના જાંબાઝ ઓફિસર અને ઈસરોના મહત્વકાંક્ષી મિશન ગગનયાન માટે પસંદગી પામેલા ગગનયાત્રી (એસ્ટ્રોનોટ) ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને રાષ્ટ્રપતિ દ્વારા ભારતનું શાંતિકાળનું સર્વોચ્ચ વીરતા સન્માન 'અશોક ચક્ર' એનાયત કરવામાં આવ્યું છે. આ પુરસ્કાર સામાન્ય રીતે યુદ્ધના મેદાન સિવાય અન્યત્ર બતાવેલી અસાધારણ બહાદુરી અને આત્મબલિદાન માટે આપવામાં આવે છે. શુભાંશુ શુક્લાને આ સન્માન મળવું એ સમગ્ર વાયુસેના અને વૈજ્ઞાનિક સમુદાય માટે ગૌરવની ક્ષણ છે.

 

શુભાંશુ શુક્લા એ ચાર પસંદગી પામેલા અવકાશયાત્રીઓમાંના એક છે જેઓ ભારતને અંતરિક્ષમાં લઈ જવા માટે સખત તાલીમ લઈ રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનના મિશન દરમિયાન તેમણે દર્શાવેલી સૂઝબૂઝ અને અદમ્ય સાહસને કારણે તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમની આ સિદ્ધિ લાખો યુવાનો માટે પ્રેરણારૂપ બની રહેશે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા એક ભવ્ય સમારોહમાં તેમને આ સન્માન પ્રદાન કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે સંરક્ષણ મંત્રી અને ઈસરોના ચેરમેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ અવોર્ડ માત્ર એક વ્યક્તિનું સન્માન નથી, પરંતુ તે ભારતની અંતરિક્ષ ક્ષેત્રે વધતી હરણફાળ અને આપણા સુરક્ષા દળોની ક્ષમતાનું પ્રમાણપત્ર છે. શુભાંશુ શુક્લાનું નામ હવે ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયું છે. તેમના પરિવારજનો અને વતન ઉત્તર પ્રદેશમાં આ સમાચારથી ખુશીની લહેર દોડી ગઈ છે.

(9:51 AM IST)