ચીની સેનામાં મહાવિદ્રોહ: રાષ્ટ્રપતિ શી જિનપિંગના અત્યંત નજીકના જનરલ પર પરમાણુ રહસ્યો અમેરિકાને વેચવાનો સનસનીખેજ આરોપ
જનરલ ઝાંગ પર જાસૂસી ઉપરાંત ભ્રષ્ટાચારના પણ ગંભીર આરોપો: પદવીમાં બઢતી માટે જંગી લાંચ લેવી, સેનાની અંદર પોતાના રાજકીય જૂથો બનાવવા, સેન્ટ્રલ મિલિટરી કમિશનમાં પોતાના અધિકારોનો દુરુપયોગ કરવો અને સૈન્ય ખરીદી પ્રક્રિયામાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવો જેવા ગુનાઓનો સમાવેશ

પાડોશી દેશ ચીનમાં હાલ રાજકીય અને સૈન્ય સ્તરે ભારે ઉથલપાથલ ચાલી રહી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના અત્યંત વિશ્વાસુ મનાતા એક ઉચ્ચ સૈન્ય જનરલ પર દેશદ્રોહનો ગંભીર આરોપ લાગ્યો છે. અહેવાલો અનુસાર, ચીની સેનાના રોકેટ ફોર્સના એક ટોચના જનરલ પર આરોપ છે કે તેમણે ચીનના અત્યંત ગોપનીય ન્યૂક્લિયર (પરમાણુ) પ્રોગ્રામને લગતા દસ્તાવેજો અને રહસ્યો અમેરિકાને લીક કર્યા છે. આ સમાચાર સામે આવતા જ ચીનના સત્તાધારી પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટી અને સેનામાં હડકંપ મચી ગયો છે. જે જનરલ પર આ આરોપો લાગ્યા છે, તેઓ જિનપિંગના ખાસ વર્તુળમાંના એક ગણાતા હતા અને તેમનું કદ સેનામાં ઘણું મોટું હતું.
આ ઉપરાંત, જનરલ ઝાંગ પર માત્ર જાસૂસી જ નહીં, પરંતુ ભ્રષ્ટાચારના પણ ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. જેમાં પદવીમાં બઢતી માટે જંગી લાંચ લેવી, સેનાની અંદર પોતાના રાજકીય જૂથો બનાવવા, સેન્ટ્રલ મિલિટરી કમિશનમાં પોતાના અધિકારોનો દુરુપયોગ કરવો અને સૈન્ય ખરીદી પ્રક્રિયામાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવો જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.
ચીનની સેનામાં ચાલી રહેલા આ 'શુદ્ધિકરણ' અભિયાન હેઠળ અત્યાર સુધીમાં અનેક મોટા માથાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આ ઘટના દર્શાવે છે કે ચીનની શક્તિશાળી ગણાતી પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)માં અંદરખાને વ્યાપક ભ્રષ્ટાચાર અને અસંતોષ પ્રવર્તી રહ્યો છે.
સંરક્ષણ નિષ્ણાતોના મતે, જો પરમાણુ રહસ્યો લીક થયાની વાત સાચી હોય તો, તે ચીન માટે અત્યાર સુધીનો સૌથી મોટો સુરક્ષા ફટકો સાબિત થઈ શકે છે. આ માહિતીમાં ચીનના મિસાઈલ લોન્ચિંગ લોકેશન્સ, પરમાણુ હથિયારોની સંખ્યા અને કમાન્ડ સેન્ટરની વિગતો સામેલ હોઈ શકે છે.
આ ઘટના બાદ શી જિનપિંગે સેનામાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે વ્યાપક તપાસના આદેશો આપ્યા છે. ચીનમાં ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશના નામે અવારનવાર જિનપિંગના વિરોધીઓને નિશાન બનાવવામાં આવે છે, પરંતુ આ વખતે તેમના જ નજીકના સાથી પર આરોપ લાગવો એ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. અમેરિકા સાથેના તંગદિલીભર્યા સંબંધો વચ્ચે આ ઘટસ્ફોટ બંને દેશો વચ્ચેની ખાઈને વધુ પહોળી કરી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
