મહાકાલના દરબારમાં VIP દર્શન પર સુપ્રીમ કોર્ટનો મોટો ફેંસલો: સમાનતાની અરજી ફગાવી
"કોર્ટ નક્કી નહીં કરે કે ગર્ભગૃહમાં કોણ જશે": મંદિરમાં કોને પ્રવેશ આપવો તે વહીવટી તંત્રનો વિષય હોવાનું સુપ્રીમનું મંતવ્ય

નવી દિલ્હી : ઉજ્જૈનના પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં સામાન્ય અને VIP ભક્તો વચ્ચે થતા કથિત ભેદભાવનો મામલો હવે શાંત પડ્યો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે મધ્યપ્રદેશ હાઈકોર્ટના તે ચુકાદાને યથાવત રાખ્યો છે, જેમાં 'VIP દર્શન'ની પ્રથાને પડકારતી અરજી ફગાવી દેવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે મંદિરમાં પૂજા અને દર્શનની વ્યવસ્થા કેવી રીતે કરવી તે વહીવટી તંત્ર અને સમિતિનો વિષય છે, તેમાં કોર્ટે માર્ગદર્શિકા નક્કી કરવાની જરૂર નથી.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે અરજદાર દર્પણ અવસ્થીની અપીલ પર સુનાવણી કરતા આકરું અવલોકન કર્યું હતું. કોર્ટે જણાવ્યું હતું કે, "આવી અરજીઓ કરનારા લોકો સાચા ભક્ત નથી. જે લોકો સંચાલન સંભાળી રહ્યા છે તેમને નિર્ણય લેવા દો. જો કોર્ટ દરેક મંદિરમાં કોને પ્રવેશ આપવો તે નક્કી કરવા બેસશે, તો તે ન્યાયિક મર્યાદાની બહાર જશે." અરજદારના વકીલ વિષ્ણુ જૈને દલીલ કરી હતી કે VIP અને સામાન્ય ભક્તો વચ્ચેનો આ ભેદભાવ બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર) નું ઉલ્લંઘન છે, પરંતુ કોર્ટ આ દલીલોથી સંતુષ્ટ થઈ ન હતી.
અરજદાર દર્પણ અવસ્થીએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે વર્ષ 2023 થી મહાકાલ મંદિર સમિતિ રાજકારણીઓ, અમલદારો અને પ્રભાવશાળી વ્યક્તિઓને ગર્ભગૃહમાં જઈને પૂજા કરવાની મંજૂરી આપે છે, જ્યારે સામાન્ય ભક્તોને બહારથી જ દર્શન કરવા પડે છે. તેમણે માંગ કરી હતી કે ગર્ભગૃહમાં જલાભિષેક અને પૂજા માટે તમામ નાગરિકોને સમાન તક મળવી જોઈએ. જોકે, હાઈકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે.
જોકે, સુપ્રીમ કોર્ટે અરજદારને છૂટ આપી છે કે તેઓ પોતાની રજૂઆત સરકાર અને સંબંધિત અધિકારીઓ સમક્ષ કરી શકે છે. આ ચુકાદા બાદ હવે મહાકાલ મંદિરમાં હાલની VIP દર્શનની વ્યવસ્થા યથાવત રહેશે. ભક્તોમાં આ મામલે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, જ્યાં કેટલાક સમાનતાની માંગ કરી રહ્યા છે તો કેટલાક વહીવટી શિસ્ત માટે વિશેષ વ્યવસ્થાને યોગ્ય માની રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
